Apr 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-791

કુંભમુનિ કહે છે કે-હે રાજા,અજ્ઞાનરૂપ નિંદ્રામાંથી તમે હવે જાગ્યા છો,અને પરમ પુરુષાર્થ-રૂપ બ્રહ્મમાં જ શાંત થયા છો.હવે તમને "દૃશ્ય પદાર્થો ના દેખાય કે તે આભાસમાત્ર દેખાય" એ બંનેનું કશું પ્રયોજન નથી.
એક વખતમાં જ તમને આત્માનો અનુભવ થાયથી,દ્વૈતની ભ્રાંતિ મટી ગઈ છે.(કે જે અનિષ્ટ કરનાર હતી) દૃશ્ય પદાર્થો વિનાના થઈને હવે,તમે જીવનમુક્ત થયા છો.


શિખીધ્વજ કહે છે કે-મને હર્ષ અને માન આપનાર હે દેવપુત્ર,ઘણું ખરું એ બધું તો આપના કહેવાથી હું જાણી ચુક્યો છું,તો પણ બોધ દૃઢ થવા માટે આપને પૂછું છું કે-પરમ પુરુષાર્થ-રૂપ,નિર્વિકારમાં-દૃષ્ટા,દર્શન અને દૃશ્ય
(જોનાર-જોવું અને જોવાનો વિષય) એ ત્રણે આકારે દેખાતી આ જગત-રૂપી પ્રતીતિ ક્યાંથી થઇ?

કુંભમુનિ કહે છે કે-હે રાજા,અજ્ઞાનનું ઢાંકણ ખસી જવાથી તમે હવે તેજસ્વી લાગો છો,
તમે આ ઘણું ઠીક જ પૂછ્યું,કેમકે હવે તમારે એ જાણવું જ બાકી રહ્યું છે.
જે,અનેક પ્રકારના જડ-ચેતન આકારવાળા પદાર્થો દેખાય છે-તે સર્વ મહાપ્રલયમાં નાશ પામી જાય છે.
પછી,સર્વત્ર ફેલાઈ ગયેલા નિશ્ચલ-ગંભીર તેજથી અને અંધારાથી પણ વિલક્ષણ-સર્વના સારરૂપ-સત્ય-વસ્તુ
(અધિષ્ઠાન ચૈતન્ય) જ અવશેષ રહે છે-કે જે ચૈતન્યરૂપ,નિર્વિકાર,નિર્મળ અને આકાશના જેવું અસંગ છે,

તે સઘળી કલ્પનાઓ વિનાનું છે અને સત્ય-તત્વનો અનુભવ કરનાર બુદ્ધિને એકાગ્ર-પણાથી તેમાં જોડી દેતાં-
જે અતિનિર્મળ અને એકરૂપ જ લાગે છે તે શાંત,સર્વવ્યાપી અને પ્રકાશસ્વરૂપ છે,પરમાત્મારૂપ છે,
સ્વયંપ્રકાશ,જ્ઞાનમાત્ર છે,સારી રીતે તર્કમાં પણ આવી શકતું નથી,પૂર્ણ રીતે જાણી શકાતું નથી,
સર્વત્ર સમાનરૂપે રહેલું છે,ઉત્તમ સુખરૂપ છે,બ્રહ્મરૂપ છે,મોક્ષરૂપ છે,
અતિ ઝીણા પદાર્થોથી પણ ઝીણું છે-તો-બહુ મોટા પદાર્થોથી મોટું પણ છે.

એ પરમ-તત્વ અતિ-સૂક્ષ્મ પણ છે અને અતિ સ્થૂળ પણ છે કે જેની આગળ આ જગત એક પરમાણુ જેવું લાગે છે,
છતાં તે, તત્વના (જગતના તત્વના) કોઈ શુદ્ધ ભાગમાં પણ જણાતું પણ નથી.
જેમ,પવનનો અને તે પવનમાં રહેલ ગતિનો વાસ્તવ-ભેદ નથી ને
આકાશનો તથા આકાશમાં રહેલા શૂન્ય-પણાનો ભેદ નથી,
તેમ,એ "ચૈતન્ય-રૂપ-પરમાત્મા"નો અને તેમાં,અધ્યાસ વડે રહેલા "અહંકાર" નો પણ વાસ્તવમાં કંઈ જ ભેદ નથી.
અનંત એવા આ પરમ-તત્વમાં કોઈ "કારણ" વિના જ આ જગત ભાસે છે.

જગત-રૂપી રાજ્યનું,"અધિષ્ઠાન-રૂપે" માલિક હોવાથી,મહારાજા બનેલું -એ બ્રહ્મ સર્વથી શ્રેષ્ઠ છે,અને,
"અપવાદ-રૂપે" તત્વ-દ્રષ્ટિથી જોતાં,ચૈતન્ય-આકાશમાં મિથ્યા-રૂપે આરોપિત કરેલું હોવાથી એ જગત,
તૃણના જેવું તુચ્છ અને નિર્માલ્ય બની જાય છે તથા તેનો દ્વૈતભાવ (જુદાપણું) મટી જઈ
નિર્વિકાર શાંત પરબ્રહ્મ સાથે એકરૂપ જ થઇ જાય છે.
અતિશ્રેષ્ઠ એ પરમતત્વ એવું તો સત્તાવાળું છે કે-ઈશ્વર-રૂપ એ અધિષ્ઠાન-ચૈતન્યની સત્તાથી જ
આ જગતના સર્વ પદાર્થની સત્તા સુશોભિત રીતે રહેલી છે,એમ અનુભવથી સિદ્ધ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE