Apr 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૮

શ્રીકૃષ્ણ કહે છે-દૈવી સંપત્તિ વડે સંસારમાંથી છૂટકો થાય છે,(મુક્તિ મળે છે) 
–જયારે આસુરી સંપત્તિથી,સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.
હે અર્જુન તુ દૈવી સંપત્તિ  જન્મેલો છે માટે તુ શોક ન કર.(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યોનો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગના લક્ષણો નું વર્ણન આગળ આવી ગયું,
એટલે હવે આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન કર્યું છે. (૬)

આસુરી સંપત્તિ વાળા લોકોને 
-કયું કાર્ય કરવું  (નિવૃત્તિ માર્ગ કરવાનો છે-તેનું) અને 
-કયું કાર્ય ન કરવું (પ્રવૃત્તિ માર્ગ નથી કરવાનો-તેનું)
એનું જ્ઞાન હોતું નથી. તેમજ અંતર્બાહ્ય પવિત્રતા,આચાર,વિચાર  અને સત્યનો પણ અભાવ હોય છે. (૭)

આવા લોકો માને છે-કે-આ જગતમાં ઈશ્વર જેવું કશું નથી,જગત એ ઈશ્વરમાંથી નહિ પણ સ્ત્રીપુરુષના 
સંયોગથી પેદા થયું છે.“કામ” જ એનું મૂળ કારણ છે.આ જગતમાં ધર્મ કે અધર્મની કોઈ મર્યાદા નથી.

આવા વિચારો કરીને તથા ઈશ્વરનો તિરસ્કાર કરીને કેવળ મિથ્યા (ખોટો) બબડાટ કર્યા કરે છે,
તેમના મનમાં કોઈ એક પ્રકારનો નિશ્ચય હોતો નથી.તેથી પોતાને અત્યંત બુદ્ધિશાળી માનીને-
કોઈ એક પ્રકારનો એવો-વિચિત્ર નિર્ણય કરીને-“અમે નાસ્તિક છીએ “એવું જગતમાં કહેતા ફરે છે.

તેમને કશામાં યે શ્રદ્ધા કે છેવટે પોતાની જાતમાં પણ શ્રદ્ધા (આત્મ શ્રદ્ધા) હોતી નથી,
સત્ય રીતે જોવા જતાં તો આવા અલ્પ-બુદ્ધિ અને ભયંકર કર્મો કરનારા લોકો સર્વના વેરી છે,
તે પોતાની જાતનો પોતાની જાતે જ નાશ તો કરે છે,સાથે સાથે જગતનો પણ નાશ કરે છે (૮-૯)

કદી તૃપ્ત ના થાય તેવા કામને આધીન બનીને તથા મોહમાં ફસાઈને ખોટા ખોટા માર્ગો પર ચાલે છે,
દુરાચારી,દંભી અને માન-અભિમાનથી ભરેલા આવા લોકોની ઈચ્છાની દોડ એટલી બધી હોય છે-કે-  
ચારે ય દિશાઓ પણ તેમને પુરી પડતી નથી.
જે પ્રમાણે ગાયને ખેતરમાં છૂટતી મૂકી દીધી એટલે તે ફાવે ત્યાં ચરે છે,તે પ્રમાણે-
આવા આસુરી સંપત્તિ ધરાવતા લોકો ગમે તેવા કર્મોમાં પ્રવૃત્ત થઇ પાપાચરણની વૃદ્ધિ કરે છે.(૧૦)

દુનિયાની સર્વ ચિંતાઓ વિષે વિચારવાનું છોડી,કામોપભોગમાં નિમગ્ન થયેલા આવા લોકો –માત્ર
એટલું જ વિચારે છે-અને એવો જ નિર્ણય લે છે-કે-કામની શાંતિ એ એકમાત્ર પુરુષાર્થ (પ્રવૃત્તિ) છે.

સેંકડો આશાઓ –ઈચ્છાઓ- થી બંધાયેલા અને કામ,ક્રોધથી યુક્ત –આવા લોકો –પોતાની ઈચ્છા પ્રમાણે
ભોગ ભોગવવા માટે અન્યાયથી પુષ્કળ ધન કમાવાની ઈચ્છા પણ રાખે છે.(૧૧-૧૨)

આવા લોકો મનની અંદર તરંગો કર્યા કરે અને પોતાની જાતની બડાઈ હાંકે જઈને કહે છે-કે-
“આ મેં આજે મેળવ્યું,આ મનોરથ ને હું કાલે મેળવીશ, આટલું ધન આજે મારી પાસે છે,
અને બીજું આટલું આવતીકાલે મને મળનાર છે,હું અતિ ધનવાન અને કુલીન છું”
“આ શત્રુને મેં માર્યો,બીજા ને પણ મારીશ,હું અતિ સમર્થ છું,સંપન્ન છું અને હું જ એકલો સુખી છું.
આ જગતમાં મારા જેવો કોઈ બીજો નથી,”

જેમ સમુદ્રમાં તરંગો ઉપર તરંગો આવે છે,તેમ તેમના મનમાં અનેક મનોરથની ઈચ્છાઓ થાય કરે છે,
આવા મનોરથોની અને મોહની જાળમાં ફસાયેલા તથા કામ-ભોગમાં અતિ આસક્ત થયેલા-
મનુષ્યોની વિષયવાસનાઓની વૃદ્ધિ થયે જાય છે,અને તેમના પાપો પણ બળવાન થઇ ને જેમ જેમ વધે છે,
-તેમ તેમ જીવંત અવસ્થામાં જ તેમને નરક-યાતના ભોગવવી પડે છે,
ભોગો ભોગવવામાં તે પોતે જ ભોગવાઈ જાય છે,અને અંતે નરકમાં પડે છે. (૧૩ થી ૧૬)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE