Apr 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-792



હે રાજા,સર્વવ્યાપી એ પરમ-તત્વ જ "એક" સાર-રૂપ છે.એ પરમતત્વ ચૈતન્યમાત્ર,આનંદરૂપ અને બીજું કંઈ પણ ના હોવાથી,"એક" સંખ્યા પણ તેમાં ઘટતી નથી.માટે તે અક્ષય-આત્મ-તત્વ જ પૂર્ણ રીતે ચારે તરફ ભરપૂર થઈને સર્વત્ર શોભી રહ્યું છે.બીજી કોઈ પણ કલ્પના તેમાં (પરમતત્વ માટે) છે જ નહિ.
સદા-કાળ એ આત્મતત્વ જ સર્વરૂપ હોવાથી,કેમ જાણે સર્વને આકારે થઇ રહ્યું હોય તેમ ભાસે છે.

તે પરમતત્વ,ચક્ષુ વગેરેથી ના દેખાવથી કે હાથ-વગેરેથી ના લેવાય તેવું (સ્પર્શ ના થઇ શકે તેવું) હોવાથી-તે કાર્યરૂપ કે કારણરૂપ નથી.એ આત્મતત્વ પ્રત્યક્ષ-આદિ પ્રમાણો વડે નહિ જાણી શકાયાથી,કંઇક વિલક્ષણ જેવું,અને એકમાત્ર પોતાના નિર્મળ અનુભવથી જ જાણી શકાય તેવું છે.
કેમ કે -તે પરમ આનંદ-રૂપ છે,અતિ-સૂક્ષ્મ છે અને તે પોતે જ સર્વ-રૂપ થઇ રહેલું છે.
તથા તે સર્વ પદાર્થોનું આત્મા-રૂપ છે અને સર્વ પદાર્થો જુદા ના હોવાથી,તે પદાર્થો તેના આત્મારૂપ છે.

"વ્યવહાર દ્રષ્ટિ"થી જોતાં,પોતે આત્મતત્વ જ નામ-રૂપ-વાળા સર્વ જગત-રૂપે (સર્વ જગતમાં આત્મા-રૂપે) છે,
તો પોતે (આત્મા) જ પોતા (આત્મા) નું "કારણ" કેમ થઇ શકે? અને
"પરમાર્થ (પરમ-અર્થ) દ્રષ્ટિ" થી જોતાં,દૃશ્ય (જગત) ની સત્તાના આભાસ વગરના અને જ્ઞાનસ્વરૂપ એવા,
એ પરમતત્વનું (અન્ય વસ્તુની સત્તા  નહિ જ હોવાથી) "કારણ-પણું" કેમ થઇ શકે?

પરમાર્થ-દ્રષ્ટિથી "અદ્વૈત-રૂપે" તેને (જગતને) "સત્ય" માનીએ અને વ્યવહાર-દ્રષ્ટિથી "દ્વૈત-રૂપે" તે (જગત) ને મિથ્યા માનીએ તો પણ સત્ય અને મિથ્યા એ બંનેનો (તે બંને પરસ્પર વિરુદ્ધ હોવાને લીધે)
"કાર્ય-કારણ-ભાવ" ઘટે તેમ ના હોવાથી-તેનું (પરમાત્માનું) કારણ-પણું કેમ ઘટે? (ના જ ઘટી શકે)
એટલે,જે કોઈનું બીજ નથી અને જે નામ-રૂપ વગરનું હોવાથી કોઈનું નિમિત્ત-કારણ નથી,
તે, સર્વત્ર ભરપૂર રહેલા પરમાત્માથી આ "પ્રમાણ-પ્રમેય-આદિ-રૂપે રહેલું જગત" થયું જ નથી.

એ પરમ આત્મતત્વ,કર્તા (કરનાર) કર્મ (ક્રિયાથી મળનાર) અને કરણ (ક્રિયામાં મદદ કરનાર સાધન) પણ નથી.
સત્ય કેવળ ચૈતન્ય-રૂપ,નિર્વિકાર,આત્મરૂપ એવું તે,જગત-આદિ આભાસ વગરનું અને અક્ષય-જ્ઞાન-રૂપ છે.
હે રાજા,પરબ્રહ્મમાંથી જો કંઈ ઉત્પન્ન જ થયું નથી,એટલે (કોઈ પદાર્થ) કંઈ પણ ના હોવાથી,શું મેળવી શકાય?
જેમ જળમાં તરંગ-આદિ કોઈ કારણને યોગે ઉત્પન્ન થાય છે,પણ વિચાર કરતાં તેણે જળથી જુદા પાડી શકાતા નથી,તેમ આ જગત દેશ-કાળ વડે,અંત વગરના પરબ્રહ્મમાં વિના કારણે દેખાય છે,પરંતુ વિચાર કરતાં તેને,
ચેતન-સ્વ-રૂપ-પરબ્રહ્મથી જરા પણ જુદું પાડી શકાતું નથી.

શિખીધ્વજ કહે છે કે-જો જળ વગેરેમાં તરંગ વગેરે કારણના યોગથી જ ઉત્પન્ન થાય છે અને પરબ્રહ્મમાં જગત તથા અહંકાર વિનાકારણે ભાસે છે-તો એ સર્વ છે જ નહિ એમ હવે હું સમજુ છું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE