Jun 27, 2020

ભાગવત રહસ્ય -૩૧૭

યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે કે-લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે-તે તો કહો 
ગર્ગાચાર્ય કહે છે-કે-લાલો મહાજ્ઞાની થશે,તેના જન્માક્ષર બહુ સારા છે.ત્રણે ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં પડ્યા છે.મોટો રાજા થાય તેવો યોગ છે.જન્મકુંડળીમાં આઠ ગ્રહો સારા છે પણ એક રાહુ ગ્રહ ખરાબ પડ્યો છે.નંદબાબા ગભરાયા છે.રાહુ ખરાબ પડ્યો છે,તો 
શું થશે ?મહારાજ આપ આજ્ઞા કરો અને બ્રાહ્મણોને રાહુના જપ કરવા બેસાડી દો.

ગર્ગાચાર્ય કહે છે-કે-તેમાં ખાસ બીવા જેવું નથી.નુકસાન કરે તેવો રાહુ નથી,અમારા જ્યોતિષશાસ્ત્રનો કાયદો છે કે-જે પુરુષ ના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્ર નો રાહુ હોય –તે-અનેક સ્ત્રીઓનો ધણી થાય છે.અનેક સ્ત્રીઓ સાથે તેનું લગ્ન થાય છે.નંદબાબા કહે છે-કે તમારું કહેવું સાચું છે,લાલાને એક બ્રાહ્મણે એવો આશીર્વાદ આપેલો કે તે સોળ હજાર રાણીઓનો ધણી થશે.ગર્ગાચાર્ય કહે છે-કે-બાબા,વધારે શું કહું? પણ તમારો કનૈયો,નારાયણ સમાન ગુણી,નારાયણ ભગવાન જેવો થશે.બાબા,તમારો લાલો તો નારાયણ સમાન છે.

શ્રીધરસ્વામીએ સરળ અર્થ કર્યો છે-કે નારાયણ સમાન શ્રીકૃષ્ણ છે. (નારાયણેન સમઃ)
પણ વૃંદાવનના સાધુઓને આ અર્થ ગમ્યો નહિ.
વૃંદાવનના વૈષ્ણવો,દ્વિભુજ (બે હાથ વાળા) શ્રીકૃષ્ણના પ્રેમ માં છે. (નારાયણને ચાર હાથ –ચતુર્ભુજ છે)
એટલે તેઓએ અર્થ કર્યો છે-કે-શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે.(નારાયણ સમઃ યેન શ્રીકૃષ્ણ)
સનાતન ગોસ્વામી અર્થ કરે છે-કે- નારાયણ જેવા શ્રીકૃષ્ણ છે-તેમ કહો તો નારાયણ –મુખ્ય અને શ્રીકૃષ્ણ ગૌણ-થાય,એટલે નારાયણ શ્રેષ્ઠ ઠરે,પણ તેમ નથી, શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે, શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.

અતિશય પ્રેમમાં પક્ષપાત આવી જાય છે,પ્રેમમાં પક્ષપાત એ દોષ નથી પણ ગુણ છે.
આ મારો લાલો છે,આ મારા લાલાજી છે,આ મારો કનૈયો છે,આ મારા કૃષ્ણ છે...એ અતિશય પ્રેમ છે.
અને અતિશય પ્રેમમાં લાલાજીથી કોઈ શ્રેષ્ઠ હોય તેવું માનવા ભક્ત તૈયાર નથી.

ચાર જણા જમવા બેઠા છે-તે વખતે પ્રશ્ન થયો કે આ ચાર  જમાઈ કયો છે ?
એક કહે-પેલો શરમાળ છે તે.બીજી કહે –પેલો અક્કડમાં બેઠો છે-તે. 
ત્રીજી કહે છે-કે હમણાં સાસુ ઘી પીરસવા આવશે,ત્યારે કહીશ કે જમાઈ કોણ છે.
સાસુજી ઘી પીરસવા આવ્યાં.જમાઈનું ભાણું આવ્યું,ત્યારે ઘી ની વાટકી વધારે નમી છે.નિર્ણય થઇ ગયો.
અતિશય-પ્રેમમાં પક્ષપાત થાય જ છે.

વૃંદાવનના વૈષ્ણવોને બે હાથવાળા શ્રીકૃષ્ણમાં આસક્તિ છે,તેઓ શ્રીકૃષ્ણને મુખ્ય માને છે.
બાકી શ્રીકૃષ્ણ અને નારાયણમાં કોઈ ફરક નથી.આ તો પ્રેમનો મધુર કલહ (ઝઘડો) છે.
ગોપીઓ (ભક્તો) અતિશય પ્રેમમાં વર્ણન કરતાં કહે છે-કે-
નારાયણમાં -૬૦-ગુણો છે-જયારે મુરલી મનોહર કૃષ્ણમાં -૬૪-ગુણો છે.
નારાયણ કરતાં શ્રીકૃષ્ણ માં- ૪-ગુણો વધારે છે. રૂપમાધુરી-લીલામાધુરી-વેણુમાધુરી-પ્રિયામાધુરી.
મારા શ્રીકૃષ્ણમાં ચાર ગુણો વધારે છે,મારો કનૈયો, જેવી લીલા કરે છે-તેવી કોઈને ય કરતાં આવડે નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE