Feb 9, 2020

ભાગવત રહસ્ય-૧૮૪

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.

ફૂલમાં લક્ષ્મીજીનો વાસ છે.ફૂલ પગ નીચે આવે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે.
મહાભારતમાં વર્ણન છે –કે લક્ષ્મીજી ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતાં.
જે ઘરમાં ભિખારીનું અપમાન થાય,જે ઘરમાં સાયંકાળે કંકાસ-કજીયો થાય,સૂર્યોદય પછી પથારીમાં સૂતા રહે-તો લક્ષ્મીજીનું અપમાન થાય છે- તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી.

ઇન્દ્ર અતિ સંપત્તિમાં ભાન ભૂલેલો હતો.અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતાં નથી.
સંપત્તિમાં જે શાન-ભાન ભૂલેલો છે-તે જ્યાં સુધી દરિદ્ર ન થાય ત્યાં સુધી તેની અક્કલ ઠેકાણે આવતી નથી.
તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું છે. દેવો ભગવાનને શરણે ગયા.ને કહે છે-કે-
અમને અમારું રાજ્ય પાછું મળે તેમ કરો.

ભગવાને આજ્ઞા કરી –કે તમે સમુદ્ર મંથન કરો-તેમાંથી અમૃત નીકળશે તે હું તમને પીવડાવીશ.
જેથી તમે અમર થશો.પરંતુ આ કાર્ય મોટું છે,તેમાં તમે તમારા શત્રુઓ-દૈત્યોનો સાથ લેજો,નહિતર શત્રુ 
તમારાં કાર્યમાં વિઘ્ન કરશે. દૈત્યો અભિમાની છે,તમે દૈત્યોના વખાણ કરો.એટલે તેમની સાથે મૈત્રી થશે.
પ્રભુએ આજ્ઞા કરી એટલે દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી.
મંદરાચળ પર્વતની રવઈ (વલોણું) બનાવવામાં આવ્યું, વાસુકી નાગનું દોરડું બનાવવામાં આવ્યું.
દેવો અને દૈત્યો-અમૃત મેળવવા સમુદ્ર નું મંથન કરવા લાગ્યા.

આ પ્રસંગનું રહસ્ય એવું છે-કે-સંસાર એ સમુદ્ર છે.સમુદ્ર મંથન એ જીવનું મંથન છે.
સંસાર સમુદ્રનું વિવેકથી મંથન કરી જ્ઞાન-ભક્તિ રૂપી અમૃત મેળવવાનું છે.
અને જે જ્ઞાન અને ભક્તિ રૂપી અમૃતનું પાન કરે તે અમર બને છે.
મંદરાચળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે.અને વાસુકી નાગ એટલે પ્રેમ દોરી.

જયારે સમુદ્ર મંથન વખતે આ મંદરાચળ પર્વત સમુદ્ર માં ડૂબવા લાગ્યો. ત્યારે કુર્માવતાર ભગવાને તેને પોતાની પીઠ પર રાખ્યો છે.મન-રૂપી મંદરાચળ આધાર વગર સ્થિર થઇ શકતો નથી.
તેને ભગવદસ્વરૂપ-ભગવદનામનો આધાર જોઈએ.આધાર હશે તો તે સંસાર-સમુદ્રમાં ડૂબશે નહિ.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE