Jun 28, 2020

ભાગવત રહસ્ય -૩૧૮

ગોપી કહે છે-કે-ચતુર્ભુજ નારાયણને હું વંદન કરું છું.પણ નારાયણને ચાર હાથ હોવાથી તેઓ થોડા બેડોળ લાગે છે,પણ મારો બે હાથ વાળો કનૈયો અતિ સુંદર છે. તેથી તે શ્રેષ્ઠ છે.વૈકુંઠના નારાયણ,રાજાધિરાજના જેમ અક્કડમાં ઉભા રહે છે,તમારી સાથે બોલતા પણ નથી,તેથી તેઓમાં જરા અભિમાન હોય તેમ લાગે છે,ત્યારે અમારો કનૈયો તો અમારી સાથે બોલે છે,અમારી સાથે રમે છે,અમારી સાથે ફરે છે,એ તો વગર બોલાવ્યે મારે ઘેર આવે છે,મારામાં કોઈ સૌન્દર્ય નથી,કંઈ નથી,છતાં મારી પાછળ પાછળ આવે છે.શું વૈકુંઠના નારાયણ વગર આમંત્રણે ઘેર આવશે? પણ મારા કનૈયામાં જરાય અભિમાન નથી,માખણ માટે મારી પાછળ પાછળ વગર આમંત્રણે આવે છે,મારી પાસે આવી અને નાચે છે, તેથી મારો કનૈયો શ્રેષ્ઠ છે.

લાલાની લીલા માધુરી કેવી છે ? તો વર્ણન કરતાં કહે છે કે-ગોકુલમાં એક નવી વહુ (નવી ગોપી) આવી હતી. તેને આખો દિવસ “કૃષ્ણ-કૃષ્ણ” બોલવાની ટેવ પડી છે.કનૈયાના દર્શન કરવા તે આતુર બનેલી છે.કૃષ્ણ-દર્શન માટે તેના પ્રાણ તલસે છે.પણ સાસુ તેને દર્શન કરવા જવા દેતી નથી.નવી પરણીને આવેલી વહુ હજુ પરાધીન છે.પણ.....અતિશય આતુરતા થાય એટલે પરમાત્મા દોડતા આવે છે.

કનૈયા એ વિચાર્યું કે –એક જીવ (ગોપી) મારા માટે તલસે છે.લાલાજીની ઉંમર -૩-વર્ષની છે.
લાલાના કેશ વાંકડિયા છે,મસ્તક પર મોરપીંછ છે,હોઠ પર મુરલી છે,કાનમાં કુંડળ છે,હાથમાં બાજુબંધ છે,
પગમાં નુપુર છે,કેડ પર પીતાંબર ધારણ કરેલું છે,છુમ-છુમ કરતાં કનૈયો તે ગોપીની પાછળ ચાલે છે,અને-
યમુનાજીએ જળ ભરવા જતી ગોપી –લાલા ના આવા રૂપનું ચિંતન કરતી કરતી જાય છે,દેહનું ભાન રહ્યું નથી,લાલાજી ના દર્શન ની આતુરતા વધી ગઈ છે..........ત્યાં..જ..તેની પાછળ પાછળ ચાલતો આવતો લાલો,તેની નજીક આવી ને સાડીનો છેડો પકડે છે.

ગોપી પાછળ વળી ને જુએ છે-તો ત્યાં લાલાજી મરક-મરક હાસ્ય કરતા સાડીનો છેડો પકડીને ઉભા છે.
ત્રણ વર્ષનો કનૈયો છે, ગોપીના આનંદનો પાર નથી,આંખમાં આંસુ છે,અને....
લાલાને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો છે....(આ દૃશ્ય ની કલ્પના કરો-ત્રણ વર્ષ નો લાલો અને ગોપી)
લાલાએ તેના ગળામાં હાથ નાખ્યો અને કહે છે-કે-“અરી,સખી તું બહુ સુંદર છે”
ગોપી કહે છે-કે- લાલા તને સંકોચ થતો નથી? કનૈયો કહે છે-કે-મને સંકોચ શાનો?તું મારી છે,અને હું તારો છું.
(હું જ તારો બાળક અને હું જ તારો ધણી છું)

જરા વિચાર કરો...કોઈ “દેવ” એવો નથી કે જે રસ્તે ચાલતી સ્ત્રીના ગળામાં હાથ નાંખી શકે!!!
પરસ્ત્રીથી દેવો પણ બીવે છે,અને દૂર રહે છે.પણ કનૈયો તો કહે છે-કે-“હું તો બધાનો બાળક છું,મને કોઈ સ્ત્રી ની બીક લાગતી નથી” શ્રીકૃષ્ણ એ “દેવ” નથી પણ “પરમાત્મા” છે. કનૈયો બાળક બનવા પણ તૈયાર છે,
બીજા “દેવ” પિતા થવા તૈયાર છે,પણ બાળક બનવા તૈયાર નથી.
કનૈયો તો સર્વનો પિતા છે,દાદો છે,બાળક છે,અને જરૂર પડે તો ધણી થવા પણ તૈયાર છે.
ઈશ્વર સાથે જે ભાવથી જેવો સંબંધ જોડો,તે ભાવ પ્રમાણે પરમાત્મા સ્વ-રૂપ ધારણ કરે છે,
અને તે જ પ્રમાણે અખૂટ “પ્રેમ” કરે છે.

લાલાની આ લીલા-માધુરી છે.વૈકુંઠના નારાયણ “મર્યાદા પુરુષોત્તમ” છે-જ્યારે કનૈયો “પુષ્ટિ પુરુષોત્તમ” છે.
લાલો કરે તેવી લીલા મનુષ્ય તો શું,દેવો પણ કરી શકે નહિ,શ્રીકૃષ્ણ –એ દેવોના પણ દેવ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE