Feb 10, 2020

ભાગવત રહસ્ય-૧૮૫

સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું.
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.

યુવાનીમાં મંથન શરુ થાય છે,સહુ પ્રથમ વિષયો મળે છે. વિષયો વિષ છે.
સમુદ્ર મંથનમાંથી પહેલું ઝેર નીકળ્યું -અને આ ઝેરની વાસ દેવો અને દૈત્યોથી સહન થતી નથી.
તેથી તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે-નાથ,કૃપા કરો,આ ઝેર અમને બાળે છે.
પ્રભુ એ આજ્ઞા કરી કે-શંકરને ઝેર પચશે, માટે તેમને બોલાવો.

જેને માથે જ્ઞાન ગંગા હોય તેને ઝેર પચે છે.
આ સંસારનું ઝેર બધાને બાળે છે,પણ જેના માથા પર જ્ઞાનગંગા હોય તેને ઝેર બાળી શકતું નથી.
શિવજીની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજી જ્ઞાન આપે છે,
અને જે જ્ઞાનથી ઝેર સહન કરવાની શક્તિ મળે છે.
નિંદા એ ઝેર છે,અને નિંદા એ “શબ્દ રૂપ” હોવાથી,તેનો સંબંધ “આકાશ” સાથે છે-આત્મા સાથે નહિ.

બધા દેવો શિવજી પાસે આવ્યા છે અને શિવજીને ઝેર પીવાની પ્રાર્થના કરે છે.
શિવજી વિચારે છે-પરોપકાર સામાન કોઈ ધર્મ નથી. આ લોકો આશાથી આવ્યા છે-
તો તેમને નિરાશ કેમ કરાય ? બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થતું.
બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે,બીજાનું સુધારવા જે પોતાનું બગાડે,તે શિવ –અને 
પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે ,પોતાનું સુધારવા બીજાનું બગાડે, તે જીવ.

ભગવદસ્મરણ કરતા શિવજી ઝેર પી ગયા છે.શિવજીએ ઝેર પેટમાં ઉતાર્યું નથી પણ કંઠમાં રાખ્યું છે.
ઝેર ની અસરથી શિવજી નો કંઠ નીલો થયો,એટલે તેમનું નામ પડ્યું નીલકંઠ.
આ બતાવે છે-કે કોઈ નિંદા કરે તો તે નિંદા રૂપી ઝેરને ધ્યાન માં ન લેવું કે પેટમાં સંઘરવું નહિ.
પેટમાં ઝેર રાખે તે પરમાત્માની ભક્તિ કરી શકતો નથી.

ભાગવતમાં લખ્યું નથી પણ કહેવાય છે-કે-શિવજી ઝેર પીતા હતા ત્યારે થોડું ઝેર નીચે પડ્યું-
જે કેટલાકની આંખમાં અને કેટલાકના પેટમાં ગયું.
આંખમાં અને પેટમાં ઝેર રાખશો નહિ.ઘણા મનુષ્યોનો સ્વભાવ જ એવો હોય છે-કે-
કોઈને સુખી જોઈ પોતે દુઃખી થાય છે. આંખમાં પ્રેમ રાખવાનો છે. વેર નહિ. વેર એ જ ઝેર છે.

જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા.સાધુ-પુરુષોનું વર્તન પણ એવું જ હોય છે.સજ્જનો પોતાના પ્રાણઆપીને પણ બીજાના પ્રાણનું રક્ષણ કરે છે.ત્યારે સંસારનાં પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઇને
પરસ્પર વેર રાખી રહ્યા છે.તુલસીદાસજી સાધુ પુરુષો નું વર્ણન કરતાં કહે છે-કે-
સંતનું હૃદય માખણ જેવું કોમળ હોય છે,ના,ના,આ ઉપમા પણ પુરતી નથી,માખણ તો પોતાના તાપથી દ્રવે છે,ત્યારે સંતનું હૃદય બીજાના દુઃખથી દ્રવે છે.તેને કઈ ઉપમા આપવી તે સમજાતું નથી.

ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કિર્તન કરજો.શિવજી ભગવાનનું નામ દેતાં દેતાં ઝેર પી ગયા છે.
ભગવાનનું નામ ઝેરને પણ અમૃત બનાવે છે. ઝેરને પચાવે તેને અમૃત મળે છે.

સોળમા વર્ષથી જીવનમાં મંથન શરુ થાય છે.મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે.
તે વખતે મનને મંદરાચળ જેવું સ્થિર કરો તો મંથનમાંથી ભક્તિ-જ્ઞાન રૂપી અમૃત નીકળશે.
તે પીવાથી મનુષ્ય મરતો નથી, અમર બને છે.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE