May 16, 2020

ભાગવત રહસ્ય -૨૭૬

સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો.હવે ચંદ્રવંશનો પ્રારંભ થાય છે.ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.અત્રિનો પુત્ર ચંદ્ર,ચંદ્રનો પુત્ર બુધ અને બુધનો પુરુરવા.પુરુરવાનો આયુ.
આ વંશમાં આગળ જતાં યયાતિ નામનો રાજા થયો.ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી,એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર છે,યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલાં.

એક દિવસ એવું બનેલું કે-વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની –બીજી સખીઓ સાથે સ્નાન કરવા ગયેલી.સ્નાન કર્યા પછી શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવયાનીનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું.
દેવયાનીએ ઉશ્કેરાઈ ને-તેને (શર્મિષ્ઠાને) દુષ્ટ વચનોમાં ઠપકો આપ્યો.
એટલે ક્રોધમાં ઉશ્કેરાઈને શર્મિષ્ઠાએ –દેવયાનીને તેનું વસ્ત્ર પાછું ના આપ્યું અને આમ તેનું વસ્ત્ર 
પડાવી લઇ –દેવયાનીને કુવામાં ફેંકી દઈને બીજી સખીઓ સાથે તે ચાલી ગઈ.

તે વખતે યયાતિ રાજા મૃગયા રમવા નીકળેલો તેણે દેવયાનીને કુવામાંથી બહાર કાઢી.
દેવયાનીએ રાજા સાથે પરણવાનો પ્રસ્તાવ કર્યો,અને રાજા યયાતિએ તેનો સ્વીકાર કર્યો.
દેવયાની ઘેર જઈ પિતા શુક્રાચાર્યને બધી વાત કરી.અને પુત્રીની કથાની સાંભળી શુક્રાચાર્ય –
વૃષવર્માના નગરનો ત્યાગ કરી ત્યારથી જવા માટે નીકળ્યા.

વૃષપર્વાને ખબર પડી-એટલે તે શુક્રાચાર્યને મનાવવા આવે છે.
દેવયાનીએ માગ્યું કે-હું જ્યાં પરણું ત્યાં તારી પુત્રી (શર્મિષ્ઠા)ને મારી દાસી તરીકે મોકલવી.
રાજા વૃષપર્વા કબૂલ થયો.તેથી તેની પુત્રી શર્મિષ્ઠા દાસી તરીકે દેવયાનીની જોડે યયાતિને ઘેર ગયેલી.
શુક્રાચાર્યે યયાતિને કહેલું કે-શર્મિષ્ઠા સાથે વિષય સુખ ભોગવવું નહિ.પણ યયાતિએ તે વચન પાળ્યું નહિ.
એટલે શુક્રાચાર્યે તેને વૃદ્ધ બનાવી દીધો.

યયાતિએ –પોતાની વૃદ્ધાવસ્થા દૂર કેવી રીતે થાય તેનો ઉપાય પૂછ્યો.
શુક્રાચાર્યે કહ્યું કે –તારી વૃદ્ધાવસ્થા લઇ અને તેની યુવાની તને આપે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થશે.
યયાતિએ પોતાના મોટા પુત્ર –યદુ-ની પાસે તેની યુવાની માગી.પણ યદુએ ઇનકાર કર્યો.
ત્યારે- નાનો પુત્ર પુરુ તેણે યુવાની આપવા તૈયાર થયો.
યયાતિ એ પુત્ર પુરુની યુવાની લઈને હજારો વર્ષ વિષયસુખ ભોગવ્યું,છતાં તેને તૃપ્તિ ના થઇ.
છેવટે-જીવનના અંતે- તેને વૈરાગ્ય થયો અને જગતને તેણે બોધ આપ્યો-કે-

વિષયો ભોગવવાથી કામવાસના કદી શાંત થતી નથી.પરંતુ જેમ અગ્નિમાં –ઘીની આહુતિ આપવાથી અગ્નિ તીવ્ર બને છે,તેમ કામવાસના વધે છે.મનુષ્ય ઘરડો થાય પણ - આ તૃષ્ણા ઘરડી થતી નથી.
ભર્તૃહરિએ પણ કહ્યું છે-કે-ભોગો ભોગવાતા નથી પણ ઉલટું આપણે ભોગવાઈ જઈએ છીએ.
તૃષ્ણા જીર્ણ થતી નથી પણ આપણે જીર્ણ થઇ જઈએ છીએ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE