Apr 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-796

(૯૮) ચિત્તસત્તાનો નિરાસ (અસંભવતા)

શિખીધ્વજ કહે છે કે-ચિત્ત,છે જ નહિ,એવો બોધ,સહેલી રીતે થઇ જાય તેવી કોઈ બીજી યુક્તિ વિષે કહો,અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો,કેમ કે હજી હું સારી રીતે તે સમજ્યો નથી.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,કોઈ દેશ-કાળ કે વસ્તુ-રૂપે અજ્ઞાનથી જે ભાસે છે તે ચિત્ત,
જ્ઞાનથી જોતાં છે જ નહિ,જે કંઈ ચિત્ત-રૂપે ભાસે છે,તે એક સત્ય બ્રહ્મ-સ્વરૂપ જ છે.
તો પછી હું,તમે,તે -વગેરે ચિત્તે કલ્પેલી કલ્પના ક્યાંથી હોય?
ભ્રમ વડે,જે કંઈ આ જગત દેખાય છે,તે બધું એક-બ્રહ્મરૂપ છે અને  દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-પણ બ્રહ્મરૂપ છે,તો પછી તે -બ્રહ્મ,કોનાથી જણાય? અને શી રીતે જણાય?

મહા-પ્રલય થયા પછી સૃષ્ટિના આરંભકાળમાં આ જગત થયું જ નથી,પરંતુ તમને બોધ થવાના માટે.
અધ્યારોપની દ્રષ્ટિએ મેં તમને તેનો નિર્દેશ કરી બતાવ્યો.ઉપાદાન-કારણો નો અભાવ હોવાને લીધે,
અને કારણ વિના સર્વ કાર્યો અસંભવ હોવાથી તે (સૃષ્ટિ-વગેરે) કશું છે જ નહિ.
નામ-રૂપ વગરના પરમેશ્વર,આ નામ-રૂપવાળા જગતને સર્જે છે-એવું મિથ્યા બોલવું પણ ઘટતું  નથી.
હે રાજા,આ યુક્તિ વડે ચિત્ત પણ અસિદ્ધ ઠરે છે,
કેમ કે જો જગત જ નથી,તો પછી તેમાં રહેલું ચિત્ત આદિ ક્યાંથી સત્ય હોય?

વિચારવામાં આવે તો-ચિત્તનું સ્વરૂપ વાસના-માત્ર જ છે.
વાસના થવાનો કોઈ વિષય હોય,તો જ વાસના થાય છે,પરંતુ જગત કે જે વાસનાનો વિષય છે,
તે જ જો અસત્ય છે તો-ચિત્તનું અસ્તિત્વ (સત્ય-પણું) ક્યાંથી હોય?
"પરમ આકાશ" એવા નામને ધારણ કરનારૂ  ચિદાકાશ-રૂપી-અનંત-જ્ઞાન જ સર્વત્ર પ્રકાશી રહ્યું છે.
તેમાં વળી જગતની સત્તા કેવી રીતે હોઈ શકે? તે પરમ-આકાશ-રૂપી,ચૈતન્યમય અરીસામાં,
બિંબ-પ્રતિબિંબના ભાવથી જે કંઈ અનિર્વચનીય "માયા" જણાય છે-તે પણ,
જો,ચિત્ત કે જગત પેદા થયું જ નથી-તો તે માયા પણ નથી.

હું-તમે અને આ જગત-વગેરેના ભેદનું જ્ઞાન,પણ "હું (આત્મા) કે જે સાક્ષી-રૂપ જ છું" એમ સમજનારને,
તે (ભેદનું જ્ઞાન)સ્વપ્નમાં અનુભવાતા પદાર્થોની જેમ મિથ્યા જ ભાસે છે.
જગત કે જે "વાસનાનો વિષય છે" એમ કહે છે,પણ જો જગતનો જ અભાવ હોય તો વાસના ક્યાંથી હોય?
અને વાસના ના હોય તો એ વાસના-વાળું ચિત્ત ક્યાંથી હોય?
તો પછી,તે (ચિત્ત) કેમ રહી શકે?ક્યાં રહે? અને કયે રૂપે રહે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE