Mar 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૧-અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ

અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે-'સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ-બ્રહ્મરૂપ-વિશ્વરૂપ) છે'
જેના લીધે અર્જુનનો 'મોહ'-તો નાશ પામ્યો.પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણના સાકાર દેવ-સ્વરૂપમાં – શ્રીકૃષ્ણના તે 'વિશ્વરૂપ' ના દર્શન કરી શકતો નથી.

તેથી અર્જુનને હવે ઈચ્છા થઇ છે-કે-તેને બાહ્યદૃષ્ટિથી (નરી આંખે) પણ શ્રીકૃષ્ણના વિશ્વરૂપના (પરમાત્માના ઐશ્વર્યના) દર્શન થાય. પણ શ્રીકૃષ્ણને તે કેવી રીતે કહે ? અર્જુનની હિંમત ચાલતી નથી.

શ્રીકૃષ્ણે પોતાનું ઐશ્વર્ય,માતા યશોદા,ગોપીઓ,ગોકુલના લોકો અને સર્વ લોકો આગળ છુપાવ્યું હતું.
કોઈએ પણ શ્રીકૃષ્ણ સામે આવી ને-તેમને- “તમારું અસલી પરબ્રહ્મ(વિશ્વરૂપ-પરમાત્મા) નું રૂપ અમને દેખાડો” એવું કહેવાની હિંમત કરી નહોતી, તો પછી-અર્જુન તેમને કેવી રીતે કહે?  

પણ શ્રીકૃષ્ણ અને અર્જુનનો એક-બીજા પ્રત્યેનો પ્રેમ દિવ્ય છે. એટલે અર્જુન શરૂઆતના ચાર (૪)
શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરી અને શ્રીકૃષ્ણને તેમનું “વિશ્વ રૂપ” બતાવવાની વિનંતી કરે છે.

જેવી રીતે પૂનમના ચંદ્રને જોતાં સમુદ્રમાં ભરતી આવે છે,અને સમુદ્ર ઉછાળા મારે છે,
તેવી જ રીતે અર્જુનના પ્રેમ આગળ શ્રીકૃષ્ણના હૃદયમાં પ્રેમનો ઉછાળો આવે છે-અને તરત જ
પ્રભુએ શ્રીકૃષ્ણ સ્વરૂપ ત્યાગીને – જે અજ્ઞાનદૃષ્ટિ-રૂપી પડદાથી લોકોને તે મનુષ્યરૂપ દેખાતા હતા,
તે પડદાને ખસેડી ને પોતાના યોગબળથી (યોગશક્તિથી) પોતાનું ઐશ્વર્ય (વિશ્વરૂપ) પ્રગટ કર્યું.
પરંતુ –પ્રેમના આવેશમાં તેમને એ પણ સ્મરણ ના રહ્યું કે-અર્જુનથી એ રૂપ જોઈ શકાશે કે નહિ.!!

શ્રીકૃષ્ણ તેમનું ઐશ્વર્ય (વિશ્વરૂપ) બતાવતાં કહે છે-કે-હે અર્જુન, મારાં અનેક પ્રકાર,અનેક આકાર 
અને અનેક વર્ણનાં –સેંકડો અને હજારો-અલૌકિક રૂપો તુ જો,કે જે રૂપોને પૂર્વે (આ પહેલાં) 
કોઈએ કદી પણ ના જોયાં હોય તેવાં આશ્ચર્યકારક રૂપો –જે મારામાં છે-તેને તુ મારામાં નિહાળ (જો).
ચરાચર સહિત આ સર્વ જગત અને બીજું જે કંઈ પણ તુ જોવા ઈચ્છે તે,
એક જ જગ્યાએ અહીં મારામાં તુ જોઈ લે.(૫-૬-૭)

આ પ્રમાણે પોતાનું ઐશ્વર્ય બતાવતા –વિશ્વરૂપ થયેલા – શ્રીકૃષ્ણ પૂર્ણ પ્રેમથી બોલ્યા.
પછી તે –પોતાનું આ સ્વરૂપ અર્જુન જુએ છે કે નહિ ? અર્જુન ના પ્રતિભાવ શું છે ? 
તેની તપાસ કરવા અર્જુન તરફ જોયું-તો તેમને અર્જુન તો સ્વસ્થ બેસી રહેલો જણાયો, 
જાણે હજુ તેમના (શ્રીકૃષ્ણના)
વિશ્વરૂપના દર્શન કરવાની આશામાં મગ્ન થઇ –અને “ક્યારે શ્રીકૃષ્ણ તેમનું વિશ્વરૂપ દેખાડે?”
તેની રાહ જોઈને ઉભો રહેલો –પહેલાંની જ તેની તે- સ્થિતિમાં-દેખાણો.

શ્રીકૃષ્ણ મનમાં વિચારે છે-કે –
આની ઉત્કંઠા હજુ ઓછી થઇ નથી,મેં વિશ્વરૂપ બતાવ્યું પણ તેને આનંદ થયો હોય તેવું લાગતું નથી,
કે પછી, તેનાથી વિશ્વરૂપ જોઈ શકાયું ના હોય તેવું પણ બને ?!!
એટલે હવે તે અર્જુન ને પૂછે છે-કે-
તને મારું વિશ્વરૂપ જોવું હતું - તો તને વિશ્વરૂપ બતાવ્યું પણ તેને તો તુ જોતો જ નથી -કે શું ??
કે પછી તને તેનો આનંદ થયો નથી.? કે પછી તને તે દેખાણું જ નથી ?

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
NEXT PAGE       
     INDEX PAGE