Jan 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭

કારણ એ છે કે-મનુષ્ય ઇન્દ્રિયો (આંખ-વગેરે) ને આધીન છે,ઇન્દ્રિયોનો દાસ છે.
અને ઇન્દ્રિયો (કાન –આંખ-વગેરે) નો સ્વભાવ જ એવો છે કે-
તેમને તેમના વિષયો (સાંભળવું-જોવું-વગેરે) સિવાય બીજા કશામાં સુંદરતા દેખાતી નથી.
એથી જ -સામાન્ય રીતે- ઇન્દ્રિયો (આંખ-વગેરે) તેના વિષયનું (જોવું-વગેરે) સેવન કરે છે,
પણ વિષયો-સ્થિર નથી.આંખ જો સુંદરતા  જુએ તો સુખ મળે –કદરૂપતા જુએ તો દુઃખ મળે--એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ અનુભવાય છે.અને આ સુખ-દુઃખમાં અંતઃકરણ પણ ગૂંથાય છે-જોડાય છે.

ઉદાહરણથી ફરીથી જોઈએ-તો-કાનનો વિષય –એ- સાંભળવાનો છે-
કાન દ્વારા નિંદા સાંભળી અને દ્વેષ ઉત્પન્ન થાય છે અને વખાણ સાંભળી રાગ (સંતોષ) ઉત્પન્ન થાય છે.
આંખનો વિષય –એ જોવાનો છે.સુંદર વસ્તુ જોવાથી સુખ અને કદરૂપતા જોવાથી દુઃખ પેદા થાય છે.
આવી જ રીતે નાક,જીભ અને ચામડી ના પોતપોતાના વિષયો છે. (જ્ઞાનેન્દ્રિયો)

ઉપર જોયું તે પ્રમાણે-ઇન્દ્રિયો (આંખ-વગેરે) ના વિષયો (જોવાથી મળતું સુખ-દુઃખ –વગેરે) અસ્થિર છે-
અને તેથી જ જો મનુષ્ય ઇન્દ્રિયોનો (આંખ-વગેરેનો) દાસ થાય, ઇન્દ્રિયોને આધીન થાય-તો - 
મનુષ્યને આપો આપ કાં તો સુખ મળે –કાં તો  દુઃખ મળે છે.

આમ ઇન્દ્રિયો (આંખ-વગેરે)ના વિષયો (જોવાથી મળતું સુખ-દુઃખ –વગેરે) સાથેનો
સંબંધ ઉત્પત્તિ અને નાશવાળો હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ  (૧૪)

જે મનુષ્ય આ વિષયોનો દાસ બનતો નથી-તેને સુખ-દુઃખની પ્રાપ્તિ થતી નથી.
પરંતુ કદાચ જો પ્રારબ્ધ (નસીબ) ને વશ –જો સુખ દુઃખ મળે –અને –ત્યારે-
તે સુખ-દુઃખ ને સમાન માની- તે વિવેકી પુરુષ -મોક્ષ પ્રાપ્તિને યોગ્ય બને છે  (૧૫)


આ જગતમાં સર્વ જગ્યાએ વ્યાપેલું એક ગૂઢ ચૈતન્ય છે. કે જે સત્ય છે, જેને પરમાત્મ તત્વ પણ કહે છે-
તેને કોઈ નામ,રૂપ,રંગ નથી. અને જે દેખી શકાય તેવું નથી,
જેને જન્મ નથી કે મરણ પણ નથી-કે જેનો નાશ કરવા જાઓ તો તેનો નાશ થઇ શકતો નથી.
અને આ જ ચૈતન્ય (આત્મા) જે શરીરમાં રહે છે-તે શરીર નાશવંત છે.(૧૬-૧૭-૧૮)

કૃષ્ણ કહે છે-અર્જુન, તું તારા “શરીરનું અભિમાન” કરીને અને “કૌરવોના શરીર” પર નજર નાખીને-
વિચારે છે-અને -કહે છે-કે-“હું મારનાર છું અને કૌરવો મરનાર છે. અને તેમને હું મારીશ નહિ “
પણ જો અહીં તું થોડો-સાચો  વિચાર કર તો જ સમજાશે કે-
તું મારનારો પણ નથી અને તેઓ મરનાર પણ  નથી.(૧૯)

અર્જુનને થયેલા શોક થી મોહ-માયાનું આગમન થયું છે. બુદ્ધિ પર અંધકાર છવાયો છે.
બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. બુદ્ધિને ભ્રમ થયો છે.અર્જુનને પોતાની જાતનું-શરીરનું  અભિમાન (અહમ) થયું છે,
અને વિચારે છે-કે તે –પોતે -મારનાર છે.અને કૌરવો મરનાર છે.
એના મનમાં કદી -એવો વિચાર નથી આવ્યો - કે કૌરવો- પણ તેને –પોતાને-–મારી શકે છે ?!

આ છે-માયાના લીધે –પેદા થતો –અહમ (અભિમાન) અને માયા ને લીધે પેદા થતો “ભ્રમ”.
જેમ આત્માને સમજવો કઠિન છે-તેવી જ રીતે માયાને સમજવી પણ કઠિન છે.
ભાગવતની અંદર માયા ને સમજાવવા માટે “સ્વપ્ન”નું ઉદાહરણ વારંવાર આવે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE