May 26, 2020

ભાગવત રહસ્ય -૨૮૬

નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકીને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકોને માર્યા છે.કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વને –જીવમાત્રને કેદમાં નાખે છે.સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહમાં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.વસુદેવ-દેવકી કારાગ્રહમાં જાગે છે.

આપણે બધા સૂતા છીએ.કારાગ્રહ (સંસાર)માં હોવાં છતાં જીવો જાગતા નથી. પણ ઊંઘે છે.
જે જાગે છે-તેને ભગવાન મળે છે.“જાગત હૈ સો પાવત હૈ,જો સોવત હૈ સો ખોવત હૈ”
ભગવાન માટે જે જાગે છે-જે ભગવાન માટે રડે છે-તેને જ ભગવાન મળે છે-
કબીરદાસ કહે છે-કે-
“સુખિયા સબ સંસાર હૈ,ખાવે અરુ સોવૈ –દુખિયા દાસ કબીર હૈ ,જાગે અરુ રોવૈ.”
(સંસાર સુખી છે,ખાય છે અને ઊંઘે છે,કબીર દુઃખી છે,ભગવાન માટે તે જાગે છે અને રોવે છે)
કબીર --તે ભગવાન - માટે જાગ્યા અને રડ્યા તો ભગવાન તેમને મળ્યા.
મીરાંબાઈ પણ --તે ભગવાન ને માટે જાગ્યા અને રડ્યા –તો ભગવાન તેમને મળ્યા.

દેવકી ના છ બાળકોને કંસે માર્યા. દેવકીને સાતમો ગર્ભ રહ્યો છે.
આ બાજુ -પરમાત્માએ યોગમાયાને આજ્ઞા કરી છે.”મારાં બે કામ તારે કરવાનાં છે”
માયાનો (પ્રકૃતિનો) આશ્રય કર્યા વગર ભગવાન (શુદ્ધ બ્રહ્મ) અવતાર ધારણ કરી શકતા નથી.
શુદ્ધ બ્રહ્મનો અવતાર થઇ શકે જ નહિ.
પરમાત્મા (બ્રહ્મ) જયારે આ જગતમાં આવે ત્યારે માયાને દાસી બનાવીને આવે છે.

સંસારનું કોઈ પણ કાર્ય માયા વગર થતું નથી.
માટે માયાનો ઉપયોગ કરવાનો પણ માયાને આધીન થવાનું નથી,માયાના ગુલામ થવાનું નથી.
માયાને જે આધીન થાય તેને માયા મારે છે. જે ભગવાનને ભૂલે તેને માયા રડાવે છે.
ઈશ્વર શુદ્ધ સ્વરૂપે આવે તો જેને જેને તેનાં દર્શન થાય તેને મુક્તિ મળી જાય.
પણ શુદ્ધ બ્રહ્મ –અવતાર લઇ શકતુ નથી,માયાનું આવરણ લીધા વિના અવતાર શક્ય નથી.

દુર્યોધનને દ્વારકાધીશના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત પરમાત્માનાં દર્શન થયાં.
માયાવરણ-યુક્ત બ્રહ્મ (અવતાર)ના દર્શન થાય –તેને મુક્તિ મળતી નથી.
વિચાર કરો-પરમાત્માના કોઈ પણ અવતાર વખતે આપણે પણ કોઈ પણ યોનિમાં-કે છેવટે કીડી-મંકોડા કેએવું પણ કંઈક ક્યાંક હતા જ.આપણને પણ તે ભગવાન અવતારના દર્શન ક્યાંક થયા જ હશે.
પણ આપણને મુક્તિ મળી નથી.

ભગવાનની આજ્ઞા મુજબ યોગમાયા આવ્યાં છે અને દેવકીજીના સાતમા ગર્ભ ને ત્યાંથી ઉઠાવી અને રોહિણી ના ઉદરમાં સ્થાપે છે.રોહિણીની કુખે દાઉજી મહારાજ (બલદેવ) પ્રગટ થયા છે.બલદેવએ શબ્દબ્રહ્મનું સ્વરૂપ છે,શબ્દ બ્રહ્મ પહેલાં આવે અને પરબ્રહ્મ-શ્રીકૃષ્ણ પછી આવે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE