Dec 1, 2012

રામાયણ-૪૦

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામ-લક્ષ્મણ આશ્રમ માં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમ માં નથી.

રઘુનાથજી એ નાટક કર્યું છે,
અજ્ઞાન થી –વિયોગ માં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.
તેમ છતાં-સ્ત્રીવિયોગ માં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે

એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરી ને વિલાપ કરે છે-
ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.
રામ કહે છે-કે-આંખો કેમ કરી ઉઘાડું ? ધરતી મારી સાસુ છે-તેના તરફ જોઉં તો તે મને કહે છે-કે-
સ્ત્રી નું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો પરણ્યો શું  કામ ?
આકાશ તરફ જોઉં તો સૂર્યનારાયણ મને ઠપકો આપે છે-કે-મારા કુળમાં આવો જન્મ્યો કે જે પત્ની નું રક્ષણ કરી શક્યો નહિ? ........તેથી હું આંખ ઉઘાડી શકતો નથી.

રામ-લક્ષ્મણ સીતાજી ની શોધ માં નીકળ્યા છે.
સીતાની શોધ માં ચાલતાં-રસ્તામાં જટાયુ ને પડેલો જોયો, જટાયુ એ કહ્યું-કે રાવણે મારી આ દશા
કરી છે.તે સીતાજી નું હરણ કરી ને દક્ષિણ દિશા માં ગયો છે.

જટાયુ ને જોતાં, રામજી સ્ત્રીવિયોગ નું દુઃખ ઘડીભર ભૂલી ગયા છે. દશરથ મહારાજ ને જટાયુ સાથે મૈત્રી હતી,તેથી જટાયુ ને રામજી કાકા કહી ને બોલાવતા હતા.
જટાયુ માટે બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખી ને જટાયુ ને કહ્યું-કે- કાકા, મારા લીધે તમારી આ દશા થઇ છે,તમે કહો તો તમારા શરીર ને સારું બનાવી દઉં, તમે શરીર ને ધારણ કરી રાખો.

જટાયુ એ ના પાડી છે, અને કહ્યું-કે-મરતી વખતે જેનું નામ (રામનું નામ) મુખ માંથી નીકળે –તે અધમ હોય તો પણ મુક્તિ પામે છે,તેવા આપ મારાં નેત્રો સમક્ષ ઉભા છો,તો હે નાથ,હું કઈ કમી ની પૂર્તિ માટે આ દેહ ને રાખું ? મારી એક જ ઈચ્છા હતી કે અંત સમયે મને રામ ના દર્શન થાય, તમારાં દર્શન માટે મેં પ્રાણ ને રોકી રાખ્યા હતા,હવે ભલે મારા પ્રાણ જાય.

આમ કહી જટાયુએ રામજી ની ગોદમાં માથું નાખી દીધું. હે-રામ,હે-રામ  -કહેતાં જટાયુ, ગીધ શરીર નો ત્યાગ કરે છે, અને હરિ ના ધામ માં જાય છે.
યોગીઓ પણ જે ગતિ ને યાચે છે-તે સારૂપ્યગતિ, રામજી ,જટાયુ ને આપે છે.

જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે છે-ત્યારે તેનું મરણ ઈશ્વર સુધરે છે.
જટાયુ ગીધ પક્ષી છે.પક્ષીઓ માં ગીધ ને અધમ પક્ષી ગણ્યું છે,પણ રામ સાથે સંબંધ બાંધી,જટાયુ એ પોતાનું મરણ સુધાર્યું છે. શ્રી રામની સેવા-શ્રીરામનો સંપર્ક –સંબંધ થી મુક્તિ મળે છે.

જટાયુ ના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે તે પ્રમાણે –રામજી એ કર્યો છે.
રામજી જેવો દયાળુ કોઈ થયો નથી અને થવાનો નથી.
માટે તો શિવજી,પાર્વતી ને કહે છે-કે-તે લોકો ખરેખર અભાગી છે-કે જે –રામજી ને (હરિને) છોડી ને –
વિષયો સાથે પ્રેમ કરે છે.

જટાયુ નું મરણ સુધારી ને –શ્રીરામ આગળ વધ્યા છે.ત્યાંથી પંપા સરોવર ને કિનારે,શબરી ના આશ્રમ માં પધાર્યા છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણ માં શબરીજી ની કથા સુંદર વર્ણવી છે.
શબરીના ચરિત્રનું વર્ણન કરતાં, એકનાથજી ને સમાધિ લાગી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE