Apr 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-798

આ પ્રમાણે,આ સઘળું જે કંઈ છે-તે શાંત બ્રહ્મ-રૂપ છે,અને અહંકાર જગત આદિ -નામરૂપનું સ્વરૂપ તો આકાશની જેમ શૂન્ય છે.
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
એવું "ચૈતન્ય-આકાશ" જ (માયાના સંબંધ વડે) ચમત્કાર-વાળું થઈને,પોતાના ચકમકાટથી દીપી રહ્યું છે.

જેમ,સોનાના દાગીનાઓમાં,તેના આકારની દ્રષ્ટિ મટી જતાં,તે સઘળું સોના-રૂપ જ દેખાય છે,
તેમ,જગત-આદિ પદાર્થોમાં,તેના નામરૂપની દ્રષ્ટિ મટી જતાં,આ સઘળું બ્રહ્મ-રૂપ જ દેખાય છે.
"હું છું" એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે,અને "હું નથી" એવો સંકલ્પ નિર્મળ સુખ-રૂપ મોક્ષ આપનાર છે.

નિરંતર અનુક્રમે ઉત્પન્ન થનારા બંધ-મોક્ષના સંકલ્પોનો અને નામ-રૂપનો જે "સાક્ષી" છે-તે જ "સત્ય" છે
અને "બ્રહ્મરૂપ" છે.અને તેને જ પોતાનો "આત્મા" પણ સમજવો-એ જ મોક્ષ-રૂપી સિદ્ધિ આપનાર છે.
માટે તમે, "હું છું" એ અહંકાર ત્યજી "હું નથી" (પણ સઘળું બ્રહ્મ છે) એમ સમજી.શુદ્ધ જ્ઞાનવાળા
અને એક સ્વરૂપમાં જ સ્થિતિવાળા થાઓ.
સારી રીતે "જ્ઞાન થવાથી,ઉત્પન્ન થનારા સંકલ્પ-ક્ષય" વડે જ
માત્ર "મિથ્યા-રૂપે સ્ફુરેલો-સંકલ્પ" પોતાની મેળે જ નાશ પામી જાય છે-કે જે મોક્ષ-સિદ્ધિને આપનાર છે.

સુખ-રૂપ અને તર્કમાં પણ ના આવી શકે તેવા,પોતાના આત્મ-સ્વ-રૂપ પરબ્રહ્મમાં કારણ-પણું ઘટતું નથી,
એટલે આમ,"કારણનો અભાવ" થઇ જતાં,કાર્ય-રૂપ કોઈ પણ "પદાર્થનો અભાવ" પણ સિદ્ધ થઇ જાય છે.
પદાર્થોનો અભાવ સિદ્ધ થતાં,સંકલ્પનો કોઈ વિષય નહિ રહેવાથી "સંકલ્પનો પણ અભાવ" સિદ્ધ થાય છે.
અને સંકલ્પ-રૂપી-કારણનો અભાવ થતાં "અહંકાર" થવો પણ ઘટતો નથી.(અહંકારનો અભાવ થાય છે)
આમ અહંકાર ન થતાં સંસાર કોને અને કેવી રીતે ઘટી શકે?
તેથી (પર પ્રમાણે "સંસારનો અભાવ" સિદ્ધ થઇ જતાં,સર્વ "બ્રહ્મ-રૂપે" જ બાકી રહે છે.

સંકલ્પ વડે રચાયેલા નગરનો,તે સંકલ્પનો નાશ થયા પછી જેવું રૂપ રહે છે,
તેવું શૂન્ય જ તમે આ જગતનું રૂપ સમજો
કે જે "બ્રહ્મ-દૃષ્ટિ"એ નિર્વિકાર અને સત્ય છે પણ,"નામ-રૂપ-દૃષ્ટિ" એ જોતાં મિથ્યા છે.
પુરુષના પડછાયાની પેઠે મિથ્યા-ક્રિયા-વાળું જણાતું આ જગત,
એ  શાંત,મન આદિથી રહિત અને નામ-રૂપ વિનાનું જ છે (બ્રહ્મ જ છે) એમ જે દેખે છે-તે જ ખરું દેખે છે.
સારી રીતે જ્ઞાનનો ઉદય થવાથી,
રૂપ-વગેરે "બાહ્ય વિષયો" અને સંકલ્પ-આદિ "અંદરના વિષયો" નિઃસાર જ છે,
એવો શાસ્ત્ર-પ્રમાણથી સિદ્ધ થયેલો નિશ્ચય દૃઢ થઇ જાય,તેને જ જ્ઞાની મનુષ્યો મોક્ષનો હેતુ કહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE