Jun 25, 2020

ભાગવત રહસ્ય -૩૧૫

એક દિવસ યશોદાજી- લાલાને ખોળામાં બેસાડી ને રમાડતાં હતા.ત્યારે તૃણાવર્ત દૈત્ય ને મારવા કૃષ્ણ ભારે બન્યા. યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે –
કૃષ્ણને ત્યાં મૂકીને ઘરકામ માં લાગ્યા.તે વખતે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઇને આવ્યો અને શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો.શ્રીકૃષ્ણ ત્યારે વધુને વધુ ભારે બન્યા અને-તેને પછાડ્યો.એટલે તેના પ્રાણ ઉડી ગયા.તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે, રજોગુણ મનને ચંચળ બનાવે છે.

સમય ની સાથે-શ્રીકૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થયા છે.ઘૂંટણીએ ચાલતા ગૌશાળામાં આવે છે.
ગાયો કનૈયાને ઓળખતી,મોટા મોટા ઋષિઓ ગોકુલમાં ગાયો થઈને આવ્યા છે.
એક ગાયનો તાજો જન્મેલો વાછરડો આંખ બંધ કરી સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો છે,બહુ સુંદર લાગે છે.
નાનકડો છે,એટલે લાલાજી એમ સમજે છે કે આ તો મારો ભાઈબંધ છે.એટલે તેના ગળામાં હાથ નાખ્યો,
પ્રેમથી તેને મળે છે,પણ વાછરડો અચાનક નવા વ્યક્તિના આગમનથી ગભરાણો.
અને હમ્મા-હમ્મા કરવા લાગ્યો, ત્યારે કૃષ્ણ મૈયા-મૈયા કરે છે.પણ વાછરડાને છોડતા નથી.
ગાય આનંદમાં વાછરડાને ભૂલી જાય છે અને વહાલથી કનૈયાને ચાટે છે.

યશોદાજીને ખાતરી થઇ કે-ગાયોની સેવા કરવાને કારણે જ-ગાયોની આશિષથી મારે ત્યાં દીકરો થયો છે.
કનૈયો ગાયો સાથે રમે છે, ચાલણગાડી તો મળે નહિ એટલે ગાયનું પૂંછડું પકડીને જ કનૈયો ઉભો થવા જાય છે. ત્યારે મા કહે છે-કે કનૈયા તું બહુ તોફાન કરે છે,લાલા,આ ગાયો તને મારશે.
અને લાલાનું હુલામણું નામ પડ્યું છે-વત્સપુચ્છાવલમ્બનમ....!!!

એક વખત યશોદાજી, લાલાને સ્તનપાન કરાવી રહ્યાં હતાં અને લાલાનું મુખ નિહાળી રહ્યાં હતાં.
મા નો પ્રેમ હોય એટલે લાલાજી વધુ વખત સ્તનપાન કરે,તો મા ને ઘણી વખત ચિંતા થાય કે –મારા લાલાને અપચો ના થાય.લાલાજી કહે છે-કે-મા તારું દૂધ હું એકલો પીતો નથી,મારા મુખમાં રહેલું સમસ્ત વિશ્વ તેનું પાન કરે છે.તેવામાં કનૈયાએ બગાસું ખાધું,અને યશોદાજીને લાલાના મુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન થયાં.

ભગવાને સુદામાને અખૂટ સંપત્તિ આપી ત્યારે યમરાજને દુઃખ થયું,તેમણે ભગવાનને કહ્યું-કે-
સુદામાના નસીબમાં દારિદ્રયનો યોગ છે,તેના ભાગ્યમાં શ્રીક્ષય લખ્યું છે.આપે સુદામાને આટલું ઐશ્વર્ય આપ્યું તે યોગ્ય નથી.તેથી કર્મ મર્યાદા રહેશે નહિ. અમે કર્મ પ્રમાણે સુખ-દુઃખ આપીએ છીએ.ત્યારે પ્રભુએ યમરાજા ને કહ્યું કે-હું વેદની કર્મ મર્યાદા તોડતો નથી,જે મને જમાડે છે તે સમસ્ત બ્રહ્માંડને જમાડે છે,
મુઠ્ઠી પૌઆ આપી.સુદામાએ મને જમાડ્યો છે.
જે શ્રીકૃષ્ણને જમાડે છે-તે સારા બ્રહ્માંડને જમાડે છે. અને તેના નામે એટલું પુણ્ય જમા થાય છે.
યશોદામા ને શ્રીકૃષ્ણ કહે છે-કે-મા તું મને તૃપ્ત કરતી નથી પણ સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કરે છે.

લાલાના જન્મ થયે હવે એક વર્ષ થવા આવ્યું. હજુ લાલાનો નામકરણ સંસ્કાર થયો નથી.
ગર્ગાચાર્ય યાદવોના કુલપુરોહિત છે,વસુદેવજીએ ગર્ગાચાર્યને બોલાવ્યા અને નંદજીના ઘેર જઈ લાલાનું નામ પાડવા કહ્યું. વસુદેવજીના કહેવાથી ગર્ગાચાર્ય નંદજીના ઘેર આવ્યા છે.ગર્ગાચાર્ય જ્યોતિષશાસ્ત્રમાં બહુ નિષ્ણાત છે. નંદબાબાએ તેમનું સ્વાગત કર્યું છે.અને કહે છે-મહારાજ વૃદ્ધાવસ્થામાં મારે ત્યાં દીકરો આવ્યો છે,બધા તેને –લાલો-લાલો કહે છે,તેનું નામકરણ કર્યું નથી,આપ જ્યોતિષશાસ્ત્રમાં કુશળ છો તો તેનું નામ શું પાડવું તે કહો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE