Mar 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૨

ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો. 
અથવા તો જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?

તમારી આ ચૂક વિષે જરા પણ ઉચ્ચાર ન કરતાં,સ્વસ્થ થઈને બેસી રહેવું જ ઠીક છે-
તેમ વિચારી –ધારી-ને-હું સ્વસ્થ થઇ ને –તમારા વિશ્વરૂપના દર્શનની રાહ જોઈ ને બેઠો હતો.

અર્જુન નું આવું વચન સાંભળી-
શ્રીકૃષ્ણ બોલ્યા-ભાઈ,અર્જુન તારું બોલવું  (કહેવું) મને માન્ય છે. તને જો મારું વિશ્વરૂપ બતાવવાની મારી
ધારણા હોય તો મારે તને પ્રથમ તે જોવાનું સામર્થ્ય આપવું જ જોઈએ પણ-
પ્રેમના ઉમળકામાં બોલતાં બોલતાં તને જ્ઞાનદૃષ્ટિ (દિવ્ય દૃષ્ટિ) આપવાનું મને વિસ્મરણ થઇ ગયું.

જેવી રીતે ખેડ કર્યા સિવાય બીજ વાવવાથી –તેટલો સમય વ્યર્થ જાય છે,તેમ દિવ્યચક્ષુનું પ્રદાન (આપ્યા)
કર્યા વગર મારી બધી ખટપટ પણ વ્યર્થ ગઈ છે.
માટે હવે તને હું એવી દિવ્ય દૃષ્ટિ આપું છું,જેના યોગથી,તુ મારું વિશ્વ રૂપ જોઈ શકીશ,

આવી રીતે કહી ને શ્રીકૃષ્ણે, અર્જુન ને દિવ્યદૃષ્ટિ (જ્ઞાન દૃષ્ટિ) આપી ને પોતાનું પરમ શ્રેષ્ઠ “દિવ્ય વિશ્વ રૂપ”
દેખાડ્યું. અને અર્જુનને તે જોવાનું કહ્યું.(૮-૯)

અત્યાર સુધીમાં ગીતામાં ઘણી વખત આવી ગયું કે-
પરમાત્મા (બ્રહ્મ) દરેક આત્મામાં અને જગતના એક એક કણમાં રહેલો છે.
દરેક “આત્મા” એ અપ્રગટરૂપે “પરમાત્મા” છે. (આવું બધા જાણે પણ છે)
પરંતુ તે પરમાત્મા આપણી આંખોથી (ચર્મચક્ષુથી) દેખાતો નથી,તે પણ હકીકત છે.
શ્રીકૃષ્ણ –એક દેવરૂપે-અવતાર ધારણ કરીને આવ્યા છે, પણ તેમનામાં રહેલા પરમાત્મા (બ્રહ્મ)ને –
અર્જુન પણ તેની આંખો થી જોઈ શકતો નથી એ પણ હકીકત છે.અને એથી જ- પરમ પરમાત્માના(બ્રહ્મ ના) દર્શન કરવા જ્ઞાનદૃષ્ટિ કે જેને દિવ્યદૃષ્ટિ તરીકે અહીં ઓળખાવી છે-તે જરૂરી છે.

બીજી રીતે કહીએ તો-
પરમાત્મા નરી આંખે દેખાતા નથી નથી કારણ કે –
---આપણી બુદ્ધિ-(કે જેમાં કંઈક પ્રકારનું વિધવિધ જ્ઞાન-કે પછી અજ્ઞાન ભરેલું છે!!!)—તેના
---અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ)ના વચ્ચે
---એક પડદો છે-અને
---આ પડદો તે –અહમ –નો છે-
---આ પડદાને ઘણા મહાત્માઓ—
---(૧) પ્રકૃતિ નો પડદો-(૨) માયાનો પડદો-(૩) અજ્ઞાનનો પડદો-પણ કહે છે.

સત્ય જ્ઞાન (સાચું જ્ઞાન) માત્ર "એક" જ છે-અને તે –પરમાત્મ  (બ્રહ્મ) જ્ઞાન છે.
અને અજ્ઞાનના પડદાને –આ- જ્ઞાનથી -દૂર કરવાનો છે.
એટલે- આ જ્ઞાનને –જ-અહીં જ્ઞાનદૃષ્ટિ-કે પછી દિવ્યદૃષ્ટિ –તરીકે ઓળખવામાં આવી છે.

શ્રીકૃષ્ણે અત્યાર સુધીમાં ઘણું બધું –પરમાત્મજ્ઞાન અર્જુનને આપ્યું. પણ હજુ અર્જુનની જ્ઞાનદૃષ્ટિ
ખુલી નથી, તેથી તેને હજુ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં-પોતાના આત્મ-સ્વ-રૂપમાં પરમાત્મા ક્યાંથી દેખાય ?

અર્જુનને શ્રીકૃષ્ણમાં “પરમ શ્રદ્ધા” (અત્યંત શ્રદ્ધા) છે-અને-એથી જ-
શ્રીકૃષ્ણનો અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમભાવ છે, વિશેષ કૃપા છે,અને આ કારણથી જ-અર્જુન પ્રત્યે “કૃપા-દૃષ્ટિ”
કરી છે અને “દિવ્ય ચક્ષુનું” કે “દિવ્ય દૃષ્ટિ” નું પ્રદાન કર્યું છે (દિવ્યદૃષ્ટિ આપી છે)

એટલે જો બીજી રીતે-કહેવું હોય તો-એમ પણ કહી શકાય-કે-
પરમાત્મામાં (કે પછી છેવટે આત્મામાં) શ્રદ્ધા ધરાવનારને સાચું (સત્ય) જ્ઞાન થાય છે.
અને આ જ્ઞાન-દૃષ્ટિને આધારે જ પરમાત્મા (બ્રહ્મ)ને જાણી શકાય છે.


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત