Apr 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-797

અજ્ઞાની પુરુષોએ,પોતાના ચિત્તને જ આ દૃશ્ય આકારે કલ્પી લીધેલું છે.
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
સર્વદા એ ઉત્પન્ન થયેલું જ નથી.લોક,શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતા,દૃશ્ય-વસ્તુ(જગત)નું અનાદિ-પણું,જન્મ-આદિ વિકાર-પણું,કે નિત્ય-પણું ઘટતું જ નથી.

જગત,સાકાર,સ્થૂળ અને વિનાશી છે.તેની ઉત્પત્તિ,નાશ અને મહા-પ્રલય-આદિ વિકારો,
શાસ્ત્રો તથા અનુભવથી સિદ્ધ થાય છે,અને તેને વિકારી નહિ માનવામાં કોઈ "પ્રમાણ" પણ નથી.
શાસ્ત્ર,અનુભવ,અને વેદ-તાત્પર્ય,એ સર્વના સિદ્ધાંતો વડે સિદ્ધ થતાં
"જગતના પ્રલયો (ઉત્પત્તિ -નાશ-આદિ)  છે જ નહિ" એમ કોઈ ઉન્મત્ત (ઘેલો) મનુષ્ય જ કહે છે.
જેની બુદ્ધિને શાસ્ત્રો-વેદો પ્રમાણ-રૂપ લાગતાં નથી,તે મનુષ્ય ચાર્વાક-મતને માનનારા દુર્જનો કરતાં પણ
અતિ મૂઢ છે,માટે સજ્જન પુરુષે તેનો આશ્રય કરવો જોઈએ નહિ.

હે રાજા,આ પ્રમાણે જગતને માત્ર બ્રહ્મ-દૃષ્ટિએ જોતાં,પણ તેનું સ્વપ્ન-પદાર્થોની પેઠે,કાર્ય કરવા-પણું કાયમ જ રહે છે,પરંતુ વસ્તુતઃ તે સ્થૂળ આકાર-વાળું નથી.એ રીતે ખરી રીતે જાણ્યાથી આ જગત-આદિ સર્વ જેમ છે તેમ રહ્યા છતાં પણ શાંત,કોઈના આધાર વગરનું,જન્મ-રહિત,અનાદિ-બ્રહ્મ-રૂપ જ છે.
અજ્ઞાનની દૃષ્ટિએ જોવામાં આવતું આ નામ-રૂપ-વાળું સર્વ દૃશ્ય મિથ્યા હોવાથી,તે એક પ્રકારે છે કે
અનેક પ્રકારે છે-તેમ કહી શકાતું નથી.માટે તમે જેમ  હાલ ચાલે છે,તેમ જ વ્યવહાર કરવા છતાં,
તત્વજ્ઞાનથી ખરું સમજી લઇ, વાણી-આદિ વ્યાપાર-રહિત (મૌન) થઈને રહો.

(૯૯) બ્રહ્મ અને જગત

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપની કૃપાથી મારું અજ્ઞાન જતું રહ્યું
અને ભુલાઈ ગયેલા આત્મ-સ્વ-રૂપની પાછી સ્મૃતિ થઇ.
હવે હું નિઃસંદેહ,વિશ્રાંત બુદ્ધિવાળો અને જ્ઞાનવાળો થયો છું.જે કંઈ જાણવાનું હતું તે હવે હું જાણી ચુક્યો છું.મનમાં પણ "કોઈ જાતના વિચારો ન કરવા" નું સમજી મહામૌન મેં ગ્રહણ કર્યું છે.
માયા-રૂપી-સમુદ્રને હું તરી ગયો છું અને હું શાંત,અહંકાર-રહિત,બોધ-વાળો અને દુઃખ-રહિત થઈને રહ્યો છું.
અહો,હું ઘણાકાળ સુધી આ સંસાર-સાગરમાં ભટક્યો,પણ હવે આપની કૃપાથી નિશ્ચલ-બ્રહ્મ-રૂપી અક્ષય-સ્થાનને પ્રાપ્ત થયો છું.આપે કહેલો સિદ્ધાંત સિદ્ધ થતાં,
આ ત્રણેય લોકો છે જ નહિ અને જે કઈ સર્વત્ર ભાસે છે-તે સર્વ બ્રહ્મ જ છે-એમ હવે હું નિશ્ચલતાથી જાણું છું.  

કુંભમુનિ કહે છે કે-જ્યાં જગત જ નથી,ત્યાં વળી હું,તમે -ઇત્યાદિ ગંધર્વનગરના જેવો મિથ્યા વ્યવહાર ક્યાંથી રહે? કયા નિમિત્તથી રહે? શી રીતે રહી શકે? માટે તમે શાંત સમુદ્રમાં પડતી ઘૂમરીઓના ચક્કરની પેઠે,
આવી પડેલા વ્યવહારો કરવા છતાં,સંકલ્પ-વિકલ્પ છોડીને શાંત મન રાખીને રહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE