Sep 16, 2019

ભાગવત રહસ્ય-૬૫

આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણા મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.(થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) 
રણછોડરાયને અગિયાર રૂપિયા ભેટમાં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટમાં આવજો.
વકીલને ૩૦૦ આપે અને ઠાકોરજીને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો? 

એટલે જ જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં ભક્તો ને નજર કેમ નથી આપતા ?
ત્યારે ભગવાન કહે છે-એ આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું જો.....
ભીષ્મ સ્તુતિનો વિચાર કરતાં –એમ લાગે છે-કે-અંતકાળે ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાન પર બહુ ભરોસો રાખશો નહિ. શરીર બહુ સારું હોય ત્યાં સુધી જ્ઞાનની વાતો કરવી સહેલી છે.(આત્મા બ્રહ્મરૂપ છે-તેને સુખ-દુઃખ નથી-એમ બોલવું સહેલું છે-આત્મા શરીરથી જુદો છે –તે સહુ જાણે છે-પણ તેનો અનુભવ થતો નથી) પણ સાધારણ તાવ આવે તો પણ જ્ઞાન ભુલાય છે. ત્યારે દેહાધ્યાસ જ મનમાં આવે છે. શરીરના દુઃખમાં
જ્ઞાન યાદ રહેતું નથી-કે શરીરથી હું જુદો છું.અંતકાળમાં દુઃખ આવવાનું નક્કી જ છે.તેથી સતત ભક્તિ કરજો.

ભીષ્મ કહે છે કે –હું શરણે આવ્યો છું. (એવું બોલતાં નથી કે હું બ્રહ્મરૂપ છું.) હું તમારો છું. હે નાથ, કૃપા કરી મને એકવાર કહો-કે-તું મારો છે.ભગવાન સહેજ ઠપકો આપે છે-કૌરવોમાં તમારી આસક્તિ હતી.
ભીષ્મ કહે છે-ના-ના-કૌરવોમાં આસક્તિ નહોતી-પણ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ હતી.-પ્રીતિ હતી. હે નાથ,તે વખતે અર્જુનના રથ પર તમે વિરાજતા હતા.મેં વિચાર્યું-કે-પાંડવ પક્ષમાં રહીશ તો –અર્જુનના રથ પર વિરાજેલા-પાર્થસારથી શ્રીકૃષ્ણનાં દર્શન બરોબર થશે નહિ.મને તમારું પાર્થ-સારથીનું સ્વરૂપ બહુ ગમે છે.એટલે-સામા પક્ષમાં જઈ હું ઉભો હતો.

ભગવાન વિચાર કરવા લાગ્યા-ડોસો ચતુર છે-કેવું સરસ બોલે છે.!!
ભીષ્મ કહે-છે-મને યુદ્ધના સમયની તમારી એ-વિલક્ષણ છબી યાદ આવે છે.મુખ પર લહેરાતી વાળની લટો –ઘોડાઓનાં પગથી ઉડતી ધૂળથી મેલી થઇ હતી.ને પસીનાનાં નાનાં બિંદુઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે-હું તેમની ચામડી વીંધી રહ્યો હતો.હે નાથ, મારા અનેક જુલમો સહીને પણ જગતમાં તમે મારી-કેટલી પ્રતિષ્ઠા વધારી !! મને કેટલું માન આપ્યું!! મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી.

મહાભારતના યુદ્ધમાં કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન લેવાની શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી.
ભીષ્મે કહેલું-હું ગંગાજીનો પુત્ર છું-હું એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે.
યુદ્ધમાં ભીષ્મનાં બાણોથી અર્જુનને મૂર્છા આવી છે. છતાં ભીષ્મ બાણ પર બાણ મારે છે. કૃષ્ણે વિચાર્યું-આ ડોસો –અર્જુનને મારી નાખશે-તો અનર્થ થશે-મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. એક સ્વરૂપે રથમાં બેઠા છે-અને બીજા સ્વરૂપે-ભગવાન રથમાંથી કુદી પડ્યા છે.

જેમ સિંહ –પોતાનો શિકાર પકડવા દોડતો હોય-તેમ શ્રીકૃષ્ણ-હાથમાં રથનું પૈડું લઇ ભીષ્મ તરફ દોડ્યા છે.
ભીષ્મે તે વખતે નમન કર્યું. ભગવાનનો જય જયકાર કર્યો. ભગવાન કેવા દયાળુ છે!! ભક્તની પ્રતિજ્ઞા સત્ય કરવા –પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજીની આ લીલા છે. ભગવાન ભક્તોને બહુ માન આપે છે. મારી ભલે હાર થાય પણ મારા ભક્તની જીત થાય.

ભીષ્મ કહે છે-કે- મારા ભગવાનની પ્રતિજ્ઞા પણ કોઈ દિવસ ખોટી થાય નહિ.તમારી પ્રતિજ્ઞા સાચી છે.તે વખતે મને-તમારાં બંને સ્વરૂપનાં દર્શન થયા છે. રથમાં જે સ્વરૂપે હતાં-તે સ્વરૂપે હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.ભીષ્મ એટલે મન. અર્જુન એટલે જીવાત્મા.મન(ભીષ્મ)-આવેશમાં આવે છે-ત્યારે સંકલ્પ-વિકલ્પરૂપી બાણ મારે છે-એટલે જીવ (અર્જુન) ઘાયલ થાય છે.મૂર્છિત થાય છે.તે વખતે રથ (જીવાત્મા રૂપી રથ)ની લગામ ભગવાનના હાથ માં હોય તો-ભગવાન રક્ષણ કરે છે. ભગવાન ચક્ર લઈને મન ને (ભીષ્મને) મારવા જાય છે-ત્યારે મન કાબુમાં આવે છે-શાંત થાય છે.

આ જીવ પરમાત્માના શરણે જાય-ત્યારે પરમાત્મા આ મનને શાંત કરે છે.
મન જો-સંકલ્પ-વિકલ્પ ન કરે તો –તે મન-આત્મ-સ્વરૂપમાં મળી જાય છે.ત્યારે જીવને શાંતિ મળે છે.
      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE