Jun 29, 2020

ભાગવત રહસ્ય -૩૧૯

એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ 
“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.
તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે
“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી”
કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.

Jun 28, 2020

ભાગવત રહસ્ય -૩૧૮

ગોપી કહે છે-કે-ચતુર્ભુજ નારાયણને હું વંદન કરું છું.પણ નારાયણને ચાર હાથ હોવાથી તેઓ થોડા બેડોળ લાગે છે,પણ મારો બે હાથ વાળો કનૈયો અતિ સુંદર છે. તેથી તે શ્રેષ્ઠ છે.વૈકુંઠના નારાયણ,રાજાધિરાજના જેમ અક્કડમાં ઉભા રહે છે,તમારી સાથે બોલતા પણ નથી,તેથી તેઓમાં જરા અભિમાન હોય તેમ લાગે છે,ત્યારે અમારો કનૈયો તો અમારી સાથે બોલે છે,અમારી સાથે રમે છે,અમારી સાથે ફરે છે,એ તો વગર બોલાવ્યે મારે ઘેર આવે છે,મારામાં કોઈ સૌન્દર્ય નથી,કંઈ નથી,છતાં મારી પાછળ પાછળ આવે છે.શું વૈકુંઠના નારાયણ વગર આમંત્રણે ઘેર આવશે? પણ મારા કનૈયામાં જરાય અભિમાન નથી,માખણ માટે મારી પાછળ પાછળ વગર આમંત્રણે આવે છે,મારી પાસે આવી અને નાચે છે, તેથી મારો કનૈયો શ્રેષ્ઠ છે.

Jun 27, 2020

ભાગવત રહસ્ય -૩૧૭

યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે કે-લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે-તે તો કહો 
ગર્ગાચાર્ય કહે છે-કે-લાલો મહાજ્ઞાની થશે,તેના જન્માક્ષર બહુ સારા છે.ત્રણે ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં પડ્યા છે.મોટો રાજા થાય તેવો યોગ છે.જન્મકુંડળીમાં આઠ ગ્રહો સારા છે પણ એક રાહુ ગ્રહ ખરાબ પડ્યો છે.નંદબાબા ગભરાયા છે.રાહુ ખરાબ પડ્યો છે,તો 
શું થશે ?મહારાજ આપ આજ્ઞા કરો અને બ્રાહ્મણોને રાહુના જપ કરવા બેસાડી દો.