અધ્યાય-૮૧-સહદેવ અને સાત્યકિનાં ભાષણ
II सहदेव उवाच II यदेत्कथितं राज्ञा धर्म एष सनातनः I य थाच युध्ध्मेवस्यात्तथा कार्यमरिंदं II १ II
સહદેવે કહ્યું-હે શત્રુદમન કૃષ્ણ,યુધિષ્ઠિર રાજાએ જે કહ્યું તે સનાતન ધર્મ છે,પરંતુ તમારે તો જે પ્રમાણે યુદ્ધ થાય તે પ્રમાણે જ કરવું.હે કૃષ્ણ,કૌરવો જો પાંડવોની સાથે સલાહ કરવાની ઈચ્છા રાખતા હોય તો પણ તમારે તો તેઓની સાથે યુદ્ધ થાય તેવી જ યોજના કરવી,કારણકે સભામાં દ્રૌપદીની દશા જોઈને,દુર્યોધન ઉપર ઉત્પન્ન થયેલો મારો ક્રોધ,તેનો વધ કર્યા વિના કેવી રીતે શાંત થાય? જો ભીમ,અર્જુન ને ધર્મરાજા ધાર્મિક થઈને બેસી રહેશે તો પણ હું એકલો ધર્મનો ત્યાગ કરીને સંગ્રામમાં તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું (4)
સાત્યકિએ કહ્યું-હે કૃષ્ણ,આ સહદેવ,સત્ય કહે છે.દુર્યોધનનો વધ કરવાથી જ સહદેવનો ને મારો ક્રોધ શાંત થશે.વનમાં પાંડવોને વલ્કલ તથા મૃગચર્મ પહેરેલા જોઈને તમને પણ ક્રોધ ઉતપન્ન થયો હતો તે તમે જાણતા નથી કે?માટે આ શૂરા સહદેવે જે વચન કહ્યાં તે મને અને સર્વ યોદ્ધાઓને માન્ય છે (7)આ પ્રમાણે સાત્યકિ કહેતો હતો ત્યારે ત્યાં સર્વ યોદ્ધાઓનો મહાભયંકર સિંહનાદ થવા લાગ્યો અને યુદ્ધની ઈચ્છાવાળા તે સર્વ વીરો સાત્યકિને હર્ષ આપતાં 'ઠીક કહ્યું'કહીને માન આપવા લાગ્યા (9)
અધ્યાય-81-સમાપ્ત
અધ્યાય-૮૨-દ્રૌપદીનો ક્રોધ અને શ્રીકૃષ્ણનું સાંત્વન
II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धर्मार्थसहितं हितम् I कृष्णा दाशार्हमासीन ब्रविच्छोक्स्त्रनिन्दा II १ II
વૈશંપાયને કહ્યું-ધર્મરાજાનું ધર્મ ને અર્થથી યુક્ત અને હિતકારક ભાષણ સાંભળીને શોક વડે શુષ્ક થયેલાં,લાંબા કાળા કેશવાળાં મનસ્વિની દ્રૌપદી,સહદેવ ને સાત્યકિને અભિનંદન આપીને,ભીમસેનને શાંત પડી ગયેલો જોઈ,મનમાં અત્યંત ખિન્ન થઇ તથા આંસુથી આંખો ભરી,ત્યાં બેઠેલા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે જનાર્દન,દુર્યોધને કપટનો આશ્રય કરીને પાંડવોને સુખથી ભ્રષ્ટ કર્યા તે તમે જાણો છો.ધૃતરાષ્ટ્રે એકાંતમાં સંજયને પોતાનો ગુપ્ત વિચાર સંભળાવ્યો હતો અને સંજયે યુધિષ્ઠિરને જે સંદેશો કહ્યો હતો તે પણ તમે જાણો છો.યુધિષ્ઠિરે,સંજયને પાંચ ગામો આપવાનો સંદેશો કહ્યો હતો,તે સાંભળવા છતાં દુર્યોધને તે પ્રમાણે કર્યું નથી.માટે દુર્યોધન રાજ્ય આપ્યા વિના જો સંધિ કરવાની ઈચ્છા રાખે તો ત્યાં જઈને તમારે કોઈ પણ રીતે સંધિ કરવી નહિ,કારણકે સૃન્જયોની સાથે પાંડવો,દુર્યોધનના સૈન્યને પહોંચી વળવા સમર્થ છે.(11)