Apr 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-790

જો તે બ્રહ્મ,તર્કમાં પણ ના આવી શકે તેવું,પૂરી રીતે જાણી ના શકાય તેવું,
નિર્વિકાર,શાંત અને સુખ-રૂપ છે,તો પછી,તેનામાં  શી રીતે? કયા કાળમાં? અને શાથી? કર્તા-પણું તથા ભોક્તાપણું ઘટી શકે?
આ જગત-આદિ કોઈનું બનાવેલું નથી,તેથી તે છે જ નહિ,અને તમે પણ (બ્રહ્મની જેમ) કર્તા-ભોક્તા નથી,માટે,આ સર્વ (દેખાતું જગત અને સર્વ) જન્મ-આદિ વિકાર વગરનું,સુખ-રૂપ,શાંત પરબ્રહ્મ-સ્વરૂપ જ છે.

જયારે કોઈ પણ કારણનું,આ જગત,કાર્ય નથી,ત્યારે આ જગતનું મિથ્યાપણું સિદ્ધ થવાથી,
સર્વ પદાર્થોનો અભાવ સિદ્ધ થાય છે અને જયારે કોઈ પણ પદાર્થ જ નથી-એમ સિદ્ધ થાય ત્યારે
(જાણવાનો કોઈ વિષય ના હોવાથી) કોનું જાણવા-પણું રહે?
આમ એવું  જાણવાનો જ અભાવ થતાં,"હું જાણનાર છું"
એવું અભિમાન ધરાવનાર "અહંકાર" નું પણ કોઈ કારણ રહેતું નથી.(તે અહંકાર નિર્મૂળ થઇ જાય છે)
માટે આ રીતે તમે,આત્મ-સ્વ-રૂપથી શુદ્ધ અને મુક્ત જ છો.તમને બંધ-મોક્ષની કલ્પના ઘટતી જ નથી.

શિખીધ્વજ કહે છે કે-હે મહારાજ,આપના કહેવાથી હવે હું પૂરી રીતે સમજ્યો છું.
બ્રહ્મ પોતે કોઈનું કારણ ના હોવાથી,તે કર્તા નથી એમ હવે હું સમજુ છું.કોઈ કર્તા ના હોવાથી જગત પણ નથી.
જગત ના હોવાથી આ નામ-રૂપ-વાળા-પદાર્થો પણ નથી.અને તે નામ-રૂપ-વાળા પદાર્થો ના હોવાને લીધે ચિત્ત અને તેના બીજ-રૂપ અહંકાર પણ નથી.આ રીતે અહંકાર સુધીના સર્વ જડ-વર્ગનો અભાવ હોવાથી
હું શુદ્ધ છું,જ્ઞાનસ્વરૂપ અને સુખરૂપ જ છું.હું મને પોતાને જ નમસ્કાર કરું છું.

આપે કહેલી યુક્તિ પ્રમાણે વિચાર કરવાથી,અધ્યારોપની દૃષ્ટિએ,અહંકારથી આરંભી-સર્વ પદાર્થો જડ પદાર્થો હોય એમ જ લાગે છે,અને વિવેક વડે પાછો સર્વ અહંકાર-વગેરે  જડ-વર્ગનો અપવાદ થઇ જતાં,તે સઘળું જગત મિથ્યા-રૂપ જ ભાસે છે.આ પ્રમાણે,જ્ઞાન થવાથી બ્રહ્માંડના અધિષ્ઠાન આકાશની પેઠે હું વિક્ષેપ-રહિત થયો છું.
દેશ-કાળ-દેહ-રચનાઓ અને આ સર્વ કાર્યો સહિત જગતના પદાર્થોના વિભાગો જે મને ભાસતાં હતાં,
તે બધું આજે ઘણે કાળે નિવૃત્ત થયું.અને શાંત,નિર્વિકાર પરબ્રહ્મ જ અવશેષ રહ્યું.

હવે હું શાંત થયોછું,મુક્ત થયો છું,ચારે બાજુ પૂર્ણપણે થઈને રહ્યો છું,હું જન્મતો નથી કે મરતો પણ નથી,
હું આ પ્રમાણે હવે બ્રહ્મરૂપ થઈને રહ્યો છું અને તમે પણ જેમ છો-તેમ જ એ અભયપદમાં સદાકાળ રહો.

(૯૬) શિખીધ્વજનો બોધ

વસિષ્ઠ કહે છે-એ પ્રમાણે,તે શિખીધ્વજ રાજા બ્રહ્મમાં શાંતિ પામી,એક મૂહુર્ત સુધી,નિશ્ચલ અને શાંત મનવાળો થઈને રહ્યો.જયારે એ રાજા નિર્વિકલ્પ સમાધિ વડે બ્રહ્મમાં એકરસ થઇ જવા માટે,તે સમાધિમાં પ્રવેશ કરવા તૈયાર થયો,ત્યારે કુંભમુનિએ પોતાની લીલાથી,તત્કાળ (કેટલોક બોધ હજી બાકી રહી ગયો હોવાથી) તેને જગાડ્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE