Apr 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-793

કુંભમુનિ કહે છે કે-હે રાજા,હવે તમે તત્વ-દ્રષ્ટિથી બરાબર સત્ય સમજ્યા છો.
જગત-અહંકાર વગેરે કશું પણ એ શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં છે જ નહિ.
પોતાના નામ-રૂપ વગરનું એ જગત પણ પરબ્રહ્મ-રૂપ જ છે.
જેમ આકાશનું અંદર આકાશથી પણ અતિસૂક્ષ્મ "માયા-રૂપી-આકાશ" (વાદળાં) વડે રચાયેલું,ગંધર્વનગર,મિથ્યા હોવાથી,આકાશની સત્તા વડે જ રહેલું છે,તથા જેમ,બ્રહ્મ-રૂપ હોવાથી "શૂન્યતા વગરના આકાશ"માં આકાશની સત્તાથી જ શૂન્યતા રહેલી છે,તેમ,આ જગત,ઈશ્વરની સત્તાથી ઈશ્વરમાં (સગુણ બ્રહ્મમાં) રહ્યું છે.

આમ,બ્રહ્મ-સત્તાથી જ સત્તા-વાળું આ જગત,અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપે જાણવામાં આવે,
અથવા કોઈ પણ રીતે તે જડ-રૂપ નથી એમ,સારી રીતે સમજાઈ જાય,
તો તે (પોતે પણ બ્રહ્મ-રૂપ-થઇ જતાં)સુખ-રૂપ થઇ જાય છે.
ચૈતન્ય-જ્ઞાનના પ્રભાવથી વિષ પણ  (ચૈતન્ય-મય થઇ જતાં) અમૃતના જેવું સુખકારક થાય છે.
આ પ્રમાણે,અજ્ઞાન કે જ્ઞાન વડે જેવી દૃઢ ભાવના કરવામાં આવે-
તેવી રીતે અને તે તે રૂપે ચૈતન્ય-રૂપ ઈશ્વર જ,સર્વ-રૂપ હોવાથી (સર્વ જેવા) થઇ જાય છે.

જે પરબ્રહ્મ,અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપે રહેલ છે,તે જ પોતાનું આત્મા-રૂપ-અધિષ્ઠાન-ચૈતન્ય છે,
એવું પૂરું જ્ઞાન ન થતાં અજ્ઞાનને લીધે ભ્રાંતિથી જગત અનેક-રૂપે ભાસી રહ્યું છે,
ઉપર કહ્યા મુજબ, જગત-અહંકાર-આદિ કંઈ છે જ નહિ,તો પછી તેના વિશેનો પ્રશ્ન જ યોગ્ય નથી.
કેમ કે- જે વસ્તુ હોય તેનો પ્રશ્ન કરવો ઘટે છે,પણ શોધવા બેસતાં જે (જગત-અહંકાર-આદિ) છે જ નહિ,
તેની શોધથી કે તેના વિષે પ્રશ્ન કરવાથી શું ફળ મળવાનું છે?
જેમ,એક અમુક આકાર વિના સુવર્ણની સ્થિતિ જ નથી,તેમ,જગતની "અહંકાર" વિનાની સ્થિતિ,
બ્રહ્મ-સત્તાથી જુદી ઘટતી નથી.તેથી તે સંબંધે પ્રશ્ન પણ ઘટતો નથી.

કોઈ કારણ જ ના હોવાથી,કશું (જગત) થયું જ નથી,પરંતુ ઉપર પ્રમાણે બ્રહ્મ જ બ્રહ્મ-રૂપે સર્વ જગ્યાએ ભાસે છે.એ બ્રહ્મ કોઈ પણ પ્રકારે વિકાર પામ્યા નહિ પામ્યા છતાં,જગતને આકારે થઈને રહ્યું છે તેમ જણાય છે.
જેમ,સ્ત્રી-પુરુષો,યુવાવસ્થામાં કામથી અંધ બની કામમય બને છે,અને બાળકો ઉત્પન્ન કરી અનેક ચમત્કારો કરે છે,તેમ પદાર્થ માત્ર,માયા-વિશિષ્ટ-બ્રહ્મ (ઈશ્વરમય )જ છે અને તે બ્રહ્મની પોતાની માયા વડે પ્રેરણા થવાથી,
તે પદાર્થો પરસ્પર સાધન-રૂપ થઇ પોતાના પંચમહાભૂત શરીરમાં માયાથી અનેક ચમત્કારો કર્યા કરે છે.

ચૈતન્ય-રૂપ આત્મામાં પોતાના આત્માને માયા વડે નાના પ્રકારનો કરીને,કેમ જાણે પોતે નાના પ્રકારનો થઇ રહ્યો હોય તેમ,કાર્ય-રૂપે માપ-વાળો જણાય છે અને તેને પોતાના આત્માનું ખરું જ્ઞાન થવાથી,સર્વ પોતાના વડે જ વ્યાપ્ત છે-એમ લાગે છે.પૂર્ણ બ્રહ્મમાં જ સૃષ્ટિના આરંભકાળમાં,સર્વ જીવો,સર્વ પદાર્થોને માયા વડે "કલ્પી" લે છે,
વચમાં સ્થિતિકાળમાં તે જીવો,સર્વ ભોગ-મોક્ષ વગેરે પણ માયા વડે કલ્પી લે છે -અને-જ્ઞાન થતાં માયાનાં આવરણો દૂર થવાથી -અંતમાં તે સર્વ-પૂર્ણ-બ્રહ્મ થી પૂર્ણ-રૂપે જ અવશેષ રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE