Feb 11, 2020

ભાગવત રહસ્ય-૧૮૬

સમુદ્રમંથનમાંથી તે પછી-કામધેનું ગાયમાતા બહાર આવ્યા છે.પહેલાં સંપત્તિ આવે છે-તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. કામધેનું એ સંતોષનું પ્રતિક છે.
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.
તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.

શ્રવ શબ્દમાંથી અર્થ નીકળે છે –કીર્તિ. ઉચ્ચૈ:શ્રવા એ કીર્તિનું પ્રતિક છે.
જે મનને પર્વત જેવું સ્થિર કરે તેને જગતમાં કીર્તિ મળે.પણ કીર્તિમાં મન ફસાય તો અમૃત મળતું નથી.
ઉચ્ચૈ:શ્રવા દૈત્યોએ લીધો,એટલે તેમને અમૃત મળતું નથી.

ત્યારબાદ ઐરાવત હાથી નીકળ્યો છે. હાથી એ સુક્ષ્મદૃષ્ટિનું પ્રતિક છે. હાથીની આંખ સૂક્ષ્મ છે.સૂક્ષ્મ દૃષ્ટિ એ દેવ દૃષ્ટિ છે,આત્મ દૃષ્ટિ છે.દેવોને હાથી આપ્યો છે.પછી પારીજાત અને અપ્સરાઓ પણ દેવોને આપ્યા છે.
ફરીથી મંથન શરુ થયું.સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. દૈત્યોને લાગ્યું-આ અમને મળે તો સારું.
“મને મળે” એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતાં નથી.
લક્ષ્મીજીને સિંહાસન પર પધરાવ્યાં છે.લક્ષ્મીજી વિચારે છે-કોને વિજયમાળા અર્પણ કરું ?
સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા લક્ષ્મીજી નીકળ્યાં છે.

ઋષિઓના મંડપમાં દેવીને લાવ્યા છે.આ ઋષિઓ જ્ઞાની છે,તપસ્વી છે,પણ ક્રોધી બહુ છે.
તપશ્ચર્યા તથા જ્ઞાનને કૃષ્ણપ્રેમ નો સાથ હોય તો જ હૃદય કોમળ બને છે. કેવળ તપ કરવાથી કાંઇ ફળ 
મળતું નથી.તપને ભક્તિનો સાથ હોવો જોઈએ. તપ કરવાથી શક્તિ વધે-એટલે ક્રોધ આવે છે.
શક્તિ વધે તે જીરવવી અઘરી છે. જ્ઞાનને ભક્તિનો સાથ હોવો જોઈએ.
લક્ષ્મીજી કહે મારું મન માનતું નથી. આગળ ચાલો.

આગળ ચાલતાં ઇન્દ્ર.ચંદ્ર વગેરે દેવો બેઠા છે.દેવો ક્રોધી નથી પણ અતિ કામી છે.
શાસ્ત્રમાં ક્રોધ નો રંગ લાલ,લોભનો પીળો અને કામનો રંગ કાળો બતાવ્યો છે.
દેવો મહાપુરુષો છે પણ કામી છે એટલે આગળ ચાલો.
આગળ પરશુરામ બેઠા છે.તે કામી નથી,ક્રોધી નથી પણ નિષ્ઠુર છે.તેમનામાં દયા માયા નથી.
આગળ માર્કંડેય ઋષિ બેઠા છે,બહુ સુંદર છે પણ સભામાં એ આંખો બંધ કરી બેઠા છે.લક્ષ્મીજીને જોતાં પણનથી.ઋષિનો નિયમ છે-કે-એકલી લક્ષ્મીના હું દર્શન કરતો નથી.

લક્ષ્મીજી વિચારે છે-આ મહાત્મા તો બિલકુલ મારી સામે પણ જોતા નથી.
માર્કંડેય કહે છે-તું શાની રૂપાળી?તારા કરતા મારા લાલાજી વધુ સુંદર છે. જ્યાં સુધી મારા લાલાજી તને નઅપનાવે ત્યાં સુધી હું તારી સામે પણ જોવાનો નથી.તમે નારાયણને લઇ આવો પછી હું તમારાં દર્શન કરીશ.


તુકારામની ગરીબ પરિસ્થિતિ જોઈને શિવાજી મહારાજે તુકારામને માટે સોના મહોરોથી 
ભરેલ થાળ મોકલાવ્યો.તુકારામે કહ્યું-હું લક્ષ્મીજી પાછળ પડેલો ત્યારે તે મને મળેલી નહિ. 
હવે જયારે ચિત્ત ભગવાનમાં લાગ્યું છે-ત્યારે તે મને વિઘ્ન કરવા આવી છે.
એમ કહી તેમણે સોના મહોરોનો સ્વીકાર ન કર્યો અને થાળ પાછો મોકલાવ્યો.

આખો દહાડો ધ્યાન કરે તે લક્ષ્મીજીને ગમતો નથી. લક્ષ્મીજીને થાય છે-કે-આ મારા નારાયણ સાથે 
એકાંતમાં મને પાંચ મિનિટ વાત પણ કરવા દેતો નથી.લક્ષ્મીજી નારાજ થાય છે તેનો ત્યાગ કરે છે.
સતત પ્રભુનું ધ્યાન કરે તે ગરીબ જ રહે છે. પ્રાચીન કાળના મોટા ભાગના ભક્તો ગરીબ જ હતા.
શ્રીમંત ભક્તો બહુ ઓછા જોવા મળે છે.

લક્ષ્મીજી આગળ વધે છે-આગળ શિવજી બેઠા હતા.તેમનો વેષ જરા અમંગળ છે.વળી ભોળા પણ છે.
શિવજી પાસે શંખ,ચક્ર,ગદા,પદ્મધારી નારાયણ ભગવાન વિરાજતા હતા.
લક્ષ્મીજીએ નિર્ણય કર્યો કે અતિ ઉત્તમ આ નારાયણ છે. લક્ષ્મીજીએ વરમાળા તેમણે અર્પણ કરી છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE