Apr 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૭-અધ્યાય-૧૬

અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ-૧
આ અધ્યાયમાં પ્રાણીઓની (જીવોની) દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કરવા માં આવ્યું છે.સહુ પ્રથમ દૈવી સંપત્તિ વિષેનું વર્ણન છે.દૈવી સંપત્તિ કે જે,
મુમુક્ષુને (મોક્ષ પામવા ઈચ્છનારને) સાથીરૂપ થાય છે.એકબીજાને સહાય કરે 
એવા પુષ્કળ પદાર્થોના સંચિત  (ભેગા) થયેલા સમુદાય ને સંપત્તિ કહે છે.એક સ્થળે એકત્રિત થયેલી અને સર્વને સુખ આપનારી –સંપત્તિને દૈવી-સંપત્તિ કહે છે.

દૈવી સંપત્તિ ધરાવતા - દૈવી ગુણો (લક્ષણો) કયા હોય છે ? (શ્લોક-૧ થી ૩)

(૧) અભય (નિર્ભયતા) –અદ્વૈત (એક)ની ભાવનાથી –સર્વ જગત આત્મસ્વરૂપ છે,એને ભય નથી.
(૨) શુદ્ધ બુદ્ધિ (સત્વ-સંશુદ્ધિ)-બુદ્ધિમાં સંકલ્પ-વિકલ્પ (દ્વૈત બુદ્ધિ) નો અભાવ.
(૩) સત્ય જ્ઞાન –એક સત્ય-પરમાત્મામાં જ્ઞાનની સ્થિરતા.
(૪) દાન-મનથી શરુ કરી સંપત્તિ સુધી,પોતાનું સર્વસ્વ આપીને દુઃખી મનુષ્યોની (તેમની ઈચ્છા-અનુસાર)
     સેવા કરવાની ભાવના.

(૫) દમ-અતિ કઠિન વ્રતોનું રાત-દિવસ આચરણ કરવું –તે.
(૬) યજ્ઞ-ફળની ઈચ્છા-આશા વગર,અને ”હું યજ્ઞ નો કર્તા છું”-એવો મનમાં ભાવ લાવ્યા વગર યજ્ઞ કરે તે.
(૭) સ્વાધ્યાય-શાસ્ત્રોએ (વેદોએ) જે ઈશ્વરનું વર્ણન કર્યું છે-તે ઈશ્વરની પ્રાપ્તિ માટે –સતત શાસ્ત્રોનો-
    (વેદોનો) અભ્યાસ કરવો અને સ્વમાં રહેલા આત્માને ખોળી પરમાત્માને ખોળી કાઢવા તે.   
(૮) તપ-બ્રહ્મ-સ્વ-રૂપ(આત્મસ્વ-રૂપ) ની પ્રાપ્તિ કરી લેવા અંતઃ કરણ માં ઉત્પન્ન થયેલા વિવેક થી –
     પ્રાણ,ઇન્દ્રિયો અને શરીર ને ક્ષીણ કરવાનો જે પ્રકાર છે-તે.

(૯) આર્જવ-પ્રાણી માત્રમાં રહેલા પરમાત્મા તરફ સૌજન્ય (મૃદુતા-આદરભાવ) રાખવું તે .
(૧૦) અહિંસા-કાયા (શરીર) વાચા (બોલવાનું) અને મન દ્વારા કોઈનું અહિત ન કરવું તે.
(૧૧) અક્રોધત્વ-ક્રોધને ઉત્પન્ન કરવાની ખટપટ થાય છતાં ક્રોધ ઉત્પન્ન ન થાય તે.
(૧૨) ત્યાગ-અહંતા (હું દેહ છું)નો ત્યાગ અને મનમાં રહેલા સંસારનો ત્યાગ.

(૧૩) શાંતિ-જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન  (બ્રહ્મ) નું ઐક્ય જે સ્થાનમાં થાય છે-તે –(સચ્ચિદાનંદ)
(૧૪) દયા-દુઃખી મનુષ્ય સારો હોય કે ખરાબ –પણ તેના દુઃખ દૂર કરવાની હંમેશ તૈયાર હોય તે.
(૧૫) અલોલુપતા-કૌતુકની ખાતર પણ વિષયોની ઈચ્છા રાખતો નથી –લોલુપ નથી-તે.
(૧૬) કોમળતા-પ્રાણી માત્ર તરફ પ્રેમ દૃષ્ટિ-

(૧૭) અચાપલ્ય-મન અને પ્રાણને વશ કરવાથી દશે ઇન્દ્રિયો પાંગળી બને છે-તે.
(૧૮) તેજ-જેના તેજથી-સહવાસથી મન,પોતાની મેળે જ ઈશ્વર પ્રતિ દોડે-તેવો તેજસ્વી પુરુષ.
(૧૯) ક્ષમા-“સર્વ સહન કરનારાઓ માં હું શ્રેષ્ઠ છું” એવો જેને ગર્વ નથી-અને ક્ષમા આપે છે-તે.
(૨૦) ધૈર્ય (ધૃતિ)-ચિત્તમાં વ્યગ્રતા થાય તેવા પ્રસંગોમાં ધૈર્યને અચળ રાખે છે-તે.

(૨૧) શૌચ-શરીરની અંદર અને બહારની શુદ્ધિ રાખે.અંતરમાં વિવેક અને આચરણ-નિષ્કામ છે-તે.
(૨૨) અદ્રોહ-સ્વાર્થ સાધવા બીજાના અહિતનો વિચાર નથી કરતો તે.
(૨૩) અમાનિત્વ-લોકો માન આપે ત્યારે જે સંકોચ પામે અને ગર્વથી ન ફુલાઈ જાય તે.
આ પ્રમાણે દૈવી સંપત્તિનાં લક્ષણો વર્ણવી બતાવ્યાં છે.(૧થી ૩)

મુખ્ય રીતે-દંભ (ઢોંગીપણું),ગર્વ (માનીપણું).અભિમાન,ક્રોધ,વ્યર્થ ભાષણ અને અજ્ઞાન- એવા -
લક્ષણો આસુરી સંપત્તિના છે.(૪)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE