Sep 17, 2019

ભાગવત રહસ્ય-૬૬

ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે.
ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુપ્રેમમાં તન્મય થઈને ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે.તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.
કબીર કહે છે--'જબ તુમ આયે જગતમેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય' 

જયારે જન્મ થયો ત્યારે તમે રડતા હતાં અને જગત આનંદ મનાવી હસતું હતું. પણ જગત માંથી જયારે તમે જાવ –ત્યારે એવા સુકૃત્ય કરીને જાવ-કે-તમને તમારી ફરજ બજાવ્યાનો પૂર્ણ સંતોષ હોય-પ્રભુપ્રેમમાં તન્મય હોવ-તો તમે હસતા હોવ –અને જગતને તમારી ખોટ એટલી- સાલે કે-જગત તમારા માટે રડે.
માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે.જીવન એનું સુધરે જેનો સમય સુધરે.કે જેને સમયની કિંમત છે.

ગયેલી સંપત્તિ મળશે પણ ગયેલો સમય નહિ મળે. પ્રતિક્ષણનો જે સદુપયોગ કરે,તેનું મરણ સુધરે.કણ અને ક્ષણનો દુરુપયોગ ન કરો, પ્રતિ દિન સંયમ અને ઈશ્વરનું સ્મરણ-કરે તેનું મરણ ભીષ્મની જેમ સુધરે.
અંતકાળનો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુનું સ્મરણ બહુ કઠણ છે.

ભીષ્મ જ્ઞાનનો ભરોસો રાખતા નથી,ભક્તિથી પ્રભુની શરણાગતિ સ્વીકારી છે-તો પ્રભુ મરણ સુધારવા-સદગતિ આપવા પધાર્યા છે.ભીષ્મના મરણથી યુધિષ્ઠિર અને સર્વને દુઃખ થયું પણ –દાદાને સદગતિ મળી –તેથી આનંદ થયો છે.યુધિષ્ઠિર-હસ્તિનાપુર માં રાજ્ય કરવા લાગ્યા.ધર્મના પાલનથી સર્વ લોકો સુખમાં જીવે છે.
સૂતજી કહે છે-કે-ધર્મરાજાના રાજ્ય માં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.

ધર્મરાજાનેને ગાદીએ બેસાડી,શ્રી કૃષ્ણ-દ્વારકા પધારે છે. હસ્તિનાપુરના લોકો રથયાત્રાનાં દર્શન કરે છે.
શ્રીકૃષ્ણ દ્વારકામાં આવ્યા ત્યારે –નગરજનો કહે છે-કે-આપની કૃપાથી સર્વ સુખ હતું પણ એક દુઃખ હતું કે-આપનાં દર્શન થતાં નહોતાં.સર્વને કૃષ્ણદર્શનની આતુરતા છે.

અગિયારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા તે કથા છે. બારમાં અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.
પવિત્ર સમયે-ઉત્તરાએ બાળકનો જન્મ આપ્યો. બાળક જન્મ્યા પછી ચારે બાજુ જોવા લાગ્યો. મા ના પેટમાં ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે ક્યાં છે ?
પરીક્ષિત ભાગ્ય શાળી છે કે તેને માતાના ગર્ભમાં-જન્મતાં પહેલાં જ પરમાત્માનાં દર્શન થયાં છે.

યુધિષ્ઠરે બ્રાહ્મણોને પૂછ્યું-કે –આ બાળક કેવો થશે ?
બ્રાહ્મણોએ કહ્યું-સર્વ ગ્રહો દિવ્ય પડ્યા છે-માત્ર એક મૃત્યુ-સ્થાન બગડેલું છે.એનું મૃત્યુ સર્પદંશથી થશે.
યુધિષ્ઠિરને આ સાંભળી દુઃખ થયું. મારા વંશનો દીકરો સર્પ દંશથી મૃત્યુ પામે તે યોગ્ય નથી.
ત્યારે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું-કે-સર્પદંશથી તેનું મૃત્યુ ભલે થશે-પણ તેને સદગતિ મળશે.તેના બીજા ગ્રહો સારા છે. તે ગ્રહો જોતાં લાગે છે કે-આ જીવાત્માનો આ છેલ્લો જન્મ છે.

પરીક્ષિત રાજા ધીમે ધીમે મોટા થયા છે. ચૌદ-અને પંદરમા અધ્યાયમાં ધ્રુતરાષ્ટ્ર અને પાંડવોના મોક્ષની કથા કહી છે.પછી-સોળમા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ કર્યો છે.
આ બાજુ વિદુરજી તીર્થયાત્રાએ નીકળેલા-તે ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. વિદુરજીને ખબર પડી કે-સર્વ કૌરવોનો વિનાશ થયો છે.ધર્મરાજા ગાદી પર વિરાજ્યા છે-એક મારો ભાઈ ધર્મરાજાને ત્યાં ટુકડા ખાવા પડ્યો છે.વિદુરકાકા પધાર્યા છે-ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરકાકા માન લેવા આવ્યા નહોતા પણ-પોતાના બંધુને –બંધનમાંથી છોડાવવા આવ્યા છે.

વિદુરજીએ ૩૬ વર્ષ તીર્થયાત્રા કરી છે.સંતો તીર્થયાત્રા કરી તીર્થને પાવન કરે છે.બાકી શાસ્ત્રમાં લખ્યું છે કે-ઉત્તમા સહજાવસ્થા –મધ્યમા ધ્યાન ધારણા –અધમા મૂર્તિપૂજા-તીર્થયાત્રા અધમાધમાતેનું કારણ એ છે કે-તીર્થ યાત્રામાં –બીજી ચિંતાઓમાં ઈશ્વરનું નિયમથી ધ્યાન થતું નથી.સત્કર્મ નિયમથી થતું નથી.ઘણા તો હવાફેર- કે -મોજ-મજા કરવા તીર્થ સ્થાને જતાં હોય છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE