Jan 9, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮

સ્વપ્નમાં કોઈ મનુષ્ય પર વાઘ હુમલો કરે તો તે –મનુષ્ય દુઃખી થઇ જાય છે.
પણ જાગે તો ખબર પડે કે-તેની આજુ બાજુ ક્યાંય વાઘ તો છે જ નહિ.
પણ સ્વપ્નમાં તો-- સ્વપ્ન નો વાઘ સાચો જ લાગે છે.અને દુઃખી કરે છે.
તેવું જ માયાનું છે-માયા સાચી લાગે છે-પણ સ્વપ્નની જેમ –તે સાચી નથી.
તેમ છતાં તે સાચી છે –તેવો  ભ્રમ (ભ્રાંતિ) કરાવે છે.

માયાનાં બીજાં બે ઉદાહરણો જ્ઞાનેશ્વર આપે છે.
(૧) મનુષ્યના પડછાયા પર જો લાકડીથી ઘા કરવામાં આવે તો –તે ઘા શરીરને લાગતો નથી.
(૨) પાણીથી ભરેલું પાત્ર ઉંધુ વાળતાં-તેમાંનું રહેલું સૂર્યનું પ્રતિબિંબ નાશ પામે છે-     પણ તેથી સૂર્ય નો 
કંઈ નાશ થતો નથી.---બસ આવી જ રીતે “શરીર”–એ કંઈક ઉપરના ઉદાહરણ માં બતાવ્યું –તેમ-
એક સ્વપ્ન જેવું,મનુષ્યના પડછાયા જેવું,પાણી માં રહેલ પ્રતિબિંબ જેવું છે,ભ્રમ છે-
એટલે હવે સમજી શકાય કે-શરીર નો નાશ થતાં –આત્મા નાશ પામતો નથી. (૨૦-૨૧)

આત્મા અને શરીરને સમજાવવા અહીં ગીતામાં પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે.
કોઈ નાટકમાં કોઈ એક કલાકાર જુદી જુદી સાત ભૂમિકાઓ કરે છે.
એક વખતે ધોતિયું પહેરીને ગામડીઓ બની ને આવે છે-તો બીજી વખતે પેન્ટ-શર્ટ પહેરી સાહેબ બનીને 
આવે છે.કપડાને લીધે તે બંને વખત જુદો જુદો દેખાય છે.પણ કપડાની નીચે રહેલો કલાકાર તો- તેનો તે જ છે.

આજ ઉદાહરણ માં-જો કલાકાર ને આપણે આત્મા જોડે સરખાવીએ અને કપડાંને શરીર જોડે સરખાવીએ-
તો-કલાકાર જેમ કપડાં બદલી નાખે પણ કલાકાર તો એનો એ જ રહે છે-
તેવી રીતે જ-આત્મા શરીર બદલે છે (કપડાં બદલે છે)-
જુનું શરીર ત્યાગી દે છે (જુના કપડાં ઉતારી દે છે)-
અને નવું શરીર ધારણ કરે છે (નવાં કપડાં ધારણ કરે છે)-
શરીર નવું છે- છતાં પણ આત્મા તો તેનો તે જ રહે છે. (૨૨)

હવે અહીં ફરીથી પેલું ઘટાકાશ અને મહાકાશનું ઉદાહરણ નજર સમક્ષ લાવીએ તો-
આ આત્માને કોઈ આકાર નથી. અને તર્કથી  કે બીજા કોઈ સાધનથી તે નરી આંખે તો તે દેખાઈ શકે
તેવો નથી જ. અને તેથી જો- વિચાર કરીએ તો સમજમાં આવે છે-કે-

આત્મા કોઈ એક એવું શુદ્ધ ચૈતન્ય છે-જે બધી જ જગ્યાએ આકાશની જેમ ફેલાયેલું છે,
સદાકાળે નિત્ય છે, કોઈ પણ ક્રિયા વગરનું છે, જન્મ-મરણ વગરનું છે-અને જે દેખાતું જ નથી તો –
--તેના પર કોઈ શસ્ત્રથી પ્રહાર કેવી રીતે કરી શકાય ? (આત્મા પર શસ્ત્રથી ઘા થઇ શકતો નથી)
--તેને પાણીમાં ડૂબાડી દેવો હોય તો કેવી રીતે ડુબાડાય ?(આત્મા પાણીમાં ડૂબી શકતો નથી)
--તેને અગ્નિથી બાળી નાખવો હોય તો –કેવી રીતે બાળી શકાય ?(આત્મા અગ્નિથી બળી શકતો નથી)
--તે ભીનો જ ના થઇ શકતો હોય તો વાયુ તેને કેવી રીતે સુકવી શકે ? (આત્માને વાયુ સુકવી શકતો નથી)

અને આવું શુદ્ધ ચૈતન્ય (ચેતનતા-મહાકાશ) જયારે-શરીર (ઘડા) માં પ્રવેશે છે ત્યારે જ શરીર ચેતન બને છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-આવું આત્મ-તત્વ સમજી લીધા પછી -હે અર્જુન,તારે શોક કરવો યોગ્ય નથી. (૨૩-૨૪-૨૫)

આટલું આત્મા વિષે- સમજાવ્યા છતાં જો પણ જો તારી સમજ માં –આત્મા વિષે સંશય હોય-
ને હજુ પણ તું -જો આત્મા જ ઉત્પન્ન થાય છે-અને આત્મા જ મરે છે-
એવું જ જો માનતો હોય તો –
તને હું બીજી એક વાત કહું.-કે જે વાતથી તારે શોક કરવો જોઈએ નહિ તે વાત તું સમજે  (૨૬)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE