May 15, 2020

ભાગવત રહસ્ય -૨૭૫

ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણમાં સુંદરકાંડ છે.સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીનાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિનાં દર્શન થાય છે.સમુદ્રને (સંસાર સમુદ્રને) ઓળંગીને જે જાય,ત્યારે તેને પરાભક્તિનાં દર્શન થાય.માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ છે.તે શક્તિથી તે સમુદ્રને ઓળંગે છે.

સમુદ્ર ઓળંગે એટલે પહેલાં રસ્તામાં “સુરસા” (સારા રસો) મળે છે.સુરસા ત્રાસ આપે છે.
નવીન રસ લેવાવાળી વાસનામય જીભ (ઇન્દ્રિયો) એટલે જ સુરસા.
જેને સંસાર-સમુદ્ર ઓળંગવો હશે –તેણે- જીભને (ઇન્દ્રિયોને) મારવી પડશે-વશ કરવી પડશે.
હનુમાનજીએ સુરસાનો પરાભવ કર્યો છે.
મનુષ્યને સુખ આપનાર ,જીવનને સુંદર બનાવનાર સંપત્તિ નથી-પણ સંયમ છે.
સંયમ રાખી જેનું જીવન ભક્તિમય થાય તેનું જ જીવન સુંદર બને છે.

સીતાજી એ પરાભક્તિ છે,અને પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહિ,તેથી તે “અશોક”વનમાં રહે છે.
જીવને એકવાર પરમાત્માએ અપનાવ્યો પછી ત્યાં શોક કે મોહ રહી શકે નહિ.
સીતાજીએ હનુમાનજીને અપનાવ્યા છે.

સુંદરકાંડ પછી આવે છે-લંકાકાંડ.જીવન સુંદર અને ભક્તિમય થયું –ત્યાર પછી રાક્ષસો મરે છે.
કામ,ક્રોધ,લોભ,મોહ મત્સર-આ બધા વિકારો તે રાક્ષસો છે. ઘણા લોકો કહે છે-કે આ વિકારો જશે પછી ભક્તિ કરીશું,પણ એ વાત સાચી નથી.ભક્તિ વગર આ વિકારો જતા નથી.
ભક્તિથી જ ધીરે ધીરે વિકારો ઓછા થાય છે.
કામને જે મારે તે કાળને મારી શકે છે,લંકા શબ્દ ને ઉલટાવો –તો થશે-કાલ (કાળ).
કાળ સર્વને મારે છે-પણ હનુમાનજી કાળને મારે છે.લંકાને બાળે છે..

લંકા કાંડ પછી આવે છે-ઉત્તરકાંડ.
તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે.ઉત્તરકાંડમાં મુક્તિ મળશે.
કાકભુશુંન્ડીએ ગરુડજીને જ્ઞાન અને ભક્તિ સમજાવ્યા અને અંતમાં ભક્તિની મહત્તા બતાવી છે.
વશિષ્ઠજી એ પણ રામજીને કહેલું કે-
ભક્તિના જળ વગર અંતઃકરણના મળનો કદી નાશ થતો નથી.(યોગવશિષ્ઠ)
ઉત્તરકાંડમાં ભક્તિનો મહિમા છે.ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત ના થાય તે ભક્ત.

પૂર્વાર્ધમાં રાવણને (કામને) મારે –તેનો ઉતરાર્ધ-ઉત્તરકાંડ-સુંદર બને છે.
જીવનના યૌવન કાળમાં જે કામને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે.જ્ઞાન-ભક્તિ મળે છે.તે રાજ કરે છે.
શરીર દુર્બળ થાય પછી-સંયમ રાખે તેમાં શું આશ્ચર્ય ?

રામાયણના -આ સાત કાંડોનું નામ આપ્યું છે-સોપાન.
માનવજીવનની ઉન્નતિના આ સાત પગથિયાં છે. મુક્તિનાં સાત પગથિયાં છે.
રામકથા સાગર જેવી છે. રામજીના ચરિત્ર નું કોણ વર્ણન કરી શકે ?તેનો પાર નથી.
કંઈ નહિ-તો-છેવટે-શિવજીના જેમ હૃદય માં –રામનું નામ રાખવામાં આવે તો પણ ઘણું છે.
હનુમાનજી કહે છે-કે-સંસારમાં વિપત્તિ તે જ છે-કે-જયારે રામના નામનું સ્મરણ ના થાય.

રાજ્યાભિષેક પછી-અયોધ્યાવાસીઓને રામજી –બોધ આપે છે.
આ બોધ માત્ર અયોધ્યાવાસીઓ માટે જ નહિ પણ આપણા સર્વને માટે છે.
“આ માનવશરીર મળ્યું છે-તે વિષય-ભોગ ભોગવવા માટે નથી. વિષયનું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે,અને અંતે તે દુઃખમય છે. માનવશરીર પામ્યા છતાં-જે મનુષ્ય –વિષયો પાછળ જ લાગી રહે છે.
તે મનુષ્ય તો અમૃત –આપી અને તેના બદલામાં વિષ-લઇ રહ્યો છે.”
ભાગવતમાં -સંક્ષિપ્તમાં આવતી આ રામાયણકથાની અહીં સમાપ્તિ થાય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE