Feb 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૦


આ જગતમાં કર્મના ફળની ઈચ્છા રાખીને જ-અને કર્મ ફળ પર પોતાનો અધિકાર છે-એમ માનીને,કર્મ કરનારાઓનો વર્ગ બહુ મોટો છે.આત્મ-જ્ઞાની મનુષ્યો તો બહુ જ ઓછા જોવા મળે છે.આવા આત્મ-જ્ઞાની -યોગીઓ (મહાત્માઓ), શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકારથી,ફળ પ્રત્યેની આસક્તિ છોડી,અને માત્ર આત્મ-શુદ્ધિ માટે જ કર્મો કરતાં હોય છે.અને સર્વ કર્મો (ક્રિયાઓ) અને ફળો -બ્રહ્મને અર્પણ કરવાની -બુદ્ધિ -રાખે છે.

જેમ કમળપત્ર પાણીમાં રહેવા છતાં ભીંજાતું નથી,અથવા તો-
જેમ દીવાના પ્રકાશથી કરાતાં કાર્યો,દીપકને બંધન કરતા નથી,
તેવી જ રીતે, જે જ્ઞાની મહાત્માઓ,એમ સમજે છે-કે-
“ઇન્દ્રિયો તેમના પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે-પણ હું કશું કરતો નથી ”
એવા મહાત્માઓ સર્વ કર્મો કરતા દેખાય છે-પણ કર્મના બંધનથી લેપાતા(બંધાતા) નથી .(૧૦-૧૧)

આત્મ-જ્ઞાનથી પરિપૂર્ણ અને કર્મના ફળ પરથી જેની આસક્તિ ઉઠી ગઈ હોય છે-
તેવા મહાત્માઓ કર્મના ફળનો ત્યાગ (સંન્યાસ) કરી,પરમ શાંતિ મેળવે છે.
જયારે  બીજા –ઘણા બધા સંસારીઓ કર્મના ફળ પર આશક્ત થઇ જાય છે, અને
કર્મના ફળ ના ઉપભોગમાં લાગી જાય છે અને બંધનમાં પડે છે. (૧૨)

આવા આત્મ-જ્ઞાનીએ -માત્ર “ફળની ઈચ્છા નો ત્યાગ” કર્યો, એટલે નવદ્વારવાળા –આ શરીરમાં રહેવા છતાં-પણ –ના- રહેવા બરાબર જ છે.અને સર્વ કર્મો કરવા છતાં તે –ના- કરવા સમાન જ છે.  
અને પરમ શાંતિ-આનંદમાં રહે છે. ..(૧૩)

(૧) કર્મ (૨) કર્મનો કરનાર-કર્તા (૩) કર્મનું ફળ-
આ ત્રણે જોડે –પરમાત્મા  (બ્રહ્મ) ને કોઈ જ લેવા-દેવા નથી.
પરમાત્મા (બ્રહ્મ) ખરી રીતે તો અકર્તા (કર્મોનો નહિ કરનાર ) છે-પણ જયારે તે બ્રહ્મમાં
માયાનું આરોપણ થાય છે-ત્યારે તે જગતનો “કર્તા” છે એમ કહેવાય છે. (૧૪)

પરમાત્મા –ઈશ્વર (બ્રહ્મ) એ પોતે-ખુદ અકર્તા છે-અને આ જે સમજે છે તે –જ્ઞાન- છે.
આ જ્ઞાન ઉપર જયારે અજ્ઞાનનું આવરણ થઇ જાય છે.
ત્યારે  જીવો “મોહ” માં ફસાઈ જાય છે.પાપ અને પુણ્યના ચક્કરમાં પડી જાય છે.
પણ એ પરમાત્મા  (બ્રહ્મ) કોઈનું પાપ અને પુણ્ય એના માથે લેતો નથી.(૧૫)

બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય-પરમાત્મા)-અકર્તા છે-અને-તે જ –બ્રહ્મ (પરમાત્મા) શરીરમાં આત્મ-સ્વરૂપે છે,
આવું  આત્મ-સ્વ-રૂપનું જે જ્ઞાન છે-
તે સૂર્ય સમાન (ઉજ્જવળ) જ્ઞાન-પરમાત્મા (બ્રહ્મ) ને પ્રકાશિત કરે છે. (૧૬)

આત્મ-જ્ઞાનમાં જેની “બુદ્ધિ” સ્થિર થઇ છે-તે મુક્ત છે, અને તે પોતાને પણ બ્રહ્મ-સ્વ-રૂપ જ માને છે.
અને રાત દિવસ બ્રહ્મમાં પરાયણ થઈને પોતાની બ્રહ્મ-સ્થિતિ ટકાવી રાખે છે.
તેમની દ્રષ્ટિ “સમ” થાય છે.અને સર્વ જગ્યાએ,સર્વ પ્રાણી માત્રમાં પણ તેને ભેદ દેખાતો નથી.
દરેક જગ્યાએ તે –એક માત્ર –બ્રહ્મને જ જુએ છે.
બ્રાહ્મણ.ગાય,હાથી,કૂતરાં,ચાંડાલ-વગેરે સર્વમાં તેને એક –બ્રહ્મ (પરમાત્મા)નાં દર્શન થાય છે.(૧૭-૧૮)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE