Oct 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1278

વસિષ્ઠ : જપ,તપ,કર્મ,દાન-આદિ નિરવયવ (નિરાકાર) છે તો તેમનું પરલોકમાં મૂર્તિમાન ફળ શી રીતે મળે છે?
એ પ્રશ્નના અનુસંધાનમાં હું હવે કહું છું તે તમે સાંભળો.
ચિદાત્માએ જ આકારની કલ્પના કરી છે.તેથી દાન-આદિના સંસ્કાર વાળી 'બુદ્ધિ' વડે યુક્ત એવા નિરવયવ
જીવો,તેમના સંકલ્પ-બળથી,પરલોકમાં (સ્વપ્નની જેમ) મૂર્તિમાન જણાતા ફળને (કલ્પનાથી) પ્રાપ્ત થાય છે.
બાકી વસ્તુતઃ જોતાં જન્મ-આદિ વિકારથી રહિત ચિદાત્માનો એક વિવર્ત જ છે.
ભ્રાંતિ જ પદાર્થોનો અનુભવ અને અનુભવનો અભાવ-એ બંને રૂપ થઇ રહે છે.
અને એ ભ્રાંતિની શાંતિ થતાં ચિદાત્મા પોતાના નિર્મળ-નિરાકાર-શાંત સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે.

Oct 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1277

વશિષ્ઠ : આ જે મેં ન્યાય કહ્યો-તે,સ્વપ્ન-સંકલ્પ-આદિમાં સિદ્ધ એવી કલ્પનાની અંદર થતા અનુભવને અનુસરીને કહ્યો છે.
અને જગતના સંબંધમાં પણ આ જ ન્યાયની યોજના કરવાની છે,કેમ કે જગત પણ હિરણ્યગર્ભના આકારે થઇ રહેલ
ચિદાકાશનો એક સંકલ્પ જ છે.અને એ હિરણ્યગર્ભના સંકલ્પમાં જે વસ્તુ જેવા પ્રકારની કલ્પાઈ છે તે
તેવા જ પ્રકારે ને આકારે પ્રલય-પર્યંત રહે છે તેમાં સેળભેળ કે ગોટાળો થતો નથી.દરેક કલ્પે હિરણ્યગર્ભના
સંકલ્પ-રૂપ એવું આ જગત પોતાની મેળે જ ખડું થઇ જાય છે,કે જેની અંદર ન સંભવે એવું કાંઇ પણ નથી,
એટલે સર્વ સંભવે છે.પણ,વસ્તુતઃ તો કલ્પના કરનાર પણ ચિદાત્માથી ભિન્ન નથી જ-એમ તમે સમજો.

Oct 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1276

પ્રયાગ આદિ (મનોરથ સાધી આપનાર)ક્ષેત્રમાં જો કોઈ એક જ પુરુષનું તેના કોઈ એક મિત્રે જીવિત ચિંતવ્યું હોય
કે તેના કોઈ એક શત્રુએ મરણ ચિંતવ્યું હોય,તો તે પુરુષ એ બંનેનાં કર્મ વડે ભોગપ્રાપ્તિનો અધિકારી બને છે.
એ પુરુષ પોતાના તરફ શુભ લાગણીવાળા મિત્રે જે પ્રમાણે તે ક્ષેત્રમાં પ્રાર્થના કરેલી હોય તે પ્રમાણે પોતાના
આત્માને એક શરીર વડે અજરામર અને દુઃખ-રહિત દેખે છે,અને પોતાના યથાસ્થિત શરીર વડે જીવિતની
સ્થિતિને અનુભવે છે.વળી તે ક્ષેત્ર-પુણ્યના માહાત્મ્ય જાણનારા શત્રુએ તેના મરણ માટે પ્રેરણા કરેલી છે,
એટલે તે પોતાના સ્નેહીઓને નહિ દેખાતા એવા અદૃશ્ય એવા મરણને પણ અનુભવે છે.