Feb 26, 2020

ભાગવત રહસ્ય-૨૦૧

બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું.
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.

કરવાનું બધું વિધિપૂર્વક પણ માનવાનું કે મેં કાંઇ કર્યું નથી.
ભગવાનને કહેવાનું-કે નાથ, “મંત્રહિનમ ,ક્રિયાહિનમ ભક્તિહિનમ જનાર્દન,” 
હું મંત્રરહિત છું,ક્રિયારહિત છું,ભક્તિરહિત છું.મારી કાંઇ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો.
અને મારા કર્મને પરિપૂર્ણ માનજો.

સત્કર્મ કર્યા પછી દૈન્ય ન આવે તો સત્કર્મ સફળ થતું નથી.
કર્મ બાધક થતું નથી પણ “કર્મ મેં કર્યું છે” -એવો અહંકાર કર્મમાં બાધક છે.
એટલે જ જયારે બલિમાં દૈન્ય આવ્યું, ત્યારે સેવ્ય (જેની સેવા કરવાની છે તે) સેવક બન્યા છે.
ભગવાન પહેરો ભરવા તૈયાર થયા છે.

બલિરાજાને સૂતળ-પાતાળનું રાજ્ય મળ્યું. બલિરાજાએ રાજ્યમાં પ્રવેશ કર્યો,તેમને આનંદ થયો છે.
સ્વર્ગ કરતાં પાતાળનું રાજ્ય સારું છે.સ્વર્ગ કરતાં વધારે શાંતિ પાતાળમાં તેમને લાગે છે.
અહીં જ્યાં નજર કરો ત્યાં નારાયણ દેખાય છે.
પ્રત્યેક દરવાજે –શંખ,ચક્ર,ગદા,પદ્મધારી-શ્રીકૃષ્ણ વિરાજતા હતા.પહેરો ભરતા હતા.

એક વખત -રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિરાજા સાથે લડવા આવ્યો.
તેણે- ભગવાનને બલિરાજાના મહેલ ના દ્વારે પહેરો ભરતા જોયા. રાવણે કહ્યું-કે –મારે બલિરાજા જોડે 
યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું- હું તો સેવક છું,પહેલાં મારી જોડે લડ- પછી મારા માલિક સાથે.
વામનજી ભગવાને- રાવણની છાતી પર લાત મારી,તો તે સમુદ્ર કિનારે જઈ પડ્યો.
રાવણ એ કામ છે,તમારા ઇન્દ્રિય –દ્વારે ભગવાન પહેરો ભરે તો –તેમાં કામ પ્રવેશ કરી શકે નહિ.

વામનજી ભગવાન –બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ –તેના ઘેર પહેરો ભરવો પડ્યો.
જે દાન લે છે –તે બંધનમાં પડે છે.
વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્ર ને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું છે.
ઇન્દ્ર-બલિરાજા અને સર્વને આનંદ થયો છે-પણ એક મહાલક્ષ્મી દુઃખી થઇ ગયા છે.
ઘરમાં બધું હતું પણ એક નારાયણ વગર ચેન પડતું નથી. ક્યારે આવશે?ક્યાં હશે ?

નારાયણની ખબર કદાચ નારદને હોય.અકળાઈને તેમણે નારદજીને પૂછ્યું-
મારા સ્વામી ક્યાં બિરાજ્યા છે ? તમે કઈ જાણો છો ?
નારદજી કહે છે-મેં સાંભળ્યું છે-કે-સૂતળ-પાતાળમાં બલિના દ્વારે લાકડી લઈને પહેરો ભરે છે.બલિને ત્યાં દાન લેવા ગયા હતા –એટલે બંધનમાં પડ્યા છે.હાથમાં દાન લીધું એટલે યજમાનને આધીન થયા છે.
(હાથમાં કન્યાદાન લીધા પછી-પુરુષોનું તેજ ઓછું થાય છે)
સાધારણ વસ્તુ નું દાન લે-તો પણ પુણ્ય ઓછું થાય છે-આ તો સર્વસ્વનું દાન લીધું છે.
એટલે ઋણમાં પડ્યા છે. બલિરાજા રજા આપે તો જ તે ઘેર આવી શકે.

લક્ષ્મીજી સૂતળ-પાતાળમાં આવ્યાં છે.
ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી –પાછળ પાછળ વિના આમંત્રણે આવશે.
ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી આવે છે.જ્યાં નારાયણની સેવા ના હોય ત્યાં લક્ષ્મીજી પધારતાં નથી.
લક્ષ્મીજી મહાન પતિવ્રતા છે.એકલા લક્ષ્મીજી કોઈને ત્યાં જતાં નથી.(અને કદાચ જાય તો રડાવે છે)
લક્ષ્મીજી ,જો નારાયણ સાથે આવે તો ગરુડ ઉપર બેસીને આવે છે.અને 
જો એકલાં આવે છે ત્યારે ઘુવડ પર બેસીને આવે છે.
લક્ષ્મીજી ને પ્રાર્થના કરો-તો કહેજો કે –મા, તમે નારાયણની સાથે આવજો.
      PREVIOUS PAGE          
       NEXT PAGE               
    INDEX PAGE