Apr 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-795

તે બ્રહ્મ કૂટસ્થ (ગતિ-ભેદ-કે જાતિ વગરનું) અદ્વિતીય અને કાર્ય-કારણ રહિત છે,
માટે તે કોઈ રીતે પણ કોઈ કાર્યનું ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી અને તેનાથી સૃષ્ટિ થયેલી જ નથી.
આ જગતમાં નામ-રૂપમાં પ્રીતિને લીધે ચિત્તને રંજન કરનારું આ જે કંઈ દેખાય છે,
તે સર્વ ચૈતન્યમાં એક-રૂપે જ રહેલું છે,છતાં,માયા વડે,કેમ જાણે ઉત્પન્ન  થયું હોય તેમ લાગે છે.
વળી,કોઈ પણ પદાર્થમાં કારણ વિના કાર્ય ઘટતું નથી,
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.

તદુપરાંત,એ નામ-રૂપ-વાળું જગત અવશ્ય નાશ-વાળું હોવાથી ચૈતન્ય-રૂપ ઘટી શકતું નથી.
હે રાજા,કદાચિત પણ તમે જો,એ જગતના સર્વ પદાર્થોને સ્વભાવથી જ ઉત્પન્ન થનારા કે નાશ થનારા,
માની લેતા હો,તો પછી,અનુભવ-સિદ્ધ (શ્રુતિ-વગેરે થી સિદ્ધ)
અખંડ નિર્વિકાર એક ચૈતન્ય-રૂપને માનવામાં શું વાંધો છે?
આ રીતે પદાર્થોની સત્તા જ ના હોવાથી,બહારના દેખાવો આપોઆપ બંધ થતાં,તમને પછી અહંકારની ભાવના ક્યાંથી થવાની? અને જો અહંકાર જ હોય નહિ,તો ચિત્ત જુદું કે બીજું છે-એમ પણ ક્યાંથી કહી શકાય?

એ અહંકાર-રૂપી ચિત્ત જ નથી,તો પછી જીવ-બ્રહ્મનો,જડ-ચેતનનો,દર્શય-દર્શન-વગેરેનો ભેદ રહેતો નથી.
તેથી તમે વાસના-રહિત શાંત ચિત્ત-વાળા,સંકલ્પ વગરના,પરબ્રહ્મ-રૂપ,અને આ દૃશ્ય-જગતમાં રહ્યા છતાં જ્ઞાનથી પર્વતના જેવા દૃઢ થઇ,દેહ-સહિત જીવનમુક્ત થઈને રહો કે વિદેહમુક્ત થાઓ.
શુદ્ધ અધિષ્ઠાન જગતનું ભાન થતાં સર્વ જડ પદાર્થોનો અભાવ સિદ્ધ થવાથી,
તે પદાર્થો પ્રત્યેની ભાવના પણ ચિત્તમાં નહિ રહેતાં ચિત્તમાં "હું" એવું અહંકાર-રૂપે સ્ફૂરી આવતું,
જીવનું સ્વરૂપ પણ નથી જ,કે જેથી એક આત્મા જ અવશેષ રહે છે.

બ્રહ્મ-ચિંતન વડે સિદ્ધ થયેલો,"એક બ્રહ્મ-રૂપ-અર્થ" જ સત્ય હોવાથી,
છેવટે જ્ઞાન વડે સર્વનો બાધ થઇ અને બ્રહ્મનો બોધ થઇ જતાં,
વેદાર્થનો વિચાર કરવાની વૃત્તિ પણ ક્યાંથી જુદી રહે?
અને આમ સર્વ દ્વૈતનો બાધ થઇ જતાં,તમે શુદ્ધ  બ્રહ્મ-રૂપ જ છો કે જે બ્રહ્મ પ્રથમથી જ
મુક્ત-કારણરહિત,અને નિત્ય છે.પોતે એક જ હોવા છતાં,માયા વડે સર્વ અનેક-રૂપે થઈને રહેલું છે.
એટલે,તે ચૈતન્ય આદિ-મધ્ય-અંત વગરનું છે,ને તેમાં મિથ્યા-રૂપે રહેલું આ જગત શૂન્ય જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE