Jun 12, 2020

ભાગવત રહસ્ય -૩૦૩

મહાત્માઓ કહે છે-કે-“તમારો મિત્ર તમને મળે તો –તમારાં સુખ,સંપત્તિને તમારી માન-બડાઈની વાતો તેને ન કરો.પણ તેને શું અડચણ છે,તે પૂછો.મિત્રના સુખદુઃખની વાતો કરી તેણે દિલાસો આપો.દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે.દુઃખીને તમારાં સુખની વાતો સંભળાવશો નહિ.”ઘણા મનુષ્યો તો બીજાને મળે ત્યારે પોતાની જ વાતો કરે છે.”મને માન-પત્ર મળ્યું,મારો વરઘોડો કાઢ્યો” એ બહુ સારું નથી.

નંદબાબા વસુદેવને મળે છે-ત્યારે –“મારે ઘેર દીકરો આવ્યો,લોકોએ અમારું ખૂબ સન્માન કર્યું”
તે વાત કરી નથી. પણ વસુદેવને તેમના દુઃખની વાત પૂછે છે.“કંસ દુષ્ટ છે,વિના કારણ તમને દુઃખ આપે છે,સાંભળ્યું હતું,તમારાં અનેક બાળકોની હત્યા કરી.આ વખતે તમારે ત્યાં કન્યાનો જન્મ થયો હતો,કંસ તેને મારવા આવ્યો હતો.આકાશમાં જઈ તે કન્યા મોટી દેવી થઇ –એવું પણ સાંભળ્યું હતું.”

વસુદેવજી કહે છે-કે એ વાત સાચી છે,તેમાં કંસનો દોષ નથી,પરંતુ મારા કર્મનો દોષ છે.બાબા,હું કોઈને દોષ આપતો નથી.આ તો મારા પાપનું ફળ છે.મારાં પાપ હશે તેથી મારાં સંતાનો મર્યાં.
પણ બાબા,તમારા ઘેર કનૈયો જન્મ્યો ત્યારે મેં માની લીધું કે –નંદબાબાનો દીકરો એ મારો જ દીકરો છે.
બાબા,હું રહું છું મથુરામાં પણ મારું મન તમારા ઘરમાં કનૈયામાં જ રહે છે.

નંદબાબા બહુ ભોળા હતા.નંદબાબા માને છે કે –વસુદેવ દુઃખી છે,વસુદેવ અને મારા વચ્ચે વર્ષોથી સંબંધ છે.એટલે તે મારા બાળકને પોતાનો માને તેમાં શું ખોટું છે ? તેને ભલે સુખ થાય.
તેમણે ભોળપણ માં કહ્યું કે-હા,હા, મારા ઘરમાં દીકરો છે તે તમારો જ છે.
વસુદેવ મનમાં વિચારે છે-કે-કનૈયો તો મારો જ છે,હું જ રાતે તમારાં ત્યાં મૂકી ગયો છું.
પણ નંદબાબા આ ગૂઢાર્થ ભરેલી વાણી સમજતા નથી.

વસુદેવને માહિતી મળેલી કે કંસે પૂતનાને છોકરાંઓને મારવા ગોકુળ મોકલી છે,તેથી તેમણે નંદબાબાને કહ્યું-કે-આ દિવસો તમારાં માટે સારા નથી.તમારાં ગામમાં કોઈ રાક્ષસ –રાક્ષસી આવશે. તમે બહાર ફરો તે સારું નથી,જલ્દી ગોકુળ જાવ.ત્યાં ઉત્પાત થવાનો હોય તેવું લાગે છે.
નંદ (એટલે કે “જીવ”) ગોકુળ છોડીને (એટલે કે-ઈશ્વરથી વિમુખ થઇ ને) મથુરા આવે (એટલે કે દેહધર્મમાં આવે) તો ઘરમાં રાક્ષસો (એટલે કે-કામ-ક્રોધ –લોભ-વગેરે) આવે છે.
જીવ ઈશ્વરની સન્મુખ હોય તો કોઈ રાક્ષસ (વિપત્તિ-ઉત્પાત) આવી શકે નહિ.

નંદબાબા ગોકુળ પરત જવા નીકળ્યા છે.ત્યારે વિચારે છે-કે-ગોકુળના ગામડામાં કંઈ મળતું નથી,એટલે 
મથુરામાંથી લાલાને માટે થોડાં રમકડાં લઈશ,રમકડાં લઇ જઈશ તો લાલાજી રાજી થશે.
લોકો બહારગામ જાય છે,ત્યારે બાળકો માટે મીઠાઈ લાવે છે.કેટલાક ડાહ્યા હોય છે તે –લાડીને રાજી કરવામાટે સાડી લઇ આવે છે.પણ ઠાકોરજી માટે કશું લાવતા નથી.

જીવ ઈશ્વરને ભૂલી જાય છે.પણ ઈશ્વર જીવને કદી ભૂલતા નથી.
જીવનો સ્વભાવ છે –કે-તેને જ્યાં સુધી કંઈક આપો-સુખ આપો-ત્યાં સુધી જીવ તમને યાદ કરે છે.
પણ જરા –કોક દિવસ કશું યે ના આપો તો જીવ તમને ભૂલી જાય છે.
ઘરનાં માણસોને આપશો ત્યાં સુધી પ્રેમ બતાવે છે,ઓછું આપશો કે નહિ આપો તો –
આજ સુધીનું આપેલું પણ ભૂલી જશે. પણ લાલાજીને આપશો તો તે હંમેશ યાદ રાખશે.

લાલાજી એકવાર રાજી થાય પછી કોઈ વાર નારાજ થશે નહિ.
મનુષ્ય રાજી થાય છે-પણ તેને નારાજ થતાં પણ વાર લાગતી નથી.
જે તમારાં વખાણ કરે છે-તે તમારી નિંદા પણ કરશે. માટે -લાલાજી રાજી થાય તો જ લાભ છે.
મનુષ્યને નારાજ ન કરો –તેમ રાજી થાય તેમ પણ ના કરો.
પરમાત્મા પુરુષોત્તમ –રાજી થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ.
ઉત્તમ માં ઉત્તમ વસ્તુ લાવી ઠાકોરજી ને અર્પણ કરવી એ ભક્તિ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE