Apr 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-794

આમ, કેવળ ચૈતન્ય-રૂપ-આત્મામાં,જે સૃષ્ટિની પ્રતીતિ થાય છે,તે ચૈતન્ય-રૂપ જ છે અને (તે સૃષ્ટિ) ઉત્પન્ન જ નહિ થયા છતાં,માયા વડે ઉત્પન્ન થયા જેવી ભાસે છે.તે અધિષ્ઠાનચૈતન્ય જ સૃષ્ટિના આદિકાળમાં- પોતે નિર્વિકાર,પ્રકાશ-રૂપ અનાદિ અને પોતાના સ્વરૂપનો ત્યાગ નહિ કરતા અને અનેક-રૂપે ઉત્પન્ન નહિ થયા છતાં,કેમ જાણે પોતાના ચૈતન્ય-સ્વ-રૂપ વડે,માયાથી પોતે અનંત (સમષ્ટિ) ચિત્ત-રૂપે થઇ રહેલ હોય તેમ દેખાય છે.અને સ્થૂળતાની કલ્પનાને લીધે,હિરણ્યગર્ભથી સ્થૂળ વિરાટને આકારે પ્રસરી રહેલ હોય તેમ લાગે છે.
ત્યાર પછી,તે ચૈતન્ય અવિદ્યા વડે પ્રત્યેક જીવ-રૂપે,નામ-રૂપનો આકાર લઈને,
આ જગતને ભ્રાંતિથી સત્ય માની લે છે.અને આ પ્રમાણે એક આત્મ-તત્વ જ પોતાનામાં
અનેક ચમત્કારો કરનારી માયામાં પ્રતિબિંબ-વાળું થઇ જગતને આકારે પ્રસરી જઈ જગતની જેમ રહેલું છે.

(૯૭) દૃશ્ય દર્શન મિથ્યા છે.

દેશ-કાળ વડે,અંતવાળા પદાર્થોનો ક્રમ જણાય છે,પરંતુ નિર્વિકાર બ્રહ્મથી કશું ઉત્પન્ન પણ થતું નથી અને
લય પણ પામતું નથી.પોતાના સત્ય-સ્વરૂપમાં રહેલું પરબ્રહ્મ કોઈના ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી.
તે પોતે અનુભવ સ્વરૂપ છે,અને તેથી બીજું કશું છે નહિ.જગત-અહંકાર -આદિની જે કંઈ પ્રતીતિ થાય છે
તે પણ એ અનંત બ્રહ્મ જ છે અને તે જ સત્તા-રૂપ છે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,પરબ્રહ્મમાં જગત-અહંકાર-આદિ કશું પણ નથી એ હું જાણું છું,
પરંતુ જો એમ છે તો,પછી સૃષ્ટિની પ્રતીતિ કેમ થાય છે? તે મને કહો.

કુંભમુનિ કહે છે કે-તે અધિષ્ઠાન ચૈતન્ય જ પોતે કેવળ નિર્વિકાર અને ચેતન-સ્વરૂપ હોવા છતાં,
જગત-રૂપ-શરીરવાળું પ્રતીતિમાં આવે છે.
જગત-આદિ સર્વ પદાર્થ "બુદ્ધિ"નું જ પરિણામ છે તેમ નથી.તેમ જ બાહ્ય પૃથ્વી-આદિ
"પંચમહાભૂતથી સર્વ પદાર્થો સત્ય" છે એમ પણ નથી.અને સાવ "શૂન્ય" છે એમ પણ નથી.
પરંતુ જળનો, દ્રવ (રસ) એ સાર છે-તેમ સર્વ વસ્તુઓનો "અધિષ્ઠાન ચૈતન્ય" એ જ સાર છે.એમ કહી શકાય છે.

(નોંધ-બૌદ્ધ-મતમાં ઘણા બુદ્ધિની વાસનાથી જગત બને છે એમ કહે છે,અને કેટલાક શૂન્યને સત્ય કહે છે,
નૈયાયિકો પંચમહાભૂત,કાળ,દિશા,આત્મા અને મન નિત્ય દ્રવ્ય છે એમ કહે છે-
તો સાંખ્યો જગતનું સત્ય-પણું (દ્વૈત) માને છે-અહી અદ્વૈત સિદ્ધાંતથી અધિષ્ઠાન ચૈતન્ય જ સત્ય છે એમ કહે છે)

એ સર્વના સાર-રૂપ-અધિષ્ઠાન ચૈતન્યનું જડ-પણું,કોઈ પણ કારણથી બતાવી શકાય તેમ નથી.
એ અધિષ્ઠાન-ચૈતન્ય જ "ચૈતન્ય-રૂપે રહેવામાં" અને "માયા વડે જગતના આકારે દેખાવામાં"
એમ બંને પ્રકારે સમર્થ હોવાથી,પોતાના સ્વરૂપથી જેમ છે-તેમ જ રહેલું છે.
ચેતન અને જડ -એ બંનેમાં જડ (જગત) કે જે ચેતન વડે જ સત્તાવાળું હોવાથી,
ખરું જોતાં છે જ નહિ-એથી એ પરમપદમાં સ્વચ્છ ચેતન-પણું જ રહ્યું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE