Jul 18, 2020

ભાગવત રહસ્ય -૩૩૫

જગત રહેવાનું,જગતના વિષયો રહેવાના,શરીર રહેવાનું અને મન પણ રહેવાનું.
એટલે મહાત્માઓ કહે છે-કે-“જગતને છોડી ને ક્યાં જશો ? જગતમાં રહો, પણ જગત ને ભગવદ-દૃષ્ટિથી જુઓ.” પણ અજ્ઞાનીઓ જગતને ભોગ-દૃષ્ટિથી જુએ છે,લૌકિક (જગતના) નામરૂપમાં આસક્તિ તે માયા અને અલૌકિક (ઈશ્વરના) નામરૂપમાં આસક્તિ તે ભક્તિ.જગતમાં ભગવદ-ભાવના રાખ્યા વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.દશમ સ્કંધમાં નિરોધ લીલા છે.સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે.

વિષયસુખ-ભોગવ્યા પછી,વિષયસુખ પ્રત્યે મનમાં ક્ષણિક ધૃણા કે વૈરાગ્ય આવે છે,
પણ તે વૈરાગ્ય ટકતો નથી.આવો વૈરાગ્ય જો કાયમ માટે ટકી જાય તો બેડો પાર છે.
મનુષ્યને મનમાં ક્ષણિક વૈરાગ્ય આવે છે પણ માયા એવી છે કે તે વૈરાગ્યને ટકવા દેતી નથી.
મનની વિશેષ કાળજી રાખવાની છે.શરીરના મરવાથી મુક્તિ નથી.પૂર્વજન્મના શરીરનો નાશ થયો છે,
પણ પૂર્વ જન્મના મન ને લઈને આ જીવાત્મા આવ્યો છે,અને જીવાત્મા જાય,ત્યારે તેની સાથે મન જાય છે.
સંસારની કોઈ પણ વસ્તુ મર્યા પછી સાથે આવવાની નથી,સ્ત્રી,પુરુષ કુટુંબ –કોઈ સાથે આવશે નહિ,પણ
માત્ર એક મન સાથે રહે છે,જે સાથે જાય છે. માટે મનની કાળજી રાખવાની જરૂર છે.

સંસારની કોઈ વસ્તુ બગડી જાય તો બીજી મળે છે.પણ મન બગડી જાય છે તો તે બજારમાંથી મળે નહિ.
ઘરનું કામ કરતાં કરતાં જેમ માતાઓ બાળકને સાચવે છે,તેમ સંસારનાં કાર્યો કરતાં મનને સાચવવું જોઈએ.
સાચવવું જોઈએ એટલે તેને વિષયો તરફ જવા દેવાનું નથી.

ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે-કે-મારો અંશ જે જીવાત્મા (આત્મા) છે- તે ત્રિગુણમય (સત્વ-રજસ-તમસ)
માયામાં સ્થિર થઈને મન સહિત પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે.ને વિષયો ને ભોગવે છે.
એટલે તે મન મનુષ્યના મર્યા પછી પણ તેની સાથેજ રહે છે.(ગીતા-૧૫-૭-૯)
આ રીતે ઉપર જોયું તેમ શરીર મરે છે-પણ મન મરતું નથી,
પણ આ જ મન જો મનમોહન (ઈશ્વર) સાથે એક થઇ જાય તો તે મન મરે છે,મન મરે તો મુક્તિ મળે.
આત્મા એ મનનો ગુરૂ છે,આત્મા તો સદા મુક્ત છે,મુક્તિ મળે છે મનને.

લાડુ માં ઝેર છે –એમ કોઈ કહે તો લાડુ કોઈ ખાશે નહિ,તેમ મનને સમજાવવાનું છે કે –વિષયોમાં ઝેર છે,તું તે ખાઇશ નહિ,અને ખાઈશ તો દુઃખી થઈશ.સંસારના વિષયસુખમાં દોષ-દૃષ્ટિ રાખવાની છે.
યોગીઓ આત્મ (પરમાત્મ) સ્વ-રૂપમાં મનનો લય કરે છે.એટલે તે મુક્ત થઇ જાય છે.
મન ને કોઈ વિષય ના આપો તો –વિષયોના ત્યાગથી મન મરે છે,જેમ દીવામાં તેલ ખૂટી જાય ત્યારે-
દીવો શાંત થાય છે.તેમ મનમાં સંસાર ના રહે ત્યારે મન શાંત થાય છે.
જો મનને કોઈ આધાર જોઈતો જ હોય તો –શરૂઆત માં-
તે-મનને પ્રતિકૂળ સ્થિતિમાંથી હટાવી અનુકૂળ સ્થિતિમાં લઇ જવાનું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE