Jun 26, 2020

ભાગવત રહસ્ય -૩૧૬

નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. જીવ-જયારે - મા ના પેટમાં આવે ત્યારથી સંસ્કાર કરવા પડે છે.મન બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે સંસ્કાર છે.શાસ્ત્રમાં સોળ સંસ્કાર બતાવ્યા છે.પણ આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે માત્ર એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે.બાળકનો જન્મ થાય એટલે તેનો જાત-કર્મ-સંસ્કાર કરવો પડે છે.જન્મ થાય પછી મધ ચટાડવાનું હોય છે,તે પછી,તેના ઉપર કોઈ પવિત્ર સંત,પવિત્ર બ્રાહ્મણની નજર પાડવી જોઈએ.

જેની પહેલી નજર પડે,પહેલી છાયા પડે –તેના જેવો તે-બાળક થાય છે.
હવે તો દવાખાનાંઓમાં જન્મ થાય છે,તેથી જાત-કર્મ વિધિ કે મધુ-પ્રાશન વિધિ ક્યાંથી થાય ?
ડોક્ટરો કંઈક પીવડાવતા હશે એટલે છોકરાંઓ ડોક્ટરો જેવા થાય છે.
સંસ્કારનો લોપ થતો જાય છે,સનાતન ધર્મની પરંપરા નષ્ટ થવા માંડી છે.

આજકાલ પુસ્તકો વધ્યાં છે,લોકો પલંગમાં પડ્યા પડ્યા પુસ્તકો વાંચે છે,બૌદ્ધિક જ્ઞાન વધારે છે,અને જ્ઞાન વધ્યું હોય તેવું લાગે છે,કથાઓમાં,મંદિરોમાં બહુ ભીડ જોવા મળે છે.એટલે લોકોમાં ભક્તિ વધી હોય તેવું પણ લાગે છે.આમ જ્ઞાન અને ભક્તિ જો વધેલાં દેખાય છે તો- લોકોમાં શાંતિ કેમ જોવા મળતી નથી ?દુઃખી કેમ છે ? કારણ એ છે –કે- લોકો ધર્મને ભૂલ્યા છે,સદાચારને ભૂલ્યા છે.સત્યને ભૂલ્યા છે,દેશ દુઃખી છે.

અન્નપ્રાશન,નામસંસ્કરણ,જનોઈ વગેરે સોળ સંસ્કારો છે.અને જીવને શુદ્ધ કરવા સંસ્કારની જરૂર છે.
શુદ્ધ ધાર્મિક વિધિથી સંસ્કાર કરવામાં આવે તો મન અને બુદ્ધિ શુદ્ધ થાય છે.
પણ આજકાલ ધાર્મિક વિધિને મહત્વ આપવામાં આવતું નથી.કેવળ લૌકિક વિધિને મહત્વ અપાય છે.
ખરી રીતે જોઈએ તો ધાર્મિક વિધિ મુખ્ય છે.પણ ગોર મહારાજને કહેવામાં આવે છે કે-મહારાજ વિધિ જલ્દી પતાવજો,અમારે વરઘોડો ત્રણ કલાક ગામમાં ફેરવવાનો છે,અને લગ્નવિધિ પછી તરત રીસેપ્સન છે.એટલે બહુ સમય નથી.પૂજા વિધિ જલ્દી પતાવે તે પૂજા કરતો જ નથી. વરઘોડો,રિસેપ્સન –એ લૌકિક છે,દેખાડો છે,પણપૂજા-વિધિ એ ધાર્મિક સંસ્કારની ક્રિયા છે,તે બરાબર થવી જોઈએ.

ગર્ગાચાર્યે કહ્યું કે-બાબા,નામ-સંસ્કરણ કરવો હોય તો પાંચ-છ કલાકનો સમય લાગે. તમે આખા ગામને બોલાવો,અને બધાં આવે અને તમે પૂજા વિધિમાં ઉતાવળ કરો તો વિધિ બરાબર થાય નહિ.
નંદબાબા કહે છે-કે-મારે વિધિ બરાબર કરવી છે,તમે કહો તો કોઈને આમંત્રણ ના આપું.
લાલાનું જન્મ-નક્ષત્ર રોહિણી છે.રોહિણી નક્ષત્રની સ્થાપના કરવામાં આવી છે.

ગર્ગાચાર્ય કહે છે-કે-બાબા તમારો લાલો તો યુગ યુગથી રંગ બદલતો આવ્યો છે,સત્યયુગમાં તેણે શુક્લ વર્ણ (સફેદ રંગ) ધારણ કરેલો,ત્રેતાયુગમાં રક્તવર્ણ (લાલ રંગ),દ્વાપરયુગમાં તેણે શ્યામ સ્વરૂપ ધારણ કરેલું છે,અને એક વખત વસુદેવના ઘેર જન્મી ને શ્યામ વર્ણ ધારણ કરેલો હોવાથી તેને લોકો વાસુદેવ કહેશે.
લાલાનાં નામ અનંત,ગુણો અનંત અને લીલા પણ અનંત છે.(અનંત=અંત વગરની)
લાલો સર્વનું આકર્ષણ કરે છે-એટલે તેનું નામ રાખું છું- “કૃષ્ણ”
તે સર્વ ને આનંદ આપશે,અને સર્વ નું મન આકર્ષી લેશે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE