Jul 22, 2019

ભાગવત રહસ્ય-૧૪

શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?

એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે.અને ઉપદેશ આપે છે.
“આત્મા અમર છે, મરણ શરીરનું થાય છે. તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી”
થોડા દિવસ પછી જ્ઞાની સાધુની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો.સાધુને રડતો જોઈ પેલા ગૃહસ્થે સાધુને કહ્યું—બાપજી –તમે મને ઉપદેશ આપતા હતા કે-કોઈના મરણ માટે શોક કરવો નહિ. ત્યારે તમે રુદન કેમ કરો છો ? સાધુએ કહ્યું-કે- છોકરો તારો હતો પણ બકરી મારી છે.તેથી રડું છું.

આવું --પરોપદેશે પાંડિત્યમ –(બીજાને ઉપદેશ આપવાનો હોય ત્યારે પંડિત થઇ ને ઉપદેશ આપવો તે) શા કામનું ? જ્ઞાનનો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે.કથા જીવનને સુધારે છે. જીવનનો પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ના થાય –તો માનજો કે 
મેં કથા બરાબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે –એ- વાત સાચી છે.
રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે ? એમ રોજ વિચારો તો પાપ થશે નહિ. મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી,પણ ભોજનનો વિચાર રોજ કરે છે.

ભાગવતના મહિમાનું વર્ણન ઘણાં પુરાણોમાં કરવામાં આવ્યું છે. પણ નિયમ એવો છે કે-પદ્મપુરાણાન્તર્ગત માહાત્મ્યનું વર્ણન કરવું. હવે ભાગવતના મહિમાનું વર્ણન કરવામાં આવે છે.
આ ભાગવત કથાનું માહાત્મ્ય એક વાર સનત્કુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું.
માહાત્મ્યમાં એવું લખ્યું છે –કે- મોટા મોટા ઋષિઓ-દેવો,બ્રહ્મલોક છોડી –વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે.બ્રહ્મલોક છોડીને સનત્કુમારો વિશાલા ક્ષેત્રમાં આવ્યા છે.

પરદેશમાં ભૌતિક સુખ વધારે હશે. ભારત એ અધ્યાત્મવાદી દેશ છે. ભારત એ સુવર્ણભૂમિ છે. ભારતમાં ભગવાનના અવતારો થાય છે. ભારતમાં જેટલા ભગવાનના અવતારો થયા છે,તેટલા બીજા કોઈ દેશમાં થયા નથી.બ્રહ્મવિદ્યામાં ભારત શ્રેષ્ઠ છે. ભોગનું ભલે પરદેશમાં મહત્વ હશે પણ ભારતમાં ત્યાગી પુજાય છે.
બ્રહ્મલોકમાં બધાં ધ્યાન કરે છે. ત્યાં ધ્યાનનો આનંદ છે પણ સત્સંગનો આનંદ નથી. સત્સંગનો આનંદ ભારત માં છે.કથામાં જે આનંદ મળે છે –તે-બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, પણ સત્સંગી પોતે તરે છે- અને-સંગમાં આવેલા સર્વ ને તારે છે.

બદ્રીકાશ્રમ માં સનત્કુમારો પધાર્યા છે. જેને લોકો બદ્રીકાશ્રમ કહે છે-તે વિશાલા ક્ષેત્ર છે. વિશાલ રાજાએ ત્યાં તપશ્ચર્યા કરી હતી તેથી તેને વિશાલા ક્ષેત્ર કહે છે.વિશાલ રાજાને પ્રભુનાં દર્શન થયા. પ્રભુએ કહ્યું- તું કાંઇક માગ. રાજા એ કહ્યું-હું તમારા સતત દર્શન કરું. આપ મારી તપોભૂમિમાં અખંડ વિરાજો. પ્રભુએ કહ્યું-તું કાંઇક વધારે માંગ. રાજાએ કહ્યું-હજારો વર્ષ મેં તપશ્ચર્યા કરી –ત્યારે આપના દર્શન થયા છે, પણ પ્રભુ,એવી કસોટી બધાની કરશો નહિ. જે આ ક્ષેત્રમાં મેં તપ કર્યું,ત્યાં આવીને જે કોઈ તપ કરે, તેને તરત તમારા દર્શન થાય. પ્રભુએ કહ્યું –તથાસ્તુ.—તારું નામ વિશાલ છે તેમ તારું હૃદય પણ વિશાલ છે.આ ક્ષેત્રનું નામ વિશાલા કહેવાશે.

સ્કંદ પુરાણમાં કથા છે કે-બદ્રીનારાયણ –વિશાલરાજા માટે પધાર્યા. જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય.
બદ્રીનારાયણમાં પ્રભુ પોતે તપ-ધ્યાન કરી જગતને તપ-ધ્યાન નો આદર્શ બતાવે છે. તે બતાવે છે-કે-
હું ઈશ્વર છું છતાં ધ્યાન કરું છું.તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. પણ જીવ તપશ્ચર્યા કરતો નથી. તેથી ભગવાન- આદર્શ- બતાવે છે.બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે—માને દવાની જરૂર નથી. પણ બાળકને સમજાવવા તે દવા ખાય છે.

બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તે બતાવે છે કે-સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં કોઈ સ્ત્રીની નિંદા નથી,પણ કામની નિંદા છે.
કોઈ સ્ત્રી –બાળકોનો ત્યાગ કરવાનો નથી. પણ અહીં - કહેવું પડે છે કે-ઘરમાં સ્ત્રી-બાળકોની વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE