Jun 3, 2020

ભાગવત રહસ્ય -૨૯૪

લોકો વર્ષમાં એકવાર નંદમહોત્સવ કરે છે,પણ,નંદમહોત્સવ તો રોજ કરવો જોઈએ.નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.

પ્રાતઃકાળ માં ધ્યાન કરવું જોઈએ ,માનસી સેવા કરવી જોઈએ.ઉત્સવ કરવો જોઈએ.
ઊત=ઈશ્વર અને સવ=પ્રાગટ્ય.ઈશ્વરનું પ્રાગટ્ય તે ઉત્સવ. 
ઉત્સવમાં પૈસા મુખ્ય નથી,પ્રેમ મુખ્ય છે. ધન મુખ્ય વસ્તુ નથી,મન મુખ્ય છે.
અતિશય પૈસાદાર પણ ઉત્સવ કરી શકે અને અતિશય ગરીબ પણ ઉત્સવ કરી શકે.

ભાવથી સત્કર્મ સફળ થાય છે. ભક્તિમાં સ્થિતિ એ ગૌણ છે,સ્થિતિ પ્રમાણે ભક્તિ કરવાની છે.
અને પ્રભુએ ન આપ્યું હોય તો પ્રભુ પાસે ભીખ માગવાની નથી.(ગોપીઓ ની જેમ આપવું-પણ માગવું નહિ)
મંદિરમાં નહિ,પણ નંદ મહોત્સવ આપણા ઘરમાં જ કરવો જોઈએ.
નંદ મહોત્સવનો આનંદ-જો- મંદિરમાં થશે-તો તે આનંદ મંદિરમાં જ રહેશે.

જીવાત્મા-એ પરમાત્મા છે. જીવાત્માનું ઘર –તે-આપણું શરીર છે.
અંદરનો આનંદ મળે તો ઉત્સવ (પ્રભુનું પ્રાગટ્ય) થાય.
નંદ મહોત્સવ –એટલે શું પેંડા વહેચવાના ? ના-ના- આ તો આનંદ નો અતિરેક છે.
ઉત્સવ તો હૃદયમાં થાય.ઈશ્વરનું પ્રાગટ્ય –ત્યારે થાય જયારે મનુષ્ય દેહમાં હોવા છતાં –દેહનું ભાન ના રહે.
જગત ભુલાય અને પ્રભુ પ્રેમમાં તન્મયતા થાય તો-આનંદ મળે છે.
પરમાત્માના સ્મરણમાં તન્મય થવા ઉત્સવ છે.

સંસારના સુખ-દુઃખની અસર મન પર ન થાય તે માટે ઉત્સવ કરવાનો છે.
દેહમાં હોવાં છતાં –દેહથી આત્માને છુટો પાડવા ઉત્સવ છે.
દેહમાં હોવાં છતાં –દેહાતીત આનંદનો અનુભવ કરવા ઉત્સવ છે.
નંદ-મહોત્સવમાં વ્રજ-વાસીઓ એવા ઘેલા બન્યા છે-કે-કોઈને દેહનું ભાન નથી.
દેહધર્મ ભુલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે.પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય તો –ભુખ તરસ ભુલાય છે.

નંદ મહોત્સવ રોજ કરે તેનો આખો દિવસ આનંદમાં જાય છે.પરંતુ તે નંદ-મહોત્સવની તૈયારી કરવી પડે છે.
ગો=ઇન્દ્રિય અને કુલ=એટલે સમૂહ.ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં ભેગો થાય છે-તે-હૃદય.
હૃદય ગોકુલ છે,શરીર એ મથુરા છે અને નંદ - એ જીવ છે.
હૃદય ગોકુલમાં બાલકૃષ્ણ ને પધરાવી,મનને આસક્તિમાંથી બચાવીએ તો શરીર પવિત્ર (મથુરા) બને.
પરમાત્માની સેવા-સ્મરણ કરતાં હૃદય પીગળે,ત્યારે હૃદય ગોકુલ બને અને આનંદ પ્રગટ થાય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE