May 31, 2020

ભાગવત રહસ્ય -૨૯૧

નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”

જયારે બીજી બાજુ-યશોદા મા જાગ્યા છે.પ્રકાશનો પુંજ છે,અને શ્રીઅંગમાંથી કમળની સુવાસ આવે છે.
યશોદા મા અને બાલકૃષ્ણલાલની ચાર આંખ મળે છે. પરમાનંદ થયો છે.
નંદબાબાની નાની બહેન સુનંદા છે-તે જાગી અને ભાભના ઓરડામાં આવી.તેણે જોયું તો ભાભીની ગોદમાં સુંદર બાળક છે.ચારે તરફ પ્રકાશ ફેલાયો છે.તેના હર્ષનો પાર નથી-દોડીને ભાઈને ખબર આપવા પહોંચી છે-
“ભૈયા-ભૈયા-લાલો ભયો હૈ “ અતિશય આનંદ થયો છે.

વ્રજવાસીઓ આનંદમાં છે,નંદબાબાને યમુનામાં સ્નાન કરવા કરવા લઇ જાય છે,સ્નાન પછી સોનાના પાટલે બેસાડ્યા છે, પુણ્યાહ્ વાચન થયું.નાન્દીશ્રાદ્ધમાં પિતૃઓનું પૂજન થયું.વ્રજવાસીઓ કહે છે,કે –બાબા અમારે મોટો ઉત્સવ કરવો છે.શાંડિલ્ય ઋષિ કહે છે-બાબા,વૃદ્ધાવસ્થામાં તમારે ત્યાં પુત્ર થયો છે,તમારે આજે દાન કરવું જોઈએ.તમે દાન નો સંકલ્પ કરો.નંદબાબા ઉદારતાથી દાન આપે છે.
અન્નદાન,વસ્ત્રદાન,સુવર્ણદાન અને ગાયોનું દાન કર્યું છે.

બ્રાહ્મણોને એટલું બધું દાન કર્યું કે એક બ્રાહ્મણ ને આશ્ચર્ય થયું અને કહે છે-કે-
બાબા તમારાં લાલા માટે કંઈ રાખશો નહિ ?લાલા માટે અર્ધું રાખો,હું અર્ધું લઇ જઈશ.
નંદબાબા કહે છે-કે-તમારાં માટે કાઢ્યું પછી પાછું ન લેવાય.
બ્રાહ્મણ આશીર્વાદ આપતાં કહે છે-કે-બાબા તમારો લાલો મોટો રાજા થશે,અનેક યજ્ઞો કરાવશે,સોનાની નગરી બાંધશે.મોટા મોટા ઋષિઓ તેના ચરણમાં વંદન કરશે.તે સોળ હજાર રાણીઓનો પતિ થશે.

નંદબાબા આ સાંભળી ગભરાણા, એક બે નહિ પણ સોળ હજાર રાણીઓ ?
આટલી બધી રાણીઓ મારા લાલાને ત્રાસ આપશે. સોળ હજાર આવશે તો ઘરમાં ઝગડો થશે.
બ્રાહ્મણે કહ્યું-કે-બાબા તમારો લાલો કોણ છે તે તમે જાણતા નથી,કનૈયો તો સોળ હજાર રાણીઓને પૂરો
પડશે.તેનો જય જયકાર થશે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE