May 18, 2020

ભાગવત રહસ્ય -૨૭૮-સકંધ-૧૦-પૂર્વાર્ધ

હવે દશમ સ્કંધ (પૂર્વાર્ધ)ની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંધ છે.
દશમ સ્કંધમાં શુકદેવજી ખીલ્યા છે. તેમના ઇષ્ટદેવની કથા છે,લાલાજીની કથા છે.
શ્રીમદ ભાગવત સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે.અનેક જન્મ અનેક સાધન કરતાં પણ મળે નહિ -તે અતિ દુર્લભ મુક્તિ –પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે.
ભાગવતની શરૂઆતમાં-પરીક્ષિત રાજાનો પ્રથમ પ્રશ્ન હતો કે-જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું ?

હવે-શુકદેવજી જો કોઈ યજ્ઞ કરવાની આજ્ઞા આપે તો -કોઈ પણ યજ્ઞ એવો નથી કે-જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈ વિચાર-કે વિકાર આવે નહી તેવો ઉપાય કરવાનો હતો.
શુકદેવજીએ વિચાર્યું-કે –જો સાત દિવસમાં રાજા કૃષ્ણ કથામાં તન્મય થાય તો-તેને મુક્તિ મળે.

મુક્તિ મનને મળે છે-મુક્તિ આત્માના માટે નથી.આત્મા તો સદા મુક્ત જ છે.
સુખ-દુઃખ આત્માને થતાં નથી પણ તે સુખ-દુઃખ મનને થાય છે.
મનને સુખ-દુઃખ થાય –અને તેનો આરોપ આત્મા પર કરવામાં આવે છે.

શુકદેવજી વિચારે છે-કે- રાજાનું મન સાત દિવસ શ્રીકૃષ્ણ સિવાય બીજે ક્યાંય જાય નહિ-તો રાજાને મુક્તિ મળે.વિવેકથી જ્ઞાન વૈરાગ્ય ખૂબ વધે છે-પણ કૃષ્ણમાં જો રાજા લીન થાય તો –તેને મુક્તિ મળે.
મુક્તિ તેને મળે કે જેનું મન મરે છે.પૂર્વ જન્મનું શરીર ભલે મર્યું-
પણ પૂર્વજન્મનું મન લઇ ને જીવાત્મા,જગતમાં આવ્યો છે. મનને કોઈ પણ રીતે મારવાનું છે.
સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો-તે મન ઈશ્વરમાં લીન થાય.

કૃષ્ણ-કથામાં એવું આકર્ષણ છે-કે-તે મનને ઈશ્વરમાં લીન કરે છે. મનને સંસારના વિષયો ના આપતાં-
તેને કૃષ્ણલીલામાં મૂકી દેવાનું –ઘડીક આંખ બંધ કરી વિચારવાનું અથવા -ચિંતન કરવાનું કે-
કૃષ્ણ ગાયો ચરાવવા નીકળ્યા છે,કનૈયો ગાયોને બોલાવે છે,નવડાવે છે,ખવડાવે છે.....
મન પ્રતિકુળતામાંથી હટીને અનુકૂળતામાં જોડાય એ ઉદ્દેશથી આ કથા કરવામાં આવી છે.
આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે,મનુષ્યને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થાય છે-
અને સાથે સાથે,આ કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવે છે.
પરીક્ષિત રાજાનો સંસાર નો મોહ છોડાવવા અને તેને કૃષ્ણ લીલામાં તન્મય કરવા આ કથા છે.

શ્રીકૃષ્ણ લીલા એ નિરોધ-લીલા છે.મનનો નિરોધ કરવાનો છે,
જગતનું વિસ્મરણ અને ભગવત આસક્તિ –એનું નામ નિરોધ.
આપણો આનંદ જ્યાં સુધી બહાર છે-બહારના પદાર્થો પર આધાર રાખે છે-ત્યાં સુધી દુઃખ આપણી પાછળ જ ઉભું છે.આનંદ ક્યાંય બીજે નથી,આનંદ આપણી અંદર જ છે.તે આનંદ લેવાનો પ્રયત્ન કરવાનો છે.
સંસારના વિષયોનું વિસ્મરણ થાય,સંસારનો સંબંધ તૂટે-ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.અને આનંદ આવે છે.

જો સંસારના વિષયોમાં ખરો (સાચો) આનંદ મળતો હોય તો –મનુષ્યને નિંદ્રા માટે ઈચ્છા જ ન થાય.
પણ વિષયોનો આનંદ ભોગવી ને પછી પણ મનુષ્યને નિંદ્રાના આનંદની ઈચ્છા થાય છે.-તે બતાવે છે-
કે સંસારના વિષયોમાં સાચો આનંદ નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE