Feb 25, 2020

ભાગવત રહસ્ય-૨૦૦

બલિરાજા અને વામનજીનું ચરિત્ર ની કથા પાછળનું રહસ્ય એવું છે –કે-
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્રની સેવા કરે-જે સંયમી છે-જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.
વામન ભગવાન પણ બલિરાજાને મારી શકતા નથી.
કંસ –વગેરેને માર્યા છે-પણ બલિરાજાને મારતા નથી.

બલિરાજા નિષ્પાપ છે,સદાચારી છે.શુક્રાચાર્યની સેવા કરે છે તેથી બળવાન બન્યા છે,
અને ત્યારે જ ભગવાન આંગણે આવે છે. બળવાન જ ભગવાનને માર્ગે જઈ શકે છે.
જે અંદરના શત્રુઓ-કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સરને મારે તે જ બળવાન છે.
શરીરબળ,બુદ્ધિબળ,દ્રવ્યબળ,જ્ઞાનબળ કરતાં પ્રેમબળ સહુથી શ્રેષ્ઠ છે.
પ્રેમ બળ આગળ બીજાં બધાં બળ ગૌણ છે.સર્વ બળની હર થાય છે-ત્યારે પ્રેમબળની જીત થાય છે.
માત્ર પ્રેમબળ થી જ પરમાત્મા ને જીતી શકાય છે.

પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો જગત સાથે પ્રેમ છોડવો પડશે.
પરમાત્મા સાથે પ્રેમ કરશો અને સંયમને વધારશો એટલે તમે બલિ થશો.
અને ત્યારે પરમાત્મા તમારે આંગણે વામન રૂપે આવશે.
સર્વથી મોટા પરમાત્મા બલિને આંગણે વામન થઇને આવ્યા છે.
માગતાં ભગવાનને સંકોચ થયો છે-તેથી વામન-નાના થઈને આવ્યા છે.

એકવાર એક બહેન કથા સાંભળવા નીકળ્યાં.તે જ વખતે તેનો નાનો દીકરો રડવા લાગે છે.
મા બાળકને રમકડાં આપે છે- પણ બાળક શાંત થતો નથી, મા નાં કપડો ખેંચે છે-અને કહે છે-તું ના જા.
બાળકને રડતો મૂકી બહેન કથા સાંભળવા જતાં નથી. બાળકના પ્રેમ આગળ તે દુર્બળ છે.
પણ આગળ જતાં છોકરો મોટો થાય –પરણે-એટલે મા નો પ્રેમ ભૂલી જાય છે.છોકરાનો પ્રેમ વિખરાય છે.
અને હવે તે જ છોકરો મા ને કથા સાંભળવા જવાની ના કહે-તો મા તેનું માનશે નહિ.
બાળક હતો ત્યારે તેનો મા ઉપર સો ટકા પ્રેમ હતો, અને પ્રેમ આગળ મા દુર્બળ હતી,હવે નહિ.

પરમાત્મામાં પણ સો ટકા પ્રેમ થાય તો પરમાત્મા દુર્બળ બને છે,આંગણે ભિક્ષા લેવા આવે છે.
પરમાત્મા આંગણે આવે એટલે ત્રણ વસ્તુ માગે છે.(ત્રણ પગલાં પૃથ્વી ની માફક) તન,મન અને ધન.
આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ. તન,મન અને ધનથી પરમાત્મા ની સેવા કરો.
તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે.
ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે.મોહ ઓછો થાય છે.
મન થી સેવા કરશો તો પાપ બળશે. મન પવિત્ર થશે,હૃદય પીગળશે, અને મન ને શાંતિ મળશે.

સર્વ વસ્તુઓ ભગવાનની છે-અને ભગવાનને સમર્પણ કરવાની છે.તેનું આપેલું તેને આપવાનું છે.
તન,મન,ધન –જો બલિની જેમ ભગવાનને અર્પણ કરે તો ભગવાન તેના દ્વારે પહેરો ભરશે.
તેના શરીરની પ્રત્યેક ઇન્દ્રિયના દ્વારે ભગવાન નારાયણ વિરાજે છે.તેનું રક્ષણ ભગવાન કરે છે.
તેની આંખમાં કન્હૈયો,તેના કાનમાં કન્હૈયો,તેના મનમાં કન્હૈયો,તેના હૈયામાં કન્હૈયો-રહેશે.

ત્રણ પગ પૃથ્વીનો બીજો અર્થ થાય છે-સત્વ,રજ,અને તમસ –ત્રણ ગુણો ઈશ્વરને અર્પણ કરવાના છે.
શરીરથી ભગવદ-સેવા કરશો-તો તમોગુણ ઓછો થશે.
ઈશ્વર સેવામાં ખુબ ધન વાપરશો તો રજોગુણ ઓછો થશે.
તન અને ધન આપો પણ જ્યાં સુધી મન પરમાત્માને આપશો નહિ ત્યાં સુધી પરમાત્મા રાજી થશે નહિ.

તનથી સેવા થાય પણ મનથી ના થાય તો સેવામાં આનંદ આવતો નથી.
મનથી ઈશ્વર જોડે સંબંધ જોડવાનો છે.મનુષ્ય સર્વસ્વ ઈશ્વરને આપતો નથી,પણ પોતાના માટે થોડું રાખીને ઈશ્વરને આપે છે, એટલે જ પરમાત્મા પ્રસન્ન થતાં નથી.
સત્વગુણનો નાશ કરવા માટે મનને પણ શ્રીકૃષ્ણને અર્પણ કરવાનું છે.મનને પરમાત્માની સેવામાં પરોવી રાખવાનું. સેવા કરતાં કરતાં આંખમાં આંસુ આવે તો –માનજો લાલાજીએ કૃપા કરી છે.
જ્ઞાનીઓ ઈશ્વર સાથે મનથી સંબંધ જોડે છે-તનથી નહિ.
      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE