Jul 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-870

રામ કહે છે કે-એ "બ્રહ્મ-ચૈતન્ય" નું બીજું કંઈ પણ મૂળ નથી,કેમ કે તે અવર્ણનીય,અનંત,શુદ્ધ અને સત્ય-રુપ છે.આ રીતે સર્વ કર્મ-માત્રનું બીજ "જીવ-ચૈતન્ય" છે -કે જેમાં અંદર અહંકાર-વગેરેમાં "આત્મ-બુદ્ધિ" થઇ,"હું કર્તા છું"એવો "સંકલ્પ" સ્ફૂર્યા પછી,ક્રિયા(કે કર્મ) થવા માંડે છે.

"જીવ-પણું" હોય તો જ આ દેહ-રૂપ-વૃક્ષ ઉગી નીકળે છે."જીવ-ચૈતન્ય" (આત્મા) એ અહંકાર-વગેરેમાં મળી જઈ,તેમાં (અહંકારમાં) આત્મ-રૂપતા માની લઇ- "હું અમુક-રૂપ છું અને કર્તા છું" એવી નામ-રૂપ-વાળી-ભાવના વડે વીંટાઈ જાય તો તે "કર્મના બીજ-રૂપ" થાય છે અને જો એમ ના બને (એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ-આત્માને જ ઓળખી લે) તો તે પોતે પરમ-પદ-રૂપ (બ્રહ્મ-ચૈતન્ય-રૂપ કે પરમાત્મા) જ છે.
માટે દેહ-આદિમાં અહંકારને કારણે-જે "આત્મ-બુદ્ધિ" થવી,તે જ "કર્મનું કારણ" છે.
હે મહારાજ,આ જે કંઈ મેં કર્મ અને કર્મના ફળ વિષે કહ્યું,તે આપે જ મને કહેલ છે.

Jul 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-869

રામ કહે છે કે-હે મહારાજ,"હું ને મારું" એવું અભિમાન કે જેનું મૂળ તપાસીએ તો તે મિથ્યા જ છે,
તો,તેનો ત્યાગ કરનાર જ્ઞાની પુરુષને કર્મોનો ત્યાગ કરવાથી શી હાનિ થાય અને કર્મો કરવાથી શો લાભ થાય?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે જો યથાર્થ રીતે જાણતા હો (કે જાણી જ ચૂક્યા છો),તો તમે જ કહો,કે-વાસ્તવિક રીતે- પ્રથમ  તો કર્મ જ શી વસ્તુ છે? તે કર્મનું મૂળ શું છે? અને તેમાં નાશ કરવાનું શું છે? અને કઈ રીતે નિપુણતાથી તેનો નાશ કરી શકાય?

Jul 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-868

વસિષ્ઠ કહે છે કે-સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે-
સંકલ્પ થવો એ મનને બંધનમાં નાખનાર છે.અને સંકલ્પ ના થવો તે મુક્ત-પણું છે.
અહી કોઈ કાળે કે કોઈ સ્થળે,કંઈ કરવાનું કે ત્યાગ કરવાનું છે જ નહિ.
સર્વ,જન્મ-રહિત,શાંત અને અનંત-પરબ્રહ્મ-રૂપ જ છે માટે તે સ્વરૂપમાં જ તમે રહો.
કોઈ પણ જાતનો સંકલ્પ જ ના થવા દેવો તેને વિદ્વાનો "યોગ" કહે છે,કે જે સ્વાભવિક રીતે જ
ચિત્તનો નાશ કરનાર છે,માટે તમે અત્યંત તન્મય થઇ,જેવા હમણાં છો તેવા જ ભલે રહો.