Apr 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-799

જેમ  ગતિ વિનાનો વાયુ,પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
તેમ આ જગત,પોતાના નામ-રૂપ વિના,બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે.
જ્ઞાન થતાં બ્રહ્મ-રૂપ થયેલા,આ જગતના બાહ્ય (રૂપ-આદિ) વિષયો અને અંદરના (સંકલ્પ-આદિ) વિષયો,નિઃસાર છે,અને તે અસત્ય હોવા છતાં મિથ્યા-રૂપ જ ભાસી રહ્યા છે.
આમ,સૃષ્ટિનાં નામ-રૂપ બાદ કરતા,સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ-રૂપ છે.(એ જ "સર્વ ખલ્વિદમ બ્રહ્મ" વગેરે ઉપનિષદનાં વચનોનો ખરો અર્થ છે)

વળી,એ "બ્રહ્મ" શબ્દનો ખરી રીતે વિચાર કરતાં,તે "અતિશય વિસ્તાર-વાળું" એવો અર્થ પણ થાય છે.
અને તેવી જ રીતે "જગત"-શબ્દના અર્થને બતાવનાર "સર્ગ" નો અર્થ એ છે કે-"નામ-રૂપનું ના હોવું"
એટલે "બ્રહ્મ" અને "સર્ગ" બંને શબ્દોમાં ભેદ હોવા છતાં,અર્થમાં જરા પણ ભેદ નથી.

સર્વ નામ-રૂપની ભાવના નહિ થવા દેતાં,અનુભવમાં આવતું
શુદ્ધ ચિદાકાશ જ "બ્રહ્મ" શબ્દથી કહેવામાં આવે છે.
સારી રીતે જ્ઞાન સિદ્ધ થયાથી,જગત અને બ્રહ્મ-એ બંનેના સંબંધમાં કંઈ સંકલ્પ ન સ્ફુરતાં,
જે કંઈ બાકી રહે છે,તે તત્વ,જન્મ-મરણ-આદિ વિકારોથી રહિત છે અને શાંત છે
કે જ્યાં વાણી પહોંચી શકતી નથી.જગતની દ્રષ્ટિનો બાધ થયાથી પણ સર્વ-સંકલ્પોથી રહિત થઇ,
તે પરમ-જ્ઞાન-રૂપે એક (પરબ્રહ્મ) સ્વરૂપે જ રહેલું જણાય છે.
(૧૦૦) બ્રહ્મની સત્યતા

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,જેવું કારણરૂપ બ્રહ્મ સત્ય છે,તેવું કાર્યરૂપ જગત સત્ય છે-એમ હું જાણું છું.
કુંભમુનિ કહે છે કે-જ્યાં કારણપણું સંભવતું હોય,ત્યાં હજી તેનાથી કાર્ય થવાની વાત ઘટી શકે,
પણ જો કારણ જ ના હોય તો કાર્ય ક્યાંથી થાય?
આ પરબ્રહ્મમાં કંઈ કારણ કે કાર્ય છે જ નહિ.જે કંઈ આ સર્વ જગત-રૂપે વિદ્યમાન જણાય છે,
તે બધું જ જન્મ-આદિ વિકાર વગરનું શાંત બ્રહ્મ-રૂપ છે.

જો કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય તો તે કારણના જેવું જ થાય,પણ જ્યાં કાર્ય ઉત્પન્ન જ ના થયું હોય,
ત્યાં કાર્ય-કારણના સરખા-પણાની વાત જ ક્યાંથી હોય? જો બીજ જ ના હોય તો વૃક્ષ ક્યાંથી થાય?
અને જે તર્કમાં ના આવી શકે તેવું અને જેને નામરૂપ-આદિ પણ છે જ નહિ,
તે બ્રહ્મનું બીજ-પણું શી રીતે ઘટી શકે?
દેશ અને કાળનો સંયોગ થતાં,દરેક પદાર્થો કારણમાંથી ઉત્પન્ન થાય છે-
એ વાત "પ્રમાણ" થી સાબિત થાય છે,
પરંતુ બ્રહ્મ કે જે નિર્ગુણ-નિરાકાર હોવાથી તે જો કર્તા ના હોય તો-પ્રમાણ કે કારણનો વિષય કેમ થાય?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE