Jan 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1048


વસિષ્ઠ કહે છે કે-જે ચિદ-શક્તિનું મેં વર્ણન કર્યું,તે પોતાના સત્ય-સંકલ્પ વડે જે જે કલ્પના કરે છે,તે તે સર્વ,
સત્યની પેઠે તેના અનુભવમાં આવે છે.આથી એ કલ્પનામય વસ્તુ જાણે સત્ય હોય તેવો આભાસ થાય છે.
જેમ મુખનું પ્રતિબિંબ અરીસામાં પડે છે,તેમ,જીવ-ચૈતન્યને જે કંઈ અનુભવમાં આવે છે,તે પૂર્વજન્મનો અનુભવ
વાસના અનુસાર,તેની અંદર પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય છે.આથી તે પોતાની અંદર જ આભાસ-રૂપે રહેલ છે.
અને તે પોતાને (જીવ-ચૈતન્યને) કાર્ય કરી આપનાર હોવાથી,તેની દૃષ્ટિમાં સત્ય જ ભાસે છે.
તેમ છતાં (વસ્તુતઃ) ચિદાત્માની અંદર તેનો (ચિદશક્તિનો) પ્રવેશ થવો અસંભવિત છે તેથી તે મિથ્યા જ ઠરે છે.

Jan 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1047



શિવ અને શક્તિ -એ બંનેનું સ્વરૂપ આકાશ-રૂપ છે તેથી તે શક્તિને કૃષ્ણ(કાળા)રૂપે વર્ણવવામાં આવી છે.
એ ભૈરવ (શિવ) અને ભૈરવી (શક્તિ) એ બંને વસ્તુતઃ જોતાં ચિદ્રુપ જ છે.તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ
કર્યો ત્યારે પોતાના માંસ-મય શરીરને શ્યામ-રૂપે કલ્પી લીધું,આથી તે શ્યામ અને જડ જેવું દેખાતું હતું.
વસ્તુતઃ જેમ,આકાશ એ આકાશની અંદર જ રહેલું છે,તેમ, તેમનાં આકાશમય શરીર આકાશમાં જ
રહેલાં હતાં,અને તે બંને (શિવ-શક્તિ) આકાશમાં સહોદર હોય તેવાં જણાતાં હતાં.

Jan 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1046




(૮૪) શિવ-શક્તિના સ્વરૂપનું વર્ણન

રામ કહે છે કે-એ મહારાજ આપે કહ્યું કે તે કાળી (શક્તિ કે કાળરાત્રિ) નૃત્ય કરતી હતી,તો તે કોણ હતી?
વસિષ્ઠ કહે છે કે-એ ચિદાકાશ-રૂપ ભૈરવ 'શિવ' કહેવાય છે અને ભૈરવી (કાળી) તેમની
એક સ્ફૂર્તિવાળી મનોમય માયા 'શક્તિ' છે અને તે ભૈરવથી જરા પણ જુદી નથી,એમ તમે સમજો.
જેમ પવન અને તેનું ચલન (શક્તિ) એક જ છે-તેમ,ચિદાકાશ અને તેની સ્ફૂર્તિ-વાળી-શક્તિ એક જ છે.
જેમ,ઉષ્ણતાથી અગ્નિ લક્ષ્યમાં આવે  છે,તેમ 'શિવ' નામે ઓળખાતું નિર્વિકાર પરમ-તત્વ,
એ પોતાની સ્ફૂર્તિ-વાળી 'માયા-શક્તિ' વડે જ લક્ષ્યમાં આવે છે.બીજી કોઈ રીતે તે જણાતું નથી.