May 17, 2020

ભાગવત રહસ્ય -૨૭૭

કામ-ને શાસ્ત્રમાં હિત શત્રુ કહ્યો છે,એ કામ કરે છે-શત્રુનું,પણ બતાવે છે-કે-હું તમારો મિત્ર છું.યયાતિ રાજા વિલાપ કરે છે-“મેં મારી શક્તિનો દુર્વ્યય કર્યો,મેં મારું શરીર બગાડ્યું,”કામ-ક્રોધને મિત્ર ન બનાવતાં તેને વેરી બનાવી તેમને ત્યજવા જોઈએ.
દેવયાનીના મોટા પુત્ર –યદુના વંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.નાના પુત્ર પુરુએ પોતાની યુવાની પિતાને આપેલી,તેથી પિતાએ રાજ્ય તેને આપ્યું છે.આગળ જતાં આ વંશમાં દુષ્યંત અને રંતિદેવ નામના રાજા થયા.

રંતિદેવનું ચરિત્ર અદભૂત છે..પોતાને જે મળતું તે તે બીજાને આપતો. રંતિદેવના જીવનનું ધ્યેય હતું કે-
ભલે હું દુઃખી થાઉં,દુઃખ ભોગવું પણ બીજા સુખી થાય-સુખ ભોગવે.
એક દિવસે પ્રાણના સંકટે પણ તેણે પોતાની પાસેનું સર્વ અન્ન,પાણી વગેરે બીજાઓને આપી દીધું.
આગળ જતાં આ વંશમાં શાન્તનુ મહારાજ થયા.તેમને ત્યાં ગંગા દ્વારા દેવવ્રત(ભીષ્મ) થયા.
એક પુત્ર આપી ગંગા વિદાય થયાં.

પિતાના સુખ માટે દેવવ્રત (ભીષ્મે) રાજ્ય,સંપત્તિ અને કામસુખ નો ત્યાગ કર્યો.પિતાએ મત્સ્યગંધા સાથે ફરીથી લગ્ન કર્યાં.બીજા પુત્ર વિચિત્રવીર્ય અને તેના પાંડુ નામના રાજા થયા.
પાંડુના પાંડવો અને તેમના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો.

આ સ્કંધની સમાપ્તિમાં યદુરાજાના વંશનું વર્ણન કર્યું છે.યદુરાજાનો વંશ દિવ્ય છે.
તેમના વંશમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો છે.આગળ જતાં-બાહુકને ત્યાં બે પુત્રો થયા.દેવક અને ઉગ્રસેન.
દેવક રાજાએ સાત કન્યાઓના લગ્ન વસુદેવ સાથે કર્યા. વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન-એ શ્રીકૃષ્ણ. 
ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે.

શ્રીકૃષ્ણ ગોકુલમાં રમ્યા ને ચૌદ વર્ષ મથુરામાં વિરાજ્યા. તે પછી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાનાથ થયા છે.
ગૃહસ્થ ધર્મનો આદર્શ બતાવ્યો.સોળ હાજર રાણીઓ છે-પણ કોઈમાં આસક્ત નથી.
પૃથ્વી પરનો ભાર હળવો કરવા કૌરવો અને પાંડવોનું યુદ્ધ કરાવ્યું.
આમ નવમા સ્કંધમાં સંક્ષેપમાં કૃષ્ણ કથા કહી સંભળાવી.

નવમો સ્કંધ સમાપ્ત.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE