Jun 1, 2020

ભાગવત રહસ્ય -૨૯૨

આ બાજુ ગોપીઓએ યશોદાને ત્યાં લાલાના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા,અને તેમને --લાલાના દર્શનની “આતુરતા “ જાગી છે--લાલાને “આપવા” ભેટો લઇને દોડી છે.ગોપીઓ કૃષ્ણદર્શન,માટે દોડે છે,જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને મળવા જાય છે.જયારે ગોપીઓ દોડતી લાલાને મળવા જાય છે,ત્યારે તેમના એક એક અંગને –જાણે પ્રભુના દર્શનની ઉતાવળ થઇ હોય તેવું લાગે છે.ઇન્દ્રિયોને જાણે વાચા ફૂટી છે.(ઇન્દ્રિયો બોલે છે)

આંખો બોલવા લાગી-મારા જેવી કોઈ ભાગ્યશાળી નથી,મને લાલાના દર્શનનો આનંદ મળશે.
હાથ બોલે છે-હું ભાગ્યશાળી કે લાલાને હું ભેટ ધરીશ.અને લાલાના સ્પર્શનો મને આનંદ મળશે.
કાન બોલે છે-હું ભાગ્યશાળી કે મેં લાલાના પ્રાગટ્યની વાત સાંભળી,હવે હું લાલાની વાંસળી સાંભળીશ.
હૃદય બોલ્યું કે-લાલાને ઉઠાવી હું આલિંગન આપીશ,મને લાલાના સ્પર્શનું મિલન થશે.
પગ બોલ્યા કે-મારા અનેક જન્મો મને યાદ આવે છે,પૈસા પાછળ,કામ-સુખ પાછળ હું દોડતો હતો,પણ,
આજે કૃષ્ણ-દર્શન માટે દોડું છું.હવે જન્મ-મરણ ના ત્રાસમાંથી છૂટી જઈશ.
પ્રત્યેક ઇન્દ્રિયોને “આનંદ” નો અનુભવ થયો છે.

દોડતી ગોપીઓ ની વેણીમાંથી પુષ્પો ખરીને ગોપીઓના પગ પર પડે છે.
પુષ્પો જાણે કહે છે-કે-કૃષ્ણદર્શન માટે તમે જે “આતુરતાથી” દોડો છો,તેથી તમે ભાગ્યશાળી છે.
તમારાં માથા પર રહેવાને અમે લાયક નથી,તમારી “ચરણ રજ” પામી અમે કૃતાર્થ થઈશું.

ગોપીઓને યશોદાની ગોદમાં સર્વાંગ-સુંદર બાલકૃષ્ણલાલનાં દર્શન થયાં છે, (દૃશ્ય ની કલ્પના કરો)
પ્રથમ દર્શનમાં જ લાલો એક એક ગોપીઓનું “મન” ખેંચી લે છે.ગોપીઓના હ્રદયમાં આનંદ સમાતો નથી,તેમનું હૃદય પીગળ્યું છે,આંખમાંથી આનંદની અશ્રુધાર થઇ છે,
અને ગોપીઓને ખુલ્લી આંખે સમાધિ લાગી છે.

યશોદાજીએ આજે નિશ્ચય કર્યો છે-કે-ગોપીઓ જેટલું લઈને આવી છે,તેનાથી દશ-ગણું મારે તેમને આપવું છે,ઘરમાં કંઈ ના રહે તો વાંધો નહિ પણ મારા લાલા માટે દરેકના આશીર્વાદ લેવા છે.
ગોપી જે માગે તે યશોદાજી આપે છે. અનેક આભૂષણો,વસ્ત્રો,ચાંદીની થાળી ભરી સુકામેવા-વગેરે 
ગોપીઓને આપ્યા છે.કોઈ ગોપીને ચંદ્રહાર આપવામાં,ચંદ્રહાર લાવતાં વાર થઇ તો –
યશોદાજીએ પોતાના ગળાનો નૌલખો હાર ઉતારીને આપી દીધો છે.

પાછા વળતાં તે ગોપી –બીજી ગોપીને –પોતાને નૌલખો હાર મળ્યો તેની વાત કરે છે.
ત્યારે બીજી ગોપી કહે છે-કે-યશોદાજી મને પણ હાર આપતાં હતા પણ મેં હાર લીધો નહિ,
મેં તો યશોદાજી ને કહ્યું-કે મારે કશું જોઈતું નથી,મારે તો લાલો જોઈએ છે.
ત્યારે મને યશોદાજીએ મારી ગોદમાં લાલા ને આપ્યો. યશોદાજી તો જે માગે તેને કનૈયો આપે છે,
અરી સખી, તું હાર-લક્ષ્મીને લઈને ચાલી આવી ? યશોદાજી તો લક્ષ્મી-પતિને પણ આપે છે.

ગોપી નૌલખો હાર લઇને પછી ગઈ અને યશોદાના ગળામાં હાર પાછો પહેરાવ્યો –અને કહે છે-કે-
મા મારી ભૂલ થઇ છે,મને હાર જોઈતો નથી. યશોદા પૂછે છે કે-તારે શું જોઈએ છે ?
તો ગોપી કહે છે કે મારી ગોદમાં લાલા ને આપો, મારે બીજું કશું જોઈતું નથી.
યશોદાજીએ ગોપીને પાસે બેસાડી કનૈયાને ગોદમાં આપ્યો.

અતિશય આનંદ થયો છે,આનંદમાં પાગલ ગોપી,લાલાનો જય જયકાર કરે છે.નાચે છે.
હજારો જન્મોથી વિખુટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે, તે કેમ ના નાચે ?
જો હાથમાં વધુ લક્ષ્મી (પૈસા) આવે તો જીવ નાચે છે,તો આજે તો લક્ષ્મી-પતિ હાથમાં છે.
જીવ અને ઈશ્વરનું મિલન થતાં જીવ નાચે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE