Dec 2, 2012

રામાયણ-૫૭

      PREVIOUS PAGE
     NEXT PAGE


લવ-કુશ ,અયોધ્યા માં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.
અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામ ની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.
મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?

માતાજી એ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજી એ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મન થી નહિ.”

જાનકી જી (સીતાજી)એ જીવન માં ઓછાં દુઃખો સહન નથી કર્યા.
આવાં સીતાજી ની માતા કોણ થઇ શકે ?
રામજી જેવા પુરુષ ને જન્મ આપનાર કૌશલ્ય જેવાં માતા હતા,કે-જેમની કુખે થી રામજી નો જન્મ થયો.
ત્યારે જાનકીજી ને જન્મ આપી શકે તેવી કોઈ સ્ત્રી મળી નહિ.એટલે સ્વયં પૃથ્વી જ તેમનાં માતા થયાં.
અને અંતે પૃથ્વીએ જ સીતાજી ને પોતાના માં સમાવી લીધાં.

નૈમિષારણ્ય માં જાનકી કુંડ છે-સીતાજી એ ધરતી માં ત્યાં પ્રવેશ કર્યો છે.
રામજી નો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે.
દરબારમાં વાલ્મીકિ નું ભાષણ થયું છે.
“આ અયોધ્યા ના તમે લોકો કેવા છો ? રામરાજ્ય માં પ્રજા સુખી થઈ છે,રામજીના રાજ્ય માં તમને જે સુખ મળ્યું છે-તેવું સુખ સ્વર્ગના દેવો ને પણ મળતું નથી.
રામજી તરફથી તમને આટલું સુખ મળે છે-પણ તમે કોઈએ રામજી ના સુખ નો કોઈ દિવસ વિચાર કર્યો છે?
એકલા રામ સિંહાસન પર વિરાજે છે-તે તમને કેમ ગમે છે? સીતાજી વનવાસ ભોગવે –એ સારું છે ?
હું કહું છું-કે સીતાજી મહાન પતિવ્રતા છે-સીતાજી જો મહાન પતિવ્રતા ના હોય-તો હું નર્ક માં પડીશ.”

વાલ્મીકિ એ રામજી ને પણ ઠપકો આપ્યો છે.
”તમારું બધું સારું છે-પણ તમે સીતાજી નો ત્યાગ કર્યો તે યોગ્ય નથી”
રામજીએ કહ્યું-કે હું જાણું છું કે સીતાજી નિર્દોષ છે,તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી તે વાત ની અયોધ્યા ના લોકો ને ખબર નથી,હું ઈચ્છું છું કે તે દરબારમાં આવી ને તેમનો પ્રભાવ બતાવે”

વાલ્મીકિ આશ્રમ માં આવ્યા ને સીતાજી ને પૂછ્યું-કે-બેટા,તુ દરબારમાં આવીશ ?
સીતાજી એ કહ્યું-કે-પતિદેવ ની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે,તેમની ઈચ્છા તે મારી ઈચ્છા.
વાલ્મીકિ એ કહ્યું-બેટા તુ ચિંતા ના કર,હું તારી સાથે રહેવાનો છું.

દિવસ નક્કી થયો,સીતાજી દરબારમાં પધારવાનાં છે,તેથી મોટો દરબાર ભરાયો છે.સર્વ લોકો ત્યાં હાજર થયા છે.લવ-કુશ આગિયાર વર્ષના થયા છે,તે સીતાજી ની પાછળ પાછળ ચાલે છે.

માતાજી એ જગત ને બે હાથ જોડી વંદન કર્યા છે,કોઈ ને નજર આપી નથી,નજર ધરતી પર છે.
રામવિરહ માં અનાજ લીધું નથી,શરીર દુર્બળ થયું છે.સીતાજી ની દશા જોઈ બધાં રડવા લાગ્યાં છે.

રામજી ને વંદન કરી,સીતાજી એ કહ્યું-કે-
“મેં મન,વચન. કર્મ થી,પતિવ્રતા ધર્મ નું પાલન કર્યું હોય,રામજી એ મારો ત્યાગ કર્યો,તેમ છતાં –પણ મારા મનમાં તેમના પ્રત્યે જો મને જરાય કુભાવ –ના-આવ્યો હોય તો-
હે ધરતી માતા મને તમારામાં સમાવી લો.”

તે જ સમયે ધરતી ફાટી છે,સુવર્ણ નું સિંહાસન તેમાંથી બહાર આવ્યું છે,સાક્ષાત ભુ-દેવીએ સીતાજી ને ઉઠાવી
સિંહાસન ઉપર પધરાવ્યાં છે. લવ-કુશ દોડતા આવ્યા છે-તેમને આશીર્વાદ આપ્યા છે,અને કહે છે-કે-
શ્રી રામ તમારા પિતા છે-તમારા પિતાની તમે સેવા કરજો.

સુવર્ણ સિંહાસન પર વિરાજેલાં સીતાજી અદૃશ્ય થયાં છે. રામજી ને અતિશય દુઃખ થયું છે.

મહાપુરુષો એ તેથી ત્યાં સુધી કહ્યું છે-કે-હે,સીતે,હે દેવી,મા,તુ જગતમાં આવી શા માટે ?
આ જગત તારે માટે-લાયક નહોતું.

રામાયણ ની કથા કરુણ રસ પ્રધાન છે.બાલકાંડ વગર બીજા બધા કાંડો માં રુદન છે.
રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા લાગ્યા કે-આમાં સઘળે કરુણ રસ છે.
તેથી પાછળ થી તેઓએ “આનંદ રામાયણ” ની રચના કરી, અને તેમાં શોકપૂર્ણ પ્રસંગો નું વર્ણન ન કર્યું.

      PREVIOUS PAGE
     NEXT PAGE