Aug 13, 2026

ભાગવત રહસ્ય -૨૨૪-Bhgavat Rahasya-224

વશિષ્ઠજી એ-મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે 
તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ-થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.
વશિષ્ઠે કહ્યું-કે- “આ ચાર યાદ રાખો-તો-મોક્ષ સુલભ છે.સંસાર છોડવાની જરૂર નથી.”
રામજીને –વશિષ્ઠે એવો બોધ આપ્યો છે-કે-શ્રવણ કરતાં રામજીને ત્રણ દિવસ સુધી સમાધિ લાગી છે.
વશિષ્ઠના ઉપદેશ થી રામચંદ્રજીનો –વૈરાગ્ય- દૂર થયો છે.

રામજી સોળમું વર્ષ પૂરું થયું છે.
તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતાં હતા.વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં તપને પ્રતાપે બ્રહ્મર્ષિ થયા હતા.
સાધારણ રીતે નિયમ એવો છે-કે-મૃત્યુ પછી જ જાતિ બદલાય છે.પણ ગાયત્રી મંત્રનો સતત જપ કરવાથી,
વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થયા હતા.તેમના યજ્ઞમાં મારીચ-સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા.
વિશ્વામિત્રે વિચાર્યું-રાક્ષસોનો નાશ રામજી કરી શકશે.અને રામજીના દર્શન પણ થઇ જશે. 
એટલે રામજીને લેવા વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા છે.
ભાગવતમાં રામજીની બાળલીલા નુ વર્ણન નથી પણ રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કર્યો છે.

સરયુગંગામાં સ્નાન કરી વિશ્વામિત્ર દશરથ મહારાજના દરબારમાં આવ્યા છે.
વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના આચાર્ય છે.કોઈના પણ ઘેર-વગર આમંત્રણે –જેને ગાયત્રીનાં ચોવીસ પુનશ્ચરણ
કર્યા છે તેવો કોઈ બ્રાહ્મણ આવે તો –સમજવું કે તેનું કલ્યાણ થવાનું છે.
દશરથ રાજા ઉઠીને ઉભા થયા છે,વંદન કર્યું છે અને મુનિનુ પૂજન કરે છે.અને કહે છે-કે-
“વડીલોના પુણ્ય-પ્રતાપે તમારા જેવા ઋષિ મારા ઘેર પધાર્યા,મારું ઘર આજે પાવન થયું છે,
કહો આપની હું શું સેવા કરી શકું ?” દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી છે.

વિશ્વામિત્રે આશીર્વાદ આપી કહ્યું-કે-રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે-તેથી રામ-લક્ષ્મણને મારા યજ્ઞનુ રક્ષણ કરવા મને આપો.પવિત્ર બ્રાહ્મણ –માત્ર એક પરમાત્માને જ માગે છે-બીજું કશું નહિ. રામજી પરમાત્મા છે.
વિશ્વામિત્રે રામજીની માગણી કરી એટલે દશરથ ગભરાયા છે-“મારા રામજી ને લઇ જશે ?”

દશરથજી કહે છે-કે- “મહારાજ આપે યોગ્ય માગ્યું નથી, વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારે ઘેર ચાર બાળકો થયાં છે, અને ચારે બાળકોમાં મારો રામ મને પ્રાણ કરતાં વધુ પ્યારો છે,રામ વગર મને ચેન પડતું નથી,તેને મારી આંખોથી દૂર ન કરો, ગુરુજી તમને શું કહું ?રામ મને નિત્ય બે વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે,મારી આજ્ઞાનુ પાલન કરે છે, રામ જેવો પુત્ર જગતમાં થયો નથી અને થવાનો નથી,
મારો પુત્ર છે એટલે મને વહાલો લાગે છે તેવું નથી પણ શત્રુઓને પણ તે વહાલો લાગે છે.
નાના ભાઈઓ પર તેનો પ્રેમ અલૌકિક છે,બહુ ભોળો છે,ખુબ મર્યાદા પાલન કરે છે,મારા રામમાં સર્વ 
સદગુણો ભેગા થયા છે,મારો રામ હજુ બાળક છે,રાક્ષસોને કેવી રીતે મારી શકશે ? ”

રામના વખાણ કરતાં દશરથ નુ હૃદય ભરાયું છે.
“જેમ જળ વિના માછલી જીવી શકે નહિ તેવી જ રીતે રામ વિના હું જીવી શકીશ નહિ, મારો રામ મારાથી દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહિ,ગુરુજી,તમે માગો તો રાજ્ય મારા પ્રાણ આપું પણ રામ સિવાય તમે જે 
માગો તે હું આપવા તૈયાર છું.મારી વિનંતી છે-મારા રામ ને મારાથી દૂર ન કરો”

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE