Apr 21, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૫

ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.

સહુ પ્રથમ તો –આ વાત આસાનીથી સમજવા માટે-
શ્લોકનો જે સીધો ભાવાર્થ છે-તે જોઈ –પછી જ્ઞાનેશ્વરનું વર્ણન જોઈએ-

આ જગતમાં (આ લોકમાં) ક્ષર  (નાશવંત) અને અક્ષર (અવિનાશી) એ –બે જ પુરુષ (પદાર્થ) છે.
સર્વ પ્રાણીઓ ને (જીવોને) ક્ષર કહેવામાં આવે છે-અને-
કૂટસ્થ (માયાની ઉપાધિથી યુક્ત-આત્મા-કે-જીવાત્મા) ને અક્ષર કહેવામાં આવે છે. (૧૬)

પરંતુ અવિનાશી “પરમાત્મા” કહેવાતો –“પરમ પુરુષ” તો જુદો જ છે.કે-જે-
ત્રણે લોકને વ્યાપી ને (ધારણ કરીને) તેમણે પોષે છે. (૧૭)

આ અવિનાશી પરમાત્મા ક્ષર (નાશવંત) થી –તો-પર (જુદા) છે જ- અને
અક્ષર (માયામાં સ્થિત –માયાની ઉપાધિથી યુક્ત –આત્મા) થી પણ ઉત્તમ છે.
તેથી જગતમાં (ત્રણે લોકોમાં) અને વેદોમાં –તે-“પુરુષોત્તમ” તરીકે પ્રખ્યાત છે (૧૮)
(નોંધ-અહીં ક્ષર-અક્ષર અને પુરુષોત્તમ-એમ ત્રણ વિભાગ કર્યા છે-તે અત્યંત નોંધનીય છે)

જે જ્ઞાની –મોહ વગરનો થઇ-ઉપર બતાવ્યા મુજબ –પરમાત્મા –પુરુષોત્તમને સમજે છે-તે-
સર્વજ્ઞ થઇને સર્વ ભાવથી પરમાત્માને જ ભજે છે. (૧૯)

શ્રીકૃષ્ણ કહે છે-કે-આ પ્રમાણે-આ અત્યંત ગુહ્ય  (ગૂઢ) જ્ઞાન –મેં તને કહ્યું-કે-જેને જાણવાથી-
મનુષ્ય બુદ્ધિમાન અને કૃતાર્થ બને છે.(૨૦)

હવે જ્ઞાનેશ્વર –ઉપર ના -૧૬ થી ૨૦- શ્લોકને સરળતાથી સમજાવે તે જોઈએ.

સંસારને એક નગર (શહેર) ની ઉપમા આપીએ તો-
આ નગરમાં માત્ર બે-જ પુરુષોનો વાસ છે (માત્ર બે જ પુરુષો રહે છે)
જે પ્રમાણે આકાશમાં દિવસ (પ્રકાશ) અને રાત્રિ  (અંધારું) એ બે –જ -છે- તે પ્રમાણે –
આ નગરમાં બે પદાર્થો (પુરુષો) રમે છે. (વસે છે)

આ ઉપરાંત એક ત્રીજો પુરુષ પણ છે-કે જે આ બંને-પુરુષોના નામ-માત્રને સહન કરી શકતો નથી.
તેથી તે જયારે આ નગરમાં આવે છે-ત્યારે નગરસહિત  (સંસાર સહિત) તે બંને પુરુષોનો નાશ કરે છે.
આ ત્રીજા પુરુષની વાત  હમણાં રહેવા દઈશું.

હાલ તો નગરમાં રહેવા આવેલ –બે પુરુષો ની જ વાત કરીએ.
તેમાંનો એક આંધળો,ઉન્મત્ત અને પાંગળો છે.અને બીજો સર્વ અવયવોથી પરિપૂર્ણ છે.
તેમની આ અવસ્થા –સાચી રીતે તો તેમના ધર્મો નથી,પણ જે શહેરમાં તે રહેવા આવેલા છે-તે-
શહેરની –સંગતિથી-તેમને આ અવસ્થા પ્રાપ્ત થઇ છે.
તેમાંના એક નું નામ “ક્ષર” અને બીજાનું નામ “અક્ષર” છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE