Dec 14, 2019

ભાગવત રહસ્ય-૧૩૯


ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.
જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.

જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરો કે –જે સ્નેહ-આસક્તિ બની પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે.
માટે ઘરમાં (કે આસપાસ) કોઈને પણ રાખજો પણ મનમાં કોઈને રાખશો નહિ.
મનમાં –બીજી વસ્તુ પ્રવેશે –એટલે મનમોહન (લાલાજી) ત્યાંથી (મનમાંથી) નાસી જાય છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે-સંસારમાં નાવ (નાવડી-હોડી)ની જેમ રહેવું જોઈએ.
નાવ પાણી ઉપર રહે તો તે તરે છે,પણ જો નાવ ની અંદર પાણી આવે તો તે ડૂબી જાય છે.
તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. એટલેકે-નિર્લેપપણે સંસારમાં રહો.
આ શરીર નાવ છે,સંસાર સમુદ્ર છે અને વિષયો તે-જળરૂપ છે. વિષયો શરીરમાં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.સંસારમાં રહેવું તે બુરું નથી,પણ સંસારને મનમાં રાખવો તે બુરો છે. મનમાં રહેલો સંસાર રડાવે છે.
મનમાં રહેલી મમતા-બંધન કરે છે, મન મરે તો મુક્તિ મળે.
બંધન મનને છે, આત્માને નથી- આત્મા તો સદા મુક્ત જ છે.

પ્રહલાદને ઘરમાં બિલકુલ અનુકુળતા નહોતી, પણ તેને લક્ષ્યની ખબર હતી.તેમણે ધ્યેય છોડ્યું નથી. 
પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘરમાં રહીને,ઘરમાં જ ભજન કર્યું.ઘરમાં તેમની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહિ.
પણ,એકાંત વનમાં પણ ભરતજી – (માત્ર (હરણ પરની) આશક્તિને કારણે ભક્તિ કરી શક્યા નહિ.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભજન કેવી રીતે કરવું-તે પ્રહલાદે જગતને બતાવ્યું-અને અનુકૂળ પરિસ્થિતિમાં પણ જો મનુષ્ય સાવધ ના રહે-તો તેનાથી ભજન કરી શકાતું નથી.એ જાણવા મળે છે-ભરતચરિત્રથી.
ઘર છોડીને ગયેલા મહાત્માઓને –માયા-કેવી રીતે પજવે છે-તેની આ કથા છે.

ભરતજીની કથા હવે શરુ થાય છે.ભરતજીએ જુવાનીમાં જ ઘરનો ત્યાગ કર્યો.પૃથ્વીના સાર્વભૌમ રાજા હતા –પણ કોઈનેય સાથે લીધા નથી.ભરતજીએ વિચાર્યું-હું એકાંતમાં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ. નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે.નદીના કિનારે ભરતજી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે.
માત્ર ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ હશે તો –ઈશ્વરભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું હોય તે એકલો જ તપ કરે.વિચારે- “હું એકલો નથી-મારા ભગવાન મારી સાથે છે.” ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ દુઃખી કરે છે.

ભરતજી એકલા જ તપ કરવા ગયા છે. ગંડકી નદી  બીજું નામ છે-શાલિગ્રામી- નદી કિનારે ભરતજી તપ કરે છે.રોજનો નિયમ હતો-સવારે ચાર વાગે બ્રાહ્મમુહૂર્તમાં સ્નાન કરે છે. કેડપુર પાણીમાં ઉભા રહી ધ્યાન કરે છે, અને ગાયત્રીમંત્રનો જપ કરતાં-સુર્યનારાયણને અર્ઘ્ય આપે છે.

બુદ્ધિના દેવ સુર્યનારાયણ છે. સુર્યનારાયણની કૃપા થી બુદ્ધિ સુધરે છે. બુદ્ધિનો મન પર પ્રભાવ છે-એટલે બુદ્ધિ સુધરે તો-મન પણ સુધરે છે. ઉગતા સૂર્યના કિરણ તન પર પડે-તો તન પણ સુધરે છે.
સૂર્યનારાયણ જગતને સતત પ્રકાશ આપે છે.(છતાં વીજળીની કંપનીની માફક કોઈ બિલ મોકલતા નથી)
રવિવારે કે -બીજા કોઈ દિવસ રજા લેતા નથી કે વેકેશન પર જતા નથી.સમસ્ત સ્થાવર- જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે બધા સૂર્યનારાયણના ઋણી છીએ.
સૂર્ય એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે.(જરા વિચાર કરો-"તો" "જ" સમજાશે- "સૂર્ય" ને પણ પ્રકાશ આપવાની "શક્તિ" આપનાર જે –છે- તે- "પરમાત્મા" છે )

ભરતજી પ્રાર્થના કરે છે-ભગવાનના તેજોમય સ્વરૂપનું (સૂર્ય પણ જેનાથી પ્રકાશિત છે-તેનું) હું ધ્યાન કરું છું.જે મારી બુદ્ધિને સવળે માર્ગે દોરે.-પ્રકાશિત કરે. (બુદ્ધિમાં રહેલ અંધકારને હટાવે )(ગાયત્રી મંત્ર
(મંત્રના અર્થ સાથે અને (તેની પાછળ છુપાયેલા) જ્ઞાન સાથે –મંત્ર કરવાથી જ મંત્રની અસર પડે છે.)

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE