Sep 18, 2019

ભાગવત રહસ્ય-૬૭

વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રાનું વર્ણન ૩૨ શબ્દોમાં કર્યું છે.
આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી.

વિદુરજી ધ્રુતરાષ્ટને પૂછે છે-કેમ ભાઈ,ઊંઘ આવતી નથી? જે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા-તેના ઘરમાં તું ખાંડના લાડુ ખાય છે !! તને શરમ નથી આવતી? ધિક્કાર છે તને, -પાંડવોને તેં દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ છે-કે દ્રૌપદીને ભરી સભામાં બોલાવવા સંમતિ આપેલી. તારા સો છોકરાઓ મરી ગયા. પણ હજુ તને વિવેક નથી. પાંડવોને છોડી હવે જાત્રાએ નીકળો.પ્રભુ સ્મરણ કરો.

ધ્રુતરાષ્ટ કહે છે-ભત્રીજા બહુ લાયક છે.મારી ખુબ સેવા કરે છે.તેમને છોડતાં દિલ થતું નથી.
વિદુરજી કહે છે-હવે તને ભત્રીજા વહાલા લાગે છે? એ તો ધર્મરાજા ધર્મની મૂર્તિ છે-તેથી તારા અપકારનો બદલો ઉપકારથી આપે છે. પણ -મને તો એવું લાગે છે-કે-થોડા દિવસોમાં પાંડવો પ્રયાણ કરશે-અને તને ગાદી પર બેસાડશે. તેની આશામાં તું બેઠો છે. ભાઈ,તું હવે મોહ છોડ. તારા માથે કાળ છે. તારા મુખ પર મને મૃત્યુ ના દર્શન થાય છે. સમજીને ઘર છોડીશ તો કલ્યાણ છે-નહીતર કાળ ધક્કો મારશે –એટલે તો છોડવું જ પડશે. છોડ્યા વગર છુટકો નથી. 

સમજીને છોડે તેને બહુ શાંતિ મળે છે.પરાણે છોડવું પડે-તો બહુ દુઃખ થાય છે. અમુક સમએ મૃત્યુ-ચોક્કસ છે.
આ જીવ સમજીને છોડતો નથી. ડોક્ટર કહે-તમને બ્લડ પ્રેસર છે-ધંધો બંધ કરો-નહીતર જોખમ છે-
ત્યારે મનુષ્ય ડાહ્યો થઇ ઘરમાં બેસી જાય છે.

ધ્રુતરાષ્ટ કહે છે-ભાઈ તારું કહેવું સાચું છે-પણ હું આંધળો છું-એકલો ક્યાં જાઉં?
વિદુરજી કહે છે-કે-દિવસે તો ધર્મરાજા તને છોડશે નહિ.પણ અત્યારે મધ્યરાત્રિ હું તમને લઇ જાઉં.
ધ્રુતરાષ્ટ,ગાંધારી સાથે વિદુરજી ગંગા કિનારે સપ્તસ્ત્રોતતીર્થ માં આવ્યા છે.
ગંગાજીની ત્યાં સાત ધારા છે-તેથી તેને સપ્તસ્ત્રોતતીર્થ કહે છે. જયારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું ત્યારે –તેમનું સ્વાગત કરવા ઋષિ-મુનિઓ ઉભા થાય છે અને દરેક જણ-કહે છે કે –અમારા આશ્રમ માં પધારો.ગંગાજીએ લીલા કરી છે-ઋષિઓને ખરાબ ના લાગે તે માટે –સાત સ્વરૂપ ધારણ કરી-એક એકના આશ્રમમાં એકીસાથે ગયાં છે. 
આ સાતે ય ધારાઓ હરદ્વારના બ્રહ્મકુંડમાં એકત્ર થઇ છે.તેથી હરદ્વાર ના સ્નાન નું મહત્વ છે.

સવારે યુધિષ્ઠર-ધ્રુતરાષ્ટના મહેલમાં આવ્યા. કાકા દેખાતા નથી. વિચારે છે-કે “અમે તેમના સો પુત્રોને મારી નાખ્યા એટલે તેમણે –આત્મહત્યા તો નહિ કરી હોય? કાકા-કાકીનો પત્તો ના લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી “ પરમાત્મા ના લાડીલા ભક્તો દુઃખી થાય ત્યારે પરમાત્મા કોઈ સંતને મોકલે છે. 
ધર્મરાજાની પાસે તે વખતે નારદજી પધારે છે.

નારદજી સમજાવે છે-કે-કાકાને સદગતિ મળવાની છે.ચિંતા ના કરો.દરેક જીવ મરણને આધીન છે.કાકા જ્યાં જવાના છે ત્યાં તમારે પણ જવાનું છે.આજથી પાંચમા દિવસે કાકાની સદગતિ થશે પછી તમારો વારો આવશે. કાકાને માટે રડશો નહિ.હવે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતા માટે રડે તે જ સારું છે. તમારા માટે પણ હવે –છ મહિના બાકી રહ્યાં છે. દ્વાપરયુગની સમાપ્તિમાં તમારે પણ બધું છોડવું જ પડશે.

એક મરે તેના પાછળ બીજો રડે છે.પણ રડનારો સમજતો નથી-કે આ ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે.બીજા માટે રડો –તે ઠીક છે-પણ રોજ તમારા માટે થોડું રડો. રોજ વિચાર કરો કે મારે મારું મરણ સુધારવું છે.માંદા થઇ-પથારીમાં પડ્યા પછી ડહાપણ ઘણાને આવે છે.તે શા કામનું ? પંચાવન પછી –પણ ઘણા નવી નોકરી શોધી કાઢે છે.પંચાવન પછી તમે છોકરાઓની ચિંતા છોડી દેજો. 

પંચાવન પછી બધું છોકરાઓને સોંપી-છોકરાઓને ભગવાનને સોંપી દો.પંચાવન પછી જે બહુ સાવધાન રહે છે-તેનું મરણ સુધરે છે.કેટલાક કહે છે કે-હું તો બધું છોડી દઉં પણ મારા ભાણાનું શું થાય ?અરે ભાઈ –ભાણાની ચિંતા તું શા માટે કરે છે? તું તારી જ ચિંતા કરને. અંતકાળે જીવ ચિંતા કરે છે-મારી છોકરીનું શું થશે? મારી ઘરવાળીનું શું થશે? પણ તારું શું થશે ? તેનો વિચાર કર.
નારદજી કહે છે-હું તમને ભગવદ પ્રેરણાથી સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી-ધ્રુતરાષ્ટને સાવધાન કરવા આવ્યા હતા.છ મહિના પછી દ્વાપરયુગ સમાપ્તિ થશે અને કળિયુગની શરૂઆત થશે. ભગવાનના સ્વ-ધામ પધાર્યા પછી-તમે પણ પૃથ્વી પર રહેશો નહિ.હવે તમે કોઈની ચિંતા ના કરો. પણ માત્ર તમારી ચિંતા કરો.
યુધિષ્ઠિરે તે પછી ઘણા યજ્ઞો કર્યા.શ્રીકૃષ્ણ દ્વારકા ગયા ત્યારે અર્જુનને સાથે લઇ ગયેલા.
પ્રભુની ઈચ્છા હતી કે યદુકુલનો વિનાશ થાય-તો સારું. અને તે ઈચ્છા -પ્રમાણે જ યદુકુળનો વિનાશ થયો.

      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE